તબીબી ક્ષેત્રના નિષ્ણાતોએ તાજેતરમાં હાથ ધરેલા એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે જે બાળકો વધુ પડતું એનર્જી ડ્રિંક પીએ છે કે વધુ પડતી ચોકલેટ ખાય છે તેમની વર્તણૂંક ખૂબ ખરાબ થઈ જાય છે. બાળકોની વર્તણૂંકમાં આ પરિવર્તન માટે નિષ્ણાતો એનર્જી ડ્રિંક અને ચોકલેટમાં રહેલા શુગર અને કેફિન તત્વને જવાબદાર ગણાવે છે.
ઇઝરાયલની આઈઆઈએન યુનિવર્સિટીએ ૨૫ યુરોપિયન દેશોમાં ૧૧થી ૧૫ વર્ષની વયનાં ૧,૩૭,૨૮૪ બાળકો પર એક અભ્યાસ કર્યો હતો. જેમાં આ બાળકોએ દૈનિક જીવનમાં ચોકલેટ, એનર્જી ડ્રિંક કે સ્વીટ તરીકે કેટલી શુગર કે કેફિન પેટમાં પધરાવ્યું હતું તેની માહિતી મેળવીને વિશ્લેષણ કર્યું હતું.
અભ્યાસ અનુસાર બ્રિટનમાં જે બાળકોએ વધુ પડતું એનર્જી ડ્રિંક પીધું હતું કે ચોકલેટ ખાધી હતી તેમનામાં બેથી વધુ વખત મારામારી કરે એવી સંભાવના જોવા મળી હતી.
જ્યારે સ્વિડનમાં જે કિશોરોએ નિયત માત્રા કરતાં ત્રણથી સાડા ત્રણ ગણી વધુ શુગરનું સેવન કર્યું હતું તેમનામાં વધુ પડતી આક્રમકતા જોવા મળી હતી.
બાળક માટે કોકા-કોલાના એક કેન કે માર્સ બારમાં ઘણી વધુ પડતી શુગર હોય છે. જે કિશોરોએ વધુ પડતી શુગર લીધી લીધી હતી, તેમનાં વાણીવર્તનનો વિજ્ઞાનીઓએ તુલનાત્મક અભ્યાસ કર્યો હતો.
નિષ્ણાતોએ અભ્યાસમાં અનેક મુદ્દાઓ આવરી લીધા હતા. જેમ કે, આ બાળકો દિવસ દરિમયાન કેટલી વાર લડાઈ કરે છે, અન્ય બાળકો સાથે બોલાચાલી કરે છે કે નહીં? સિગારેટ પીએ છે? આલ્કોહોલ પીએ છે અને દારૂડિયા બને છે?
અભ્યાસમાં બાળકોના શુગર લેવલ અને વર્તણૂંક વચ્ચે મજબૂત નાતો જણાયો હતો. યુકેમાં જે બાળકો વધુ પડતી સ્વીટ, ચોકલેટ અને એનર્જી ડ્રિંક લેતાં હતાં એવાં ૮૯ ટકા સિગારેટ પીવા તરફ કે આલ્કોહોલ તરફ વળ્યાં હતાં.
આ ડેટા સ્કૂલમાં ભણતાં બાળકોની આરોગ્યની વર્તણૂક માટે ભેગો કરવામાં આવ્યો હતો. આ માહિતી ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, કેનેડા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, હંગેરી, ગ્રીસ, આયરલેન્ડ, ઇટાલી, લેટિવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, ધ નેધરલેન્ડ, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્વિડન, સ્વિટ્ઝરલેન્ડ અને યુકેમાંથી એકઠી કરવામાં આવી હતી.
આ અભ્યાસમાં જણાયું હતું કે સ્વિડીશ બાળકો પર શુગરની સૌથી ખરાબ અસર થઈ હતી. તેઓ દિવસમાં બે વાર ઉગ્ર વર્તન કરતાં હતા અથવા આલ્કોહોલનું સેવન કરતા જોવા મળ્યા હતા.
કેટલી શુગરને વધુ પડતી કહેવાય?
દૈનિક ધોરણે કેટલી શુગર લેવી એ વ્યક્તિની ઉંમર પર આધાર રાખે છે.
• જે બાળકો ચારથી છ વર્ષની વયનાં હોય તેમના માટે દૈનિક ૧૯ ગ્રામ શુગરનું મર્યાદા પ્રમાણ જળવાય તે જરૂરી છે.
• સાતથી ૧૦ વર્ષનાં બાળકોએ ૨૪ ગ્રામથી વધુ શુગર ના લેવી જોઈએ અને ૧૧ કે તેથી વધુ વયનાં બાળકોએ ૩૦ ગ્રામથી ઓછી શુગર લેવી જોઈએ.
બાળકોમાં બહુ જ પ્રિય કોલ્ડ ડ્રીન્ક કોકા-કોલામાં ૩૫ ગ્રામ શુગર હોય છે જ્યારે એક માર્સ બારમાં ૩૩ ગ્રામ શુગર હોય છે, જે બાળકોની દૈનિક જરૂરિયાત કરતી ઘણી વધુ છે.
જે બાળકો વધુ પડતી શુગર પેટમાં પધરાવે છે તેમનાંમાં દાંત સંબંધિત તકલીફો, મેદસ્વીતા અને ટાઇપ-ટુ ડાયાબિટીસનાં જોખમ સાથે હૃદયરોગ, કેન્સર જેવી બીમારી થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.

