હેલ્થ ટિપ્સઃ શિયાળામાં સદાબહાર સૂકો મેવો

હેલ્થ ટિપ્સ

Saturday 09th February 2019 05:42 EST
 
 

સમય સાથે સૂકા મેવાનું મહત્ત્વ વધતું જાય છે. તેની સાદી વ્યાખ્યા સમજીએ તો તાજા ફળની સુકવણી કરવામાં આવે અને તેનો પાણીનો ભાગ ઊડી ગયા પછી તેના જે સૂકા ભાગમાં વિટામિન જળવાયેલાં રહ્યાં તેને આપણે સૂકા મેવાના રૂપમાં વાપરીએ છીએ.
સૂકા મેવામાં બદામ, અખરોટ, પિસ્તાં (નમક વગર) ઉપરાંત ચિલગોઝા, ખજૂર, અંજીર વગેરેને ઉપયોગી માનવામાં આવે છે. જ્યારે કાજુ, દ્રાક્ષ વગેરે વધારે પડતાં ખાવા હિતાવહ નથી. ઉપરાંત મોળી સિંગ, તલ વગેરે પણ ખૂબ ઉપયોગી છે.
સૂકા મેવામાં કેલરી વધુ આવે છે માટે એનો ઉપયોગ વધુ પડતો કરવાનું હિતાવહ નથી. આ માટે ઘરમાં એક મુઠ્ઠી મિક્સ મેવાની નાની કોથળીઓ બનાવીને ડબ્બામાં ભરી રાખો, તેથી વધુ પડતો ઉપયોગ ટાળી શકાય. દિવસ દરમિયાન જ્યારે પણ વધુ પડતી ભૂખ લાગે ત્યારે સૂકો મેવો ખાઈ શકાય છે.
સૂકા મેવાના ફાયદા

• અંજીર, ફ્લેક્સસીડ્સ વગેરેમાં ફાઇબર્સ ભરપૂર પ્રમાણમાં આવેલાં છે.

• જો આ બધી વસ્તુઓ વધુ પડતા પ્રમાણમાં ખાવામાં ન આવે તો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે.

• તે પોષણથી ભરપૂર છે. જેમ કે, વિટામિન ‘એ’, એમિનો એસિડ, ઓમેગા-૩ ભરપૂર પ્રમાણમાં આવેલાં છે.

• ખજૂર, અંજીર વગેરે ખાંડની જગ્યાએ દૂધમાં નાખી તેમાં રહેલી ‘નેચરલ શુગર’નો ફાયદો લઈ શકાય છે.

• બદામ, અખરોટ વગેરે પ્રોટીન અને ફાઇબર્સથી ભરપૂર છે. તેમાં આવેલી ‘ફેટ’ હાર્ટ માટે સારી છે.

• બની શકે તો કાજુ અને દ્રાક્ષ ઓછા ખાવાં.

રોગો સામે રક્ષણ આપે છે

ડાયાબિટીસઃ નિયમિત એક મુઠ્ઠી મિક્સ ડ્રાયફ્રૂટ ખાવાથી શરીર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો સામનો કરી શકે છે.

હૃદયરોગઃ સૂકા મેવામાં આવેલી ‘ફેટ’ અને ઓમેગા-૩ ફેટી એસિડથી હાર્ટના રોગો દૂર રાખી શકાય છે.

એન્ટિઇન્ફલેમેટરીઃ સૂકા મેવામાં રહેલું ઓમેગા-૩ શરીરમાં પાણીનો ભાગ અને સોજા ઘટાડે છે. આર્થારાઈટસના દર્દી માટે લાભકારક.

આટલું અવશ્ય ધ્યાન રાખો

• સૂકો મેવો જેમ કે, બદામ, પિસ્તાં, સિંગ નમક વાળા ખાવાં નહીં. તેનાથી શરીરને ફાયદો ઓછો અને નુકસાન વધુ થશે.

• ફ્લેક્સ સીડ્ઝ વગેરે સ્વાદિષ્ટ બનાવવા વધુ પડતાં મીઠાં અને મસાલાવાળાં બનાવાય છે. તેના બદલે ઘરે મીઠા વગર શેકીને ખાવાં વધુ હિતાવહ છે. ફ્લેક્સ સીડ્ઝ દિવસમાં વધુમાં વધુ ૧ ટેબલસ્પૂન ખાઈ શકો.

• વધુ પડતો સૂકો મેવો વજન વધારી શકે છે. દિવસમાં કુલ એક મૂઠી સૂકો મેવો ગમે તે સમયે ખાઈ શકાય છે.


comments powered by Disqus