ભારતની આગામી સાર્વત્રિક ચૂંટણીઃ એક અભિનવ સમુદ્રમંથન

સી. બી. પટેલ Tuesday 05th February 2019 14:31 EST
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપ સહુની સાથેનો મારો સંબંધ, મારી દૃષ્ટિએ, માત્ર તંત્રી-પ્રકાશક તરીકેનો જ નથી. આપ સહુ મને આત્મીયજન તરીકે સ્વીકારતા આવ્યા છો તે મારા માટે હંમેશા આનંદ અને ગૌરવની બાબત બની રહી છે. સોમવાર ૨૮ જાન્યુઆરીએ સેન્ટ્રલ લંડનના વેપાર-ઉદ્યોગ મથક તરીકે આગવી નામના ધરાવતા સિટી વિસ્તારમાં આવેલા ગીલ્ડ હોલમાં ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિન (ગણતંત્ર દિવસ)ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ઉજવણી પ્રસંગે સિટી ઓફ લંડનના લોર્ડ મેયરે આ ભવ્ય સ્થળને ભારત સરકારને સાદર કર્યું હતું. આ અંગેનો અહેવાલ આપ સહુએ ગયા સપ્તાહના અંકમાં વાંચ્યો છે.
સમારંભ પૂરો થયા બાદ ભારતની જાણીતી ટીવી ચેનલ્સના સંવાદદાતાઓ સાથે ચર્ચા, વિચારોના આદાનપ્રદાનનો અવસર સાંપડ્યો. અને ચર્ચા-વિચારણનો અવસર ચૂકે તે સી.બી. નહીં. છેલ્લા થોડાક સમયથી ભારતીય સમાજમાં જોવા મળી રહેલા પરિવર્તનથી શરૂ થયેલી ચર્ચાનો સિલસિલો - હરહંમેશની જેમ આ વખતે પણ - ભારતના રાજકીય માહોલ સુધી પહોંચ્યો હતો. ચર્ચાના કેન્દ્રસ્થાને એક જ સવાલ હતોઃ આગામી લોકસભા ચૂંટણીમાં શું થશે? દેશ માથે સામાન્ય ચૂંટણીઓ તોળાઇ રહી છે ત્યારે રાષ્ટ્રીય તખતે કેવા રાજકીય સમીકરણો રચાઇ રહ્યા છે અને તેમાં છેવટે કોણ લાભમાં રહેશે તે મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય હતો. વતનમાં વસતાં આમ આદમીથી માંડીને રાજનેતાઓ સાથે હું સતત સંપર્કમાં રહું છું તે વાતથી વાકેફ એક સંવાદદાતાએ મને પૂછ્યછયુંઃ સી.બી., તમને શું લાગે છે? નરેન્દ્ર મોદી સરકાર ફરી ચૂંટાશે?
આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં મેં જણાવ્યું કે...
ચૂંટણી આડે હવે ગણતરીના સપ્તાહો જ બાકી રહ્યા છે. ચૂંટણીની તારીખ તો કેન્દ્રીય ચૂંટણી પંચ (સીઇસી) જ નક્કી કરશે, પણ આગામી મે મહિનાના અંત પહેલાં ચૂંટણી યોજાઇ જવાની આશા છે. વાચક મિત્રો, આ ચર્ચા વેળા મને બ્રિટિશ વડા પ્રધાન હેરલ્ડ વિલ્સન યાદ આવી ગયા. તેમણે ૧૯૬૮માં એક રાજકીય વિવાદ સંદર્ભે જણાવ્યું હતું કે ‘રાજકારણમાં એક સપ્તાહની મુદત પણ બહુ લાંબો સમય ગણી શકાય’. આ સંદર્ભે કહું તો ચૂંટણી પરિણામ વિશે અત્યારે કોઇ અંદાજ બાંધવો જોખમનું પડીકું જ ગણાયને? છતાં મેં આ પત્રકારને જવાબદારીપૂર્વક જણાવ્યું કે અત્યારે મળી રહેલા એંધાણ પ્રમાણે તો મારું માનવું છે કે ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએને ઓછામાં ઓછી ૩૪૦ બેઠકો મળશે. ગત ચૂંટણી વેળા, ૨૦૧૪માં આ આંકડો ૩૩૩ હતો.
ભારતમાં અત્યારે અભૂતપૂર્વ રાજકીય ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે. નેતાઓથી માંડીને આમ આદમીમાં ક્યારેય ચૂંટણી મુદ્દે આટલી ઉત્સુક્તા જોવા મળી નથી. આ માહોલ જોતાં કેટલાક નિરીક્ષણો ઉપયોગી માર્ગદર્શક ગણી શકાય...
રવિવારે સાંજથી કોલકતામાં ધરણાં-પ્રદર્શન યોજીને મમતા બેનરજીએ આગામી ચૂંટણી જંગમાં રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર સરકારનું એક નવું જ પરિમાણ ઉમેર્યું છે. કોલકતા હાઇ કોર્ટ કે નવી દિલ્હીમાં બેસતી સુપ્રીમ કોર્ટ આ મામલે કેવો અભિગમ અપનાવે છે એ તો સમય જ કહેશે. પરંતુ અત્યારે તો ઓડીસાના બીજુ જનતા દળ (બીજેડી) અને તેલંગણના ટીઆરએસ સિવાયના લગભગ તમામ વિરોધ પક્ષોએ મમતા દીદીના હઠાગ્રહમાં હાએ હા ભણી છે. ભારતના રાજકીય તખતે આકાર લઇ રહેલા આ નવતર ઘટનાક્રમ ઉપરાંત તાજેતરના સપ્તાહોમાં બનેલા કેટલાય બનાવો, ઘોષણાઓ કે મતમતાંતરોના પરિણામે મતદારોના મિજાજનો તાગ મેળવવો મુશ્કેલ જણાય છે. જોકે આમ છતાં નરેન્દ્ર મોદી સરકારને પાંચ વર્ષ પૂરાં થઇ રહ્યા છે એ હકીકત છે. મોદી સરકાર સર્વાંગી રીતે પરફેક્ટ છે એમ કહેવું કદાચ યોગ્ય ન ગણાય. તેમ છતાં અગાઉની અન્ય સરકારોની સરખામણીએ મોદી સરકારે ભારતને અનેકવિધ ક્ષેત્રે વિકાસની નવી સોગાદ સાદર કરી છે તેમાં કોઇ બેમત હોય શકે નહીં.

