ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન તેમની શૌર્યગાથા અને માત્ર ૬૦ કલાકમાં પાકિસ્તાની કબજામાંથી હેમખેમ છૂટવાના કારણે ખૂબજ ચર્ચામાં છે. ગત ૨૭ ફેબ્રુઆરીએ ભારતીય સીમામાં હુમલા માટે ઘૂસણખોરીથી પ્રવેશેલા પાકિસ્તાની યુદ્ધવિમાનોને પાછા ખદેડતી વખતે તેમણે પાકિસ્તાની એફ-૧૬ ફાઈટર જેટને તોડી જ પાડ્યું હતું. જોકે, હુમલાખોર એફ-૧૬ દ્વારા વિમાન લેવાયેલા આખરી બદલાના કારણે અભિનંદનનું મિગ-૨૧ યુદ્ધવિમાન ક્રેશ થઇ જતા તેમણે પેરેશૂટથી છલાંગ મારવી પડી હતી. આ પછી પાકિસ્તાની કબજાના કાશ્મીરમાં જઈ પહોંચેલા અભિનંદનને પાકિસ્તાની આર્મીએ કસ્ટડીમાં લઇ લીધા હતાં. જોકે, ભારતે સર્જેલા ભારે ‘રાજકીય અને લશ્કરી’ દબાણના કારણે જ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને ‘શુભેચ્છા’ તરીકે તેમને મુક્ત કરવાની જાહેરાત કરવી પડી હતી. જો પાકિસ્તાને આ પગલું લીધું ન હોત તો ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે તેવો ભય ખુદ પાકિસ્તાની સેનાને હતો અને વર્તમાનમાં ટુંકુ યુદ્ધ છેડાય તો પણ તેનો સામનો કરવો શક્ય નહિ બને તે હકીકત ખુદ પાકિસ્તાની લશ્કરી વડા જનરલ કમર બાજવાએ કમને પણ સ્વીકારવાની ફરજ પડી હતી.
ભલે દબાણમાં પણ પાકિસ્તાને આપણા જાબાંઝ પાયલોટને મુક્ત કરી સહીસલામત ભારત પરત મોકલ્યાં તેનાથી દેશવાસીઓને રાહત થઈ પરંતુ, પાકિસ્તાન સામે બદલાની ભાવના જરા પણ ઓછી થઈ નથી. પાકિસ્તાન તો ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ કહેવત અનુસાર કદી સુધરવાનું નથી અને તેને વિશ્વના નકશામાંથી મિટાવી દેવું જોઈએની લોકલાગણી વધતી જાય છે. જોકે, ભારતે હંમેશા મોટાભાઈ તરીકે પાકિસ્તાનની નાપાક હરકતો નજરઅંદાજ કરી છે. આવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી જ છે કે પુલવામા શહાદતને ભૂલવામાં આવશે નહિ અને પડોશી દેશ વિરુદ્ધ તમામ મોરચે પગલાં લેવાશે.
