હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નિયમિત પુશઅપથી પુરુષોમાં હાર્ટ ફેલ થવાનું કે કાર્ડિયોવાસ્કુલર જેવી હૃદય સંબંધિત બીમારીનું જોખમ ઘટી જાય છે. આ અભ્યાસ ૧૦ વર્ષ સુધી એવી વ્યક્તિઓ પર કરાયો હતો કે જેઓ દરરોજ ૧૦થી ઓછા પુશઅપ કરતા હતા કે પછી ૪૦થી વધુ પુશઅપ કરતા હતા. હાર્વર્ડની ટીએસ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં આ અભ્યાસ કરનાર જસ્ટિન યાંગે જણાવ્યું કે પુશઅપ હૃદયરોગોથી દૂર રાખવાનો એક સરળ અને હાથવગો ઉપાય છે. નિયમિતપણે પુશઅપ વધારીને હૃદયરોગનું જોખમ ટાળી શકાય છે. કાર્ડિયોવાસ્કુલર રોગોના જોખમને ઓછું કરવા માટે ટ્રેડમિલ ટેસ્ટના પરિણામની સરખામણીએ પુશઅપ વધુ અસરકારક છે. નિયમિત ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો મોંઘો તો પડે જ છે ઉપરાંત તેમાં સમય પણ પુષ્કળ જાય છે. અભ્યાસ કરનાર ટીમ ૧૦ વર્ષોમાં ૧૧૦૪ પુરુષ ફાયર ફાઇટર્સના સ્વાસ્થ્યના ડેટા એકત્ર કરી પરીક્ષણ કર્યું. આ ફાયર ફાઇટર્સની સરેરાશ વય મર્યાદા ૩૯.૬ વર્ષ અને બીએમઆઇ ૨૮.૭ હતો. અભ્યાસના આરંભે આ લોકોની પુશઅપ ક્ષમતા અને ટ્રેડમિલ પર એક્સરસાઇઝ ક્ષમતા મપાઇ હતી. ત્યાર બાદ દરેક વ્યક્તિ દરરોજ ફિઝિકલ ટાર્ગેટ અને એકઝામ પૂર્ણ કરતી. જેના પરથી ખ્યાલ આવ્યો કે જે વ્યક્તિ દરરોજ ૪૦ પુશઅપ કરતા હતા તેમનામાં કાર્ડિયોવાસ્કુલર રોગોનું જોખમ અન્ય લોકો (એટલે કે જેઓ ૧૦થી ઓછા પુશઅપ કરતા હતા)ની સરખામણીએ ૯૬ ટકા ઘટ્યું હતું.