અર્થતંત્ર

વૈશ્વિક સ્તરે, દેશ-દેશાવરમાં વિવિધ કારણસર આર્થિક મોરચે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકાનું રાજકારણ, મિડલ ઇસ્ટમાં ઉકળતો ચરુ+આતંકવાદ, ચીન-અમેરિકા વચ્ચેનો ગજગ્રાહ અને તેના જેવા કંઇકેટલાય પ્રશ્નો વૈશ્વિક અર્થતંત્રને ભરડામાં લઇ રહ્યા છે. આતંકવાદની સમસ્યા આમ તો દરેક દેશને વધતા-ઓછા અંશે કનડી રહી છે. આ બધા નકારાત્મક પરિબળો હોવા છતાં વર્લ્ડ બેન્ક, ઇન્ટનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) જેવા વૈશ્વિક નાણાં સંસ્થાનો ઉપરાંત વિશ્વના મોખરાના વેપાર-ઉદ્યોગ સંગઠનો, આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ મોદી સરકારે ભારતમાં સકારાત્મક આર્થિક પરિવર્તન આણ્યું હોવાની વાત આંકડાઓ સાથે જાહેર કરતી રહી છે તે આપણે સહુ જાણીએ જ છીએ.
એક રાષ્ટ્ર, એક વેરોના સૂત્ર સાથે લાગુ કરાયેલા જીએસટી (ગુડ્સ એન્ડ સર્વીસીસ ટેક્સ)ના લાભાલાભ અંગે ભારતમાં ભલે મતમતાંતર પ્રવર્તતા હોય, પરંતુ વિદેશમાં તેને સંપૂર્ણ આવકાર મળ્યો છે. નોટબંધી બાબત મોદી સરકારનું પગલું વિવાદાસ્પદ રહ્યું હોવા છતાં તેના કેટલાક લાભ પણ ઓછાવત્તા અંશે આજે જોઇ શકાય છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
ભારતમાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે જોવા મળતી કાયદાકાનૂનની માયાજાળ દૂર કરવામાં આવી છે. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઇઝ ઓફ ડૂઈંગમાં ભારતનું રેટિંગ સુધરી રહ્યું છે. ભારતમાં સીધું વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ) જંગી માત્રામાં ઠલવાઇ રહ્યું છે. સરકારે વિદાય પૂર્વેના છેલ્લા સપ્તાહોમાં - સવિશેષ તો વચગાળાના બજેટમાં - અમુક અંશે, દેશની તિજોરીના દરવાજા થોડાક વધુ ખુલ્લા મૂક્યા હોવા છતાં તેના થકી તિજોરીમાં અવાસ્તવિક ખાધ સર્જાવાની કે તેના પગલે ઇન્ફ્લેશન રેટ (ફુગાવા દર)માં ઉછાળો આવવાનું કોઇ જોખમ જણાતું નથી. આર્થિક નિષ્ણાતોના મતે, વચગાળાના બજેટમાં સમાજના વિવિધ વર્ગોને અપાયેલા (ચૂંટણીલક્ષી) આર્થિક લાભોથી દેશની તિજોરી પર ખાસ બોજ વધે તેવી શક્યતા નહીંવત્ છે. ખાધમાં માત્ર ૦.૦૨ પોઇન્ટ વધારો થવાની ધારણા છે. આમ આર્થિક ક્ષેત્રે જોવા મળતા આ સંકેત રાષ્ટ્રના ઉજળા ભવિષ્યના એંધાણ ગણી શકાય.