છેલ્લા થોડા સમયથી આતંકવાદના શરણસ્થાન હોવાના મુદ્દે પાકિસ્તાન દુનિયા સમક્ષ ભારે બદનામ થયું છે ત્યારે તે ભારતીય પાયલોટને પરત મોકલીને અને શાંતિપ્રસ્તાવ રજૂ કરીને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાને શાંતિપ્રિય અને ભારતને યુદ્ધખોર ઠરાવવા માંગે છે. જો પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવામાં વિલંબ કર્યો હોત તો તેના પર આંતરરાષ્ટ્રીય દબાણ વધવા સાથે વધુ મુશ્કેલી સર્જાવા ઉપરાંત, રાજકીય અને આર્થિક પ્રતિબંધોની શક્યતા પણ ઉભી થઈ હોત. આમ, વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાનું ઈમરાન ખાનનું પગલું કોઈ ‘શુભેચ્છા’ નહિ પરંતુ, ભારત અને વિશ્વના ડરના કારણે જ લેવાયું હતું તે સ્પષ્ટ છે. હકીકતમાં તંગદીલીભરી પરિસ્થિતિમાં કૂટનીતિ અને આંતરરાષ્ટ્રીય દબાણ તેમજ બહાદુરી જ વધુ કારગર હથિયાર સાબિત થાય છે, જેનો ઉપયોગ ભારતે સમજદારીપૂર્વક કર્યો છે. આમ છતાં, પાકિસ્તાની આર્મીએ ભારત અને તેની પ્રજાને ઉચાટમાં રાખવા દસ્તાવેજી કાર્યવાહીના બહાને અભિનંદનની મુક્તિમાં શક્ય તેટલો વિલંબ કરવામાં જરા પાછીપાની કરી નથી તેને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
વિંગ કમાન્ડર અભિનંદનનું સાહસ એટલા માટે અદ્વિતીય ગણાય કે તેમણે અમેરિકી એફ-૧૬ યુદ્ધવિમાન સામે બાથ ભીડવાનું પરાક્રમ કર્યું હતુ. યુદ્ધક્ષેત્રમાં એફ-૧૬ વિમાન અત્યાધુનિક ગણાય છે અને તેની સામે મિગ-૨૧ વિમાનનું ટકવું મુશ્કેલ કે અશક્ય જ ગણાય પરંતુ, વિંગ કમાન્ડર અભિનંદને અશક્યને શક્ય કરી બનાવ્યું. તેમણે પાકિસ્તાની આર્મીના માનસિક ટોર્ચર સામે પણ ઝીંક ઝીલી અને પોતાની રેન્ક કે નામ સિવાયની કોઈ વિગતો આપી નહિ. આનાથી વિરુદ્ધ કામગીરી ભારતીય મીડિયાની રહી જેણે કહેવાતા ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમને આગળ ધરી અભિનંદનના રહેઠાણ, માતા-પિતા અને પત્ની સહિતના પરિવાર વગેરે માહિતી મેળવી ટેલિવિઝન પર જાહેર કરી પાકિસ્તાનના થાળમાં પીરસી આપી. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં મીડિયાએ જવાબદારી સમજવી જોઈએ.
ભારતીય અર્ધલશ્કરી દળ સીઆરપીએફના જવાનોને લઈ જતા કોન્વોય પર પુલવામા ખાતે આતંકી હુમલાની કરૂણાંતિકાનો બદલો લેવા પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદની આતંકી છાવણીઓ પર ભારતીય એરફોર્સે કરેલા અચાનક હુમલાના પગલે સંખ્યાબંધ આતંકીઓ માર્યા ગયાના અહેવાલો છે. જોકે, આ અહેવાલોએ વિવાદ સર્જ્યો છે. ભારતીય હુમલા પછી વાયુસેનાની હિંમત અને બહાદુરીને બિરદાવતા વિરોધપક્ષોએ અચાનક સૂર બદલી નાખ્યો છે. સૌપહેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ હવાઈહુમલા કરાયા વિશે પુરાવાઓ માગીને પોતાની પંગુ માનસિકતાનું પ્રદર્શન કરી નાખ્યું છે. આ પછી, કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને નવજોતસિંહ સિદ્ધુએ પણ હુમલામાં કેટલા આતંકવાદી મર્યા તેની સંખ્યા જાહેર કરોની પિપૂડી