આંતરરાષ્ટ્રીય મહિલા દિન: સામાન્ય મહિલાની અસામાન્ય સિધ્ધિ

ભારતની પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઇ ગોપાલ જોષી

- જ્યોત્સના શાહ Wednesday 06th March 2019 07:31 EST
 
 

૮ માર્ચના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય દિનની ઉજવણી થશે અને વિવિધ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, મહિલા ઓર્ગેનાઇઝેશન્સ, ફિલ્મ જગત... વગેરે બધા પોતપોતાની રીતે સ્ત્રી સન્માન અને સિદ્ધિઓની રોમાંચક વાતો દ્વારા મહિલાઓને સંકુચિત વાડામાંથી બહાર નીકળવા પ્રોત્સાહિત કરશે. આ પ્રયાસ સરાહનીય છે.
શોષણયુક્ત સમાજમાંથી શોષણમુક્ત બનવું એ બચ્ચાના ખેલ નથી! સદીઓથી પુરૂષપ્રધાન સમાજની ચુંગાલમાં ફસાયેલ, દબાયેલ, કચડાયેલ સ્ત્રીઓ, જેમણે પોતાનું અસ્તિત્વ જ વિસારે પાડી દીધું હોય એના માટે એમાંથી બહાર આવવું એ કેટલું કપરૂં કામ છે? ૨૦મી સદી એટલે સ્ત્રી મુક્તિની લડતની ક્રાંતિકારી ઘટના. સ્ત્રી મુક્તિની ચળવળ સ્ત્રીઓમાં સજાગતા અને સંવેદનાનો સંચાર જરૂર કર્યો છે. જેના પરિણામે આપણા સામાજિક, કૌટુંબિક અને સ્ત્રી-પુરૂષ વચ્ચેના સંબંધોમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. જોકે ઇતિહાસના પાનાં ઉથલાવીએ તો એવી કેટલીક બહાદૂર મહિલાઓ થઇ ગઇ જેમણે પ્રતિકૂળ સંજોગોમાં ભારે સંઘર્ષ વેઠી નવી કેડી કંડારી અન્યો માટે પ્રેરણાદાયી બની એક રોલ મોડેલ તરીકે આગવી પ્રતિભા ઉભી કરી છે.
જીંદગી જીના આસાન નહીં હોતા,
બીના સંઘર્ષ કોઇ મહાન નહીં હોતા,
જબ તક ન પડે હથોડે કી ચોટ,
પત્થર ભી ભગવાન નહીં હોતા.
આ પંક્તિઓ સંઘર્ષ વિના સિદ્ધિ નથી મળતી એ સૂચવે છે. સમગ્ર વિશ્વ ૨૧મી સદીમાં વિવિધ ક્ષેત્રે આગેકૂચ કરી રહ્યું છે ત્યારે આજના આંતરરાષ્ટ્રીય દિને મહિલા વિકાસ કૂચ તરફ એક દૃષ્ટિપાત કરીએ.
આજથી વીસેક વર્ષ અગાઉ સપ્ટેમ્બર-ઓક્ટોબર ૧૯૯૦ના સુપ્રસિદ્ધ અમેરિકન સાપ્તાહિક TIMEના સ્ત્રી વિશેષાંકના મુખપૃષ્ઠ પર સ્ત્રીનો ચહેરો હતો. આ ચહેરાનો અડધો હિસ્સો પ્રકાશમાં અને અડધો અંધકારમાં ચિતર્યો હતો.
એ શું સૂચવે છે? હજી પણ વિશ્વના અનેક દેશોમાં મહિલાઓની હાલતમાં સુધારો થયો નથી. એક વિશાળ સ્ત્રી સમુદાયનું જીવન અંધકારગ્રસ્ત છે. જેની આંખ વેદનાથી છલકાય છે. આજે વિજ્ઞાન તથા ટેકનોલોજીએ હરણફાળ ભરી હોવા છતાં વરવું સત્ય છે કે, નાઇજીરીયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના અંતરિયાળ ગામો જેવા વિસ્તારોમાં લાખો છોકરીને ક્લાસરૂમમાં પ્રવેશવાની તક મળી નથી.
