અબુ ધાબીઃ યુએઇની રાજધાની અબુધાબીમાં મુસ્લિમ કાઉન્સિલ ઓફ એલ્ડર્સ દ્વારા આયોજિત ગ્લોબલ કોન્ફરન્સ ઓફ હ્યુમન ફ્રેટરનિટી (માનવબંધુત્વ માટેના વૈશ્વિક સંમેલન)ને સંબોધતા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજીએ જણાવ્યું હતું કે, ધાર્મિક સહિષ્ણુતા માટે યુએઈ માત્ર બોલતું નથી, કાર્ય કરીને બતાવે છે. યુએઈ દ્વારા સૌપ્રથમ હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન અપાઈ છે. આની વિશેષતા એ છે કે એક મુસ્લિમ દેશ હિંદુ મંદિર બનાવવા જમીન આપે, ડિઝાઈન આઈરિશ કેથોલિક તૈયાર કરે છે. વળી, મંદિરના સલાહકાર સામ્યવાદી નાસ્તિક છે. બીએપીએસ મંદિર માટે આ એક માનવબંધુત્વનો શ્રેષ્ઠ સમન્વય છે. સહિષ્ણુતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સાથે વિશ્વને સંદેશો મળે છે કે ધાર્મિક-આધ્યાત્મિક અંતર્ભાવ જ વૈશ્વિક સુમેળનો અનુસરણીય માર્ગ છે.
કોન્ફરન્સમાં વિશ્વમાંથી ૭૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને ૧૨થી વધુ ધર્મ-આસ્થા સાથે સંકળાયેલા પ્રતિનિધિ જોડાયા હતા. ૧૦થી વધુ પેનલ અને વર્કશોપ યોજાયા હતા. આરબવિશ્વના શાસકોએ આ પ્રસંગે હાજરી આપી હતી. ગ્લોબલ કોન્ફરન્સનો પ્રારંભ યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાનના સ્વાગત પ્રવચન સાથે થયો હતો.
બ્રહ્મવિહારીદાસજીએ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, માનવબંધુત્વ એ વાણી-વાણી વચ્ચેનો સંવાદ નથી, પરંતુ હૃદયનો સમન્વય છે. જ્યારે તમે તમારા હૃદય સાથે વાત કરો છો ત્યારે વિશ્વ સાંભળે છે. યુએઈના ફાઉન્ડિંગ ફાધર શેખ ઝાયદ બિન સુલતાન અલ નાહ્યાન કહેતાં કે, અહીં કોઈપણ જાતિ કે વર્ગના વ્યક્તિ હોય તમામનું સ્વાગત છે. સહિષ્ણુતા એ અમારી જવાબદારી છે અને અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ કહેતા કે, આપણે સર્વત્ર પ્રેમ અને પરસ્પર પ્રીતિ પ્રસરાવવાનું કાર્ય કરવાનું છે. આ જ માનવબંધુત્વ છે.