બેરોજગારી

ભારતમાં બેકારી બાબત ખૂબ ઉહાપોહ ચાલી રહ્યો છે અને તે અસ્થાને પણ નથી. તાજેતરના તારણ અનુસાર, ભારતમાં ૨૦૧૭-૧૮માં બેરોજગારી દર ૬.૧ ટકા નોંધાયો છે, જે છેલ્લા ૪૫ વર્ષમાં સૌથી ઊંચો છે. આઝાદીના સાત દસકા પછી પણ દેશમાં ૧૪ કે ૧૫ ટકા એટલે કે વીસેક કરોડ વ્યક્તિઓ રોજગારથી વંચિત હોવાનું મનાય છે. આ આંકડા કોઇ પણ દેશની સરકાર માટે ચિંતાજનક ગણી શકાય. આ ઓછું હોય તેમ, ઔદ્યોગિક ક્ષેત્રે ઓટોમેશનના પગરણ થઇ રહ્યા છે. કૃષિથી માંડીને ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રે આવી રહેલી ડિજિટલ ક્રાંતિના પગલે માનવશક્તિની જરૂરત ઘટી રહી છે. નજીકના ભવિષ્યમાં તો ભારત કે તેના જેવા કેટલાય વિકાસશીલ દેશોમાં સંપૂર્ણ રોજગારી શક્ય જણાતી નથી એ વાતનો આર્થિક નિષ્ણાતો પણ સ્વીકાર કરે છે.

સરહદ સુરક્ષા

મોદી સરકારે દેશની શાસનધુરા સંભાળી ત્યારથી અત્યાર સુધીમાં ભલે પાકિસ્તાન કે ચીન જેવા પાડોશી દેશોની હેરાનગતિ સાવ બંધ ન થઇ હોય, પરંતુ હકીકત છે કે આ બન્ને દેશો સામે ભારત સંરક્ષણ મોરચે વધુને વધુ સંગીન સ્થિતિ પ્રાપ્ત કરી રહ્યું છે. આ ઉપરાંત આધુનિક વિશ્વમાં સમાન હિત સાધવા માટે - પછી તે અમેરિકા હોય, યુરોપના દેશો હોય, રશિયા હોય, ‘આસિયાન’ દેશો હોય કે વિયેતનામ કે જાપાન હોય - મોદી સરકારે સુદૃઢ રાજદ્વારી સંબંધો વિકસાવ્યા છે. આ હકીકત તો મોદી-વિરોધીઓએ પણ સ્વીકારવી જ રહી. આજનું ભારત હવે સંરક્ષણ ક્ષેત્રે બિચારું નથી રહ્યું. તેના અભિગમની, અભિપ્રાયની વૈશ્વિક સ્તરે નોંધ લેવાય છે. સંરક્ષણ ક્ષેત્રે શ્રેણીબદ્ધ પગલાં લઇને ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે સમાન હિત ધરાવતા દેશો સાથે મજબૂત સંબંધ વિકસાવ્યા છે.

વિદેશવાસી ભારતીયો

મોદી સરકારે હાંસલ કરેલા લક્ષ્યાંકોની વાત કરી રહ્યા છીએ ત્યારે વિદેશવાસી ભારતીયો સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે થયેલા પ્રયાસોની નોંધ લેવી જ રહી. અગાઉની ભારત સરકારની તુલનાએ મોદી સરકારે વિદેશવાસી ભારતીયો સાથેનો નાતો વધુ મજબૂત બનાવ્યો છે. આપણે સહુ આ વાતથી સુવિદિત છીએ. તેમણે દરિયાપાર જઇ વસેલા ભારતીયો સાથેના સંબંધોને વધુ ગાઢ અને અન્યોન્યને હિતકારી બનાવવા માટે સંગીન પગલાં લીધાં છે. વિદેશથી ભારતની મુલાકાતે પહોંચતા પ્રવાસીઓ, અને તેમાંય ભારતવંશીઓનો નોંધાયેલો ધરખમ વધારો શું સૂચવે છે?