બીજી બાજુ, ઉજ્જવળ ભાવિનો પ્રકાશ સ્ત્રીને પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવાના અવકાશની તકો માટે આવકારી રહ્યો છે. સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે. માતા, પત્ની, ભગિની એમ વિવિધ સ્વરૂપે કુટુંબની બાગડોર સંભાળી શકી છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે છે એ કહેવત કંઇ અમથી નથી બની! એક મા તરીકે એમાં રહેલી શક્તિનો એ પુરાવો છે. વિશ્વમાં દરેક યુગમાં પ્રભાવશાળી મહિલાઓએ પોતાની આગવી પ્રતિભા ઉપસાવી છે.
જીવનના વિધ વિધ ક્ષેત્રે પ્રથમ પગરણ માંડનારને અનેક સંકટો અને સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. અનેક વિપદાઓ વચ્ચે પોતાની ધ્યેય સિદ્ધિ માટે ખંત, ખુમારી અને ખમીર દાખવ્યું છે. શિક્ષણ, કલા, રાજકીય, આર્થિક, વ્યવસાયિક, વ્યાપરિક આદી ક્ષેત્રે પહેલ કરનારને લોઢાના ચણા ચાવવા પડ્યા છે. આપણી લડત આપણે જાતે જ લડવાની છે. જીવનના વિવિધ ક્ષેત્રે કામગીરી બજાવી સિદ્ધિના શિખર સર કરતી સ્ત્રીઓ સૌનું આકર્ષણ બની છે એ એની હિંમત, લગન અને પરિશ્રમના પ્રતાપે છે.
આજે હું આપની સમક્ષ એવી એક મહિલાની વાત રજુ કરૂં છું જેના માટે આપને જરૂર ગૌરવ થશે. હજી આજે ૨૧મી સદીમાં ય ભારતના ગામડાઓમાં હજારો સ્ત્રીઓ અને બાળકો મેડીકલ સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાય છે ત્યારે ૧૯મી સદીમાં જન્મેલી એક સ્ત્રીએ પોતાનો ડોક્ટર બનવાનો સંકલ્પ જીવના જોખમે પૂરો કર્યો.
ભારતની એ પ્રથમ મહિલા ડોક્ટર આનંદીબાઇ ગોપાલ જોષી. તાજેતરમાં ઝી મ્યુઝીક મરાઠીએ આ મહિલા પર ફિલ્મ બનાવી છે.
ઇ.સ. ૧૮૬૫માં મુંબઇ નજીકના કલ્યાણ ગામે જન્મેલા આનંદીબાઇ ગણપતરામ જોષીને નવ વર્ષની બાળવયે લગ્નની બેડીમાં બાંધી દેવાઇ હતી. પતિ ગોપાળરાવ સામાન્ય કારકૂન હતો. પણ આનંદીબાઇની બુદ્ધિપ્રતિભાથી અંજાઇ એને શાળામાં અભ્યાસ કરવા મોકલવા સાહસ ખેડ્યું. સમાજમાં હાહાકાર મચી ગયો. વિરોધના વંટોળ વચ્ચે, હડહડતું અપમાન સહી આનંદીબાઇએ શાળાનું શિક્ષણ પૂરૂં કર્યું અને ડોક્ટર બનવાની ઇચ્છા જાગી.
ડોક્ટર બનવા માટે અમેરિકા જવું પડે. એ જમાનામાં પુરૂષોનું પરદેશગમન સમાજને માન્ય ન હતું તો સ્ત્રી થઇને એકલા પરદેશ જવાની વાતે પ્રલય મચી ગયો. પરંતુ આનંદીબાઇનો નિર્ણય અફર રહ્યો.