વગાડવાની શરૂઆત કરી છે. નવજોત સિદ્ધુએ તો પાકિસ્તાની આતંકી ઠેકાણાઓ પર નહિ, જંગલો પર બોમ્બ વરસાવ્યા હોવાની વાત કરી છે. આવી જ દલીલો પાકિસ્તાની આર્મી અને સરકારે કરી હતી. દેખીતી રીતે જ પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનને ‘પરમ મિત્ર’ ગણાવતા સિદ્ધુની દલીલો રાષ્ટ્રપ્રેમ દર્શાવતી નથી. તમારો વિરોધ સરકાર સામે હોઈ શકે પરંતુ, દેશના લશ્કરની સિદ્ધિ કે કામગીરી સામે પ્રશ્ન ઉઠાવવો કેટલી હદે યોગ્ય ગણાય? કોંગ્રેસના દિગ્વિજય સિંહ આ વિવાદમાં કૂદી પડ્યા છે. દિગ્વિજય સિંહે જૈશના આતંકી થાણાંઓ પર કરાયેલી એર સ્ટ્રાઇક મુદ્દે વડા પ્રધાન મોદી ઉપર નિશાન સાધતા દલીલ કરી છે કે અમેરિકાએ લાદેનને ખતમ કર્યા પછી તેની સાબિતી આપી હતી તે જ રીતે કેન્દ્ર સરકારે પણ એર સ્ટ્રાઇકની સાબિતી આપવી જોઈએ. તેમણે ઈમરાનને સારા પડોશી ગણાવી અભિનંદનને મુક્ત કરવાના બદલ તેમની પ્રશંસા પણ કરી છે. આ જ ઈમરાને ભારત સામે વળતા પ્રહારની જોરશોરથી ધમકી આપી હતી અને અંતે પાણીમાં બેસી જવું પડ્યું હતું. તેમનું પગલું એક રીતે ‘અશક્તિમાન ભવેત સાધુ’ જેવું પણ કહી શકાય. જોકે, વાયુસેનાના વડાએ સ્પષ્ટતા કરી જ છે કે હુમલાના ક્ષેત્રમાં ૩૦૦ જેટલા સ્માર્ટ કે મોબાઈલ ફોન્સ કાર્યરત હતા, જેમની રેન્જનો આધાર લઈને પણ હુમલા કરવામાં આવ્યા હતા. અરે, હવે તો આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા પણ તેની છાવણીઓને ભારતીય હુમલાથી ભારે નુકસાન થયાનો સ્વીકાર કરાયો છે પરંતુ, વિપક્ષના કેટલાક નેતાઓ સત્ય નહિ જોવા કે સાંભળવાની શાહમૃગી માનસિકતાને છોડી શકતા નથી તે ખરે જ દુઃખદ બાબત છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જૈશ એ મોહમ્મદના આતંકવાદી માસ્ટરમાઈન્ડ વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની પેરવી ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટન દ્વારા કરી દેવાઈ છે ત્યારે જ મસૂદ અઝહર જીવતો છે કે નહિ તેના વિશે રોજેરોજ વિવાદાસ્પદ અહેવાલો બહાર આવવા લાગ્યા છે. મસૂદ હુમલામાં ખતમ થયો હોય કે નબળી કિડનીથી મોતનો શિકાર બન્યો હોય તેનાથી ભારતને કોઈ ફરક પડવાનો નથી. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની જવાબદારી અન્ય કોઈ આતંકવાદીના શિરે આવશે તેમાં કોઈ શંકા નથી. આતંકવાદનો રાક્ષસ ‘રક્તબીજ’ જેવો છે, જેના રક્તના એક એક ટીપાંમાંથી નવો રાક્ષસ પેદા થાય છે. જૈશ દ્વારા ફરીથી હુમલો કરે તેવા પણ અહેવાલો મળી રહ્યા છે. અગાઉ, જૈશે ૨૦૦૧ના ઓક્ટોબરમાં કાશ્મીર વિધાનસભા અને ડિસેમ્બરમાં સંસદ પર હુમલો કર્યો હતો તેને પણ યાદ રાખવું જોઈએ. સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ સતર્ક છે. આપણે બધા વિંગ કમાન્ડર અભિનંદનની શૌર્યગાથાનાં ગુણગાન અવશ્ય કરીએ પરંતુ, તેના મૂળમાં રહેલી ૪૪ જવાનોની શહાદતને ન ભૂલીએ અને આતંકવાદને જડમૂળથી ઉખાડવામાં નરેન્દ્ર મોદી સરકારના પગલાંઓને સાથ અને સહકાર આપીએ તે જ વધુ યોગ્ય ગણાશે.