ચૂંટણીમાં વાયદા અને તેના પરિણામો

ચૂંટણી અને પ્રેમમાં ઉજળા ભવિષ્ય માટે વચનોની જાણે લ્હાણી થતી હોય છે. ૨૦૧૩-૧૪માં નરેન્દ્રભાઇએ ચૂંટણી જંગમાં કંઇકેટલાય ક્ષેત્રે ભારતના ઉત્થાન માટે ભવ્ય ઇરાદા રજૂ કર્યા હતા તે હકીકત છે. સાંપ્રત કાળના પરિપ્રેક્ષ્યમાં તેને મૂલવતાં એવું પણ જણાશે કે બધા જ ઇરાદા પરિપૂર્ણ થયા નથી, પરંતુ આથી આગામી ચૂંટણીમાં મોદી સરકારનું પત્તું કપાઇ જશે તેવું માની લેવું અયોગ્ય જણાય છે. મારા અવલોકન અનુસાર, તટસ્થ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે નરેન્દ્ર મોદી જે જહાજના સુકાની છે તે - દરિયો તોફાની હોવા છતાં - તેના મુકામ તરફ હેમખેમ આગળ ધપી રહ્યું છે. ભારત જેવો વિશાળ દેશ, કેટલીય બાબતોમાં વિરોધાભાસો ધરાવે છે. શિક્ષણ, વ્યવસાય તેમજ અન્ય ક્ષેત્રે હિમાલય શી સમસ્યાઓ તથા અન્ય પડકારો હોવા છતાં પણ દેશમાં આંતરિક શાંતિ વધુને વધુ વ્યાપ્ત થઇ છે તે પણ સ્વીકારવું જ રહ્યું. અગાઉના વર્ષોના મુકાબલે કોમી દંગલો, હિંસાખોરીમાં ઉડીને આંખે વળગે તેવો ઘટાડો નોંધાયો છે તે વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે.

ભાજપ v/s બીજા બધા જ

ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને સત્તા પરથી હટાવવા માટે મોટા ભાગના વિરોધ પક્ષો મહાગઠબંધનની રચનામાં જોરશોરથી જોડાઇ ગયા છે. જે લોકો આ જોડાણથી અલિપ્ત છે તેમના મનામણા માટે દિવસ-રાત પ્રયાસ ચાલી રહ્યા છે. આમાં કંઇ નવું નથી. લોકતંત્રમાં સમાન વિચારસરણી ધરાવતા પક્ષો એકસંપ થઇને સરકાર રચે તેમાં કંઇ ખોટું નથી, પરંતુ જ્યારે સમાન વિચારસરણીનું સ્થાન અંગત સ્વાર્થ લે છે ત્યારે આ જ મોરચો લોકતંત્ર માટે નુકસાનકારક બની રહેતો હોય છે.
ભૂતકાળમાં ભારતમાં રચાયેલી લઘુમતી સરકારોની કામગીરી પર નજર ફેરવશો તો આ હકીકત સમજાશે. યુપીએ સરકાર હોય, નરસિંહ રાવ સરકાર હોય કે વી. પી. સિંહ સરકાર હોય કે પછી અન્ય પક્ષોની ટેકણલાકડીથી બનેલી મોરારજી દેસાઇ સરકાર હોય - દરેક વખતે સરકારને સમર્થન આપનાર નાના-મોટા પક્ષોએ રાષ્ટ્રહિત કરતાં વ્યક્તિગત સ્વાર્થને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેમનો આ અભિગમ લોકતંત્રને ઉધઇની જેમ કોરી ખાય છે. શંભુમેળા સરકારને સમર્થન પાછું ખેંચી લેવાની ધમકી સતત ઉચ્ચારતાં રહીને તેઓ પોતાના ધાર્યા કામ કરાવતા રહે છે. ભ્રષ્ટાચારની સમસ્યા વકરે છે અને સરકાર આવા કિસ્સા સામે આંખ આડા કાન કરતી રહે છે. મોરચા સરકાર વેળા વહીવટી તંત્ર મોટા ભાગે બિનકાર્યક્ષમ જોવા મળે છે તેનું મુખ્ય કારણ હોય છે યુતિમાં સામેલ પક્ષો વચ્ચે તાલમેળનો અભાવ. કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી જેવા અભિગમ તંત્રને ખોરંભે પાડી દે છે. પરિણામે રાષ્ટ્રની વિકાસ યાત્રા ધીમી પડે છે અથવા તો લગભગ ઠપ્પ થઇ જાય છે.