૧૮૮૩ની ૭ એપ્રિલે ‘ધ સીટી ઓફ કલકત્તા’ નામની સ્ટીમરમાં બેસીને આનંદીબાઇએ અમેરિકા જવા પ્રયાણ કર્યું.
ગાંધીજી વિલાયત ગયા એના પાંચ વર્ષ પહેલા!
અમેરિકાની પેનિસિલ્વેનીયાની વીમેન્સ કોલેજમાં આનંદીબાઇએ પ્રવેશ મેળવ્યો. અમેરિકામાં રહેતા એક પત્રમિત્ર કાર્પેન્ટરના કુટુંબનો સાથ મળ્યો. સંપૂર્ણ ભારતીય પહેરવેશ, આર્થિક કટોકટીને કારણે કોલેજ નજીક એક નાનકડી રૂમ ભાડે રાખી. જ્યાં ઠંડીથી બચવા તાપણું સળગાવવાનું. એનો ધૂમાડો બહાર લઇ જતી ચીમનીમાં ખરાબી હોવાને કારણે એનો ધૂમાડો આનંદીબાઇના શ્વાસમાં ભરાઇ જતો. એ અવગણી પોતાના સંકલ્પને મહત્વ આપ્યું. પૈસા બચાવવા ખોરાક પણ ઓછો લેતાં પરિણામે અપોષણની તકલીફ વધી. તેમ છતાં ધ્યેય તરફ આગળ વધવા મક્કમ મને આગેકૂચ કરી અભ્યાસમાં મન પરોવ્યું.
૧૮૮૬ની ૧૧ માર્ચે ડોક્ટરની પદવી મેળવી. ભારતની પ્રથમ મહિલા ડોક્ટર બનવાનું અભૂતપૂર્વ સન્માન મળ્યું. કોલ્હાપુરના મહારાજાએ એમને આલ્બર્ટ હોસ્પીટલના મહિલા ડોક્ટર તરીકે નિમણૂંકનો પત્ર મોકલ્યો પણ કુદરતને બીજુ મંજૂર હતું. વહેલી તકે ભારત આવી સેવા કરવા તત્પર એ મહિલા અતિ શ્રમ, અપોષણ અને અસ્વાસ્થ્યને કારણે ટીબીનો શિકાર બન્યાં. ૧૮૮૬ના ઓક્ટોબરમાં ભારત પરત તો ફર્યાં પણ તબિયત વધુ લથડતાં ૧૮૮૭ની ૨૬ ફેબ્રુઆરીએ માત્ર ૨૨ વર્ષની ઉમરે જીવન લીલા સંકેલી લીધી.
કપરાં સંજોગો સામે અડીખમ ઉભા રહીને ભારતીય મહિલાઓ માટે એક વીજ રેખા બની રહેનાર આનંદીબાઇની પ્રતિમા આજે પણ ન્યુયોર્કમાં ગૌરવભેર ઉભી છે.
કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે તે પ્રમાણે, ‘જીવનમાં આજે બધી દિશામાંથી કિનારાની સીમા વિસ્તરતી જાય છે. નદી એક મહાનદી થતી જાય છે...’ આ સ્ત્રીના ચહેરાની ઉજ્જવળ બાજુ છે. દૃષ્ટિ એની દૂર દૂર ક્ષિતિજ પર છે, પરંતુ આવી સ્ત્રીઓની સંખ્યા પ્રમાણમાં અલ્પ છે.
બહેનોએ આત્મસમ્માન સાથે કહેવું પડશે કે, ‘Women are the real architects of the society’ પોતાની શક્તિઓ ઓળખી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું પડશે. હવે સમય બદલાયો છે.
આજે પસંદગીને અવકાશ છે. પહેલાના જમાનામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો એની સરખામણીમાં આજે વધુ સાનુકૂળ વાતાવરણ છે.


comments powered by Disqus