રામમંદિર નિર્માણઃ સુપ્રીમમાં સુનાવણીનું ગ્રહણ

Tuesday 05th February 2019 10:38 EST
 

અયોધ્યામાં રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ સાથે સંકળાયેલા કેસનો નીવેડો ક્યારે આવશે તેની રાહ જોઈ રહેલા લોકો હવે અધીરા થઈ રહ્યા છે. છેક ૧૯૫૦થી ચાલતા સંબંધિત કોર્ટ ખટલાઓ અને વિવાદને ઉકેલવા માટે સાત દસકા વીતી ગયા છે તેને મોટો સમયગાળો કહી શકાય. આ સાત દસકામાં પેઢીઓ અને સરકારો બદલાઈ ગઈ, પરંતુ વિવાદનો કોઈ નીવેડો આવી શક્યો નથી. સુપ્રીમ કોર્ટે છેલ્લે જાહેર કરી દીધું કે આ વિવાદ હવે માત્ર જમીનના ટાઈટલ અથવા અધિકાર પૂરતો જ સીમિત રહ્યો છે, પરંતુ તેની સુનાવણી હજુ સુધી શક્ય બની નથી તે વાસ્તવિકતા છે.
થોડા સમય અગાઉ જ વડા પ્રધાન મોદીએ રામમંદિર મુદ્દે કોઈ વટહુકમ લાવવાનો ઈનકાર કરી સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોશે તેમ સ્પષ્ટ કર્યું હતું. જોકે, સુપ્રીમમાં સુનાવણી ન આરંભાતા અને હિન્દુ પ્રજા અને સાધુ-સંતોમાં પ્રવર્તતી ભારે નારાજગી દૂર કરવાના પ્રયાસરૂપે બીનવિવાદાસ્પદ ૬૭ એકર ભૂમિ તેના મૂળ માલિકોને પરત કરવાની પરવાનગી કોર્ટ પાસે માગી છે. લોકસભા ચૂંટણી અગાઉ જ આવું પગલું શા માટે લેવું પડ્યું તે પ્રશ્ન અસ્થાને નથી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધન તેમજ બિહાર સહિતના રાજ્યોમાં ભાજપના સમર્થકો અને હિન્દુત્વ વોટબેન્કની નારાજગી હળવી કરવાનો આ પ્રયાસ જણાય છે. રામમંદિર મુદ્દે શિવ સેના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સાધુ-સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો સતત દબાણ વધારી રહ્યા છે. સંગઠનો સરકારના પગલાથી પણ રાજી નથી કારણ કે સરકાર આ કાર્ય શરૂઆતમાં જ કરી શકી હોત એવી તેમની દલીલ છે. કોંગ્રેસ પણ સત્તામાં આવશે તો રામમંદિર બનાવી આપવાના વચન સાથે મેદાનમાં કુદી પડી છે. રામજન્મભૂમિ ન્યાસને ૪૨ એકર જમીન સીધી તબદીલ કરવાનો વિકલ્પ સરકાર સમક્ષ હતો, પરંતુ સરકારે નવો વિવાદ ન સર્જાય તેને ધ્યાનમાં લઈ આ કાર્ય સુપ્રીમ કોર્ટ મારફત કરાવવાનો નિર્ણય લીધો છે.
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની આસપાસ લગભગ ૭૦ એકર જમીન કેન્દ્ર સરકારની પાસે છે. તેમાંથી ૨.૭૭ એકર વિવાદિત જમીનની વહેંચણી કરતો ચુકાદો અલાહાબાદ હાઇ કોર્ટે આપ્યો હતો, જેના પર સુપ્રીમ કોર્ટે સ્ટે ફરમાવ્યો હતો. હકીકતમાં, હવે જે ટાઈટલ વિવાદ છે તે ૦.૩૧૩ એકર ભૂમિનો જ હોવાનું જણાવાયું છે. સરકારનું કહેવું છે કે વિવાદિત માળખાની આસપાસ સંપાદિત બાકી ૬૭ એકર જમીન કેન્દ્ર સરકારને સોંપી દેવાય. સરકારે પોતાની દલીલમાં ૧૯૯૪ના ઇસ્માઇલ ફારુકી કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે. હવે સરકારની આ અરજી પર ક્યારે સુનાવણી કરાશે તે પણ નિશ્ચિત નથી. સરકારની અપીલ માન્ય રખાય કે ન રખાય એ બંને સ્થિતિમાં એ તો સ્પષ્ટ છે કે મંદિર નિર્માણ સંબંધી કોઇ પણ કામગીરી લોકસભા ચૂંટણી પહેલા થવી મુશ્કેલ છે.
સુપ્રીમ કોર્ટે ૨૯ ઓક્ટોબરથી આ સુનાવણી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ વારંવાર તારીખો બદલાયા છતાં તે શરૂ જ થઈ શકી નથી. અગાઉ, ૪ જાન્યુઆરી અને ૧૦ જાન્યુઆરીએ સુનાવણી થવાની તારીખો આવી હતી અને છેલ્લે જાન્યુઆરીની ૨૯મીએ જસ્ટિસ એસ. એ. બોબડે રજા પર હોવાથી સુનાવણી ટાળવી પડી છે અને નવી તારીખ પણ જાહેર કરાઈ નથી. અગાઉ, જસ્ટિસ યુ. યુ. લલિતે પોતાને બેન્ચથી અળગા કરી દીધા હતા અને તે પહેલા પણ જસ્ટિસ એન. વી. રામન્ના અંગત કારણોસર બેન્ચમાંથી ખસી ગયા હતા. હવે આ બેન્ચમાં ચીફ જસ્ટિસ ગોગોઈ ઉપરાંત જસ્ટિસ એસ. એ. બોબડે, ડી. વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ. એ. નાઝીરનો સમાવેશ થાય છે.


comments powered by Disqus