તા.૪ માર્ચને સોમવારે BAPS સ્વામીનારાયણ મંદિર લંડનમાં મહાશિવરાત્રિનો તહેવાર પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
હિંદુ પંચાંગ મુજબ મહાશિવરાત્રિનો દિવસ ભગવાન શિવની ભક્તિ અને પૂજા અર્ચના કરવા માટે વિશેષ દિવસ ગણાય છે. સવારે મંદિરના સંતો અને સ્વામીઓએ શિવલિંગ પર પરંપરાગત ધાર્મિક વિધિ પ્રમાણે અભિષેક કરીને મહાશિવરાત્રિના પર્વનો પ્રારંભ કર્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન શિવલિંગ પર અભિષેક કરવા માટે ભાઈ-બહેનોની ભીડ જામી હતી. ભક્તોએ શિવલિંગ પર દૂધ, ઘી, મધ, સાકર અને દહીંથી બનેલ પંચામૃતનો અભિષેક કર્યો હતો. પરંપરાને અનુસરતા ભગવાન ભોળાનાથને બિલિપત્રનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો.
હવેલીના પ્રવેશ દ્વાર પાસે બરફનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. ભારતના પ્રસિદ્ધ યાત્રાધામ અમરનાથ ખાતે કુદરતી રીતે બરફમાંથી બનતા પવિત્ર શિવલિંગની પ્રતિકૃતિ સમાન આ શિવલિંગના ભક્તોએ દર્શન કર્યા હતા. ભક્તોએ મંદિરમાં ઓમ નમઃ શિવાયનો પણ જાપ કર્યો હતો.
મહાશિવરાત્રિ પર્વની ઉજવણીના ભાગરૂપે મંદિરમાં ભગવાન શંકર અને પાર્વતીજીની મૂર્તિ સમક્ષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