વિપક્ષમાં વિરોધાભાસી વલણ

વિરોધ પક્ષોમાં વિરોધાભાસી વલણ સ્પષ્ટ તરી આવે છે. જેમ કે, ઉત્તર પ્રદેશમાં ભાજપને પછાડવા ફોઇ-ભત્રીજાએ હાથ તો મિલાવ્યા છે, પણ એક સમયે આ જ ફોઇને ‘પાઠ ભણાવવા’ માટે સમાજવાદી પાર્ટીના માંધાતાઓએ ષડયંત્ર રચીને હુમલો કર્યો હતો. શું માયાવતી આ હુમલો ભૂલી શકે ખરાં? આ જ રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર સામે છેડેલા જંગને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમર્થન આપ્યું છે. રાહુલબાબાએ ‘દીદી’ને ફોન કરીને આ લડતમાં સાથે હોવાની હૈયાધારણ ભલે આપી હોય, પરંતુ કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સંબંધોમાં કેવા રહ્યા છે તે આપણે સહુ જાણીએ છીએ. આમાં પણ સામ્યવાદી જૂથ સાથેનું જોડાણ મોદીના નેતૃત્વ હેઠળના જોડાણને નુકસાનકર્તા કરતાં લાભકર્તા વધુ બની રહે તેવા સંજોગો સર્જાયા છે. ભાજપ કે મોદી વિરોધી કંઇક આવી જ રાજકીય તડજોડ બીજા રાજ્યોમાં પણ જોઇ શકાય છે.
આ બધું કહેવાનો મતલબ એ નથી કે એક વિચાર તરીકે મહાગઠબંધન સાવ વાહિયાત કે નિરર્થક છે, પરંતુ જ્યારે વિવિધ પક્ષની નીતિ અને રીતિ આવા સહયોગ માટે બંધબેસતી ન હોય, એકમેકના ટાંટિયા ખેંચાતા જ રહેવાના હોય તો પછી આવી મોરચા સરકાર દેશનું સુકાન સંભાળે ત્યારે અસરકારક વહીવટ આપી શકે કે કેમ તે મુદ્દે આશંકા તો રહે જ.

જનમતના આંકડા

બ્રિટન સહિત તમામ લોકશાહી દેશોમાં જે તે પક્ષની સરકારની મુદત પૂરી થવાના સમયે હાથ ધરાતા જનમત સર્વેમાં સરકારના વડાને મોટા ભાગે ૫૦ ટકા કે તેથી ઓછું સમર્થન સાંપડતું હોય છે. જ્યારે ભારતમાં અમેરિકાની પ્યુ રિસર્ચ કે જનમત સંશોધન કરતી અન્ય સંસ્થાઓએ હાથ ધરેલા અભ્યાસના તારણો બહુમતી પ્રજાજનો નરેન્દ્ર મોદીની તરફેણમાં હોવાના અણસાર આપે છે. ગયા સપ્તાહે જાહેર થયેલા આવા જ એક તારણ અનુસાર મોદી ૭૨ ટકા મતદારોનું સમર્થન ધરાવે છે. વડા પ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગીની વાત આવે છે ત્યારે નરેન્દ્ર મોદીને ૫૨-૫૩ ટકા મત મળતા હોય અને રાહુલ બાબાને ૩૦-૩૧ ટકા જ મત મળતા હોય ત્યારે કંઇ કહેવાપણું રહેતું જ નથી. આ આંકડા સ્વયં મતદારોનો મિજાજ સ્પષ્ટ કરી દે છે.
આ અને આવા કેટલાય કારણસર હું વ્યક્તિગત રીતે તો માનું છું કે ભારતીય પ્રજાજનો વધુ એક વખત નરેન્દ્ર મોદી સરકારને દેશની શાસનધુરા સંભાળવાનો અવસર આપશે જ, કેમકે આ એક જ શ્રેષ્ઠ વિકલ્પ છે, જેથી શાસનની પહેલી મુદતમાં હાથ ધરેલા, પરંતુ અધૂરા રહી ગયેલા વિકાસકાર્યોને પૂરાં કરી શકે. પહેલી મુદતમાં વિવિધલક્ષી આયોજનો દ્વારા રચેલા વિકાસના નક્કર પાયા પર પ્રગતિની બુલંદ ઇમારતનું નિર્માણ થઈ શકશે. (ક્રમશઃ)


comments powered by Disqus