શનિવાર તા. ૨ માર્ચના રોજ નવનાત ભગિની સમાજે ૮ માર્ચના રોજ આવી રહેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નવનાત ભવન, હેઝ ખાતે બોલીવુડ સંગીત સંધ્યાનું આયોજન કરી સૌ સભાજનોને સૂરીલા બનાવી દીધાં હતાં.
૩૫૦થી વધુ બહેનો-ભાઇઓની હાજરીથી હોલ ખીચોખીચ ભરાઇ ગયો હતો. હોલમાં મહિલાઓની પ્રશસ્તિ કરતાં જાણીતી હસ્તિઓના કોટેશન્સ પ્રદર્શિત કરાયા હતા. શહીદ થયેલા ભારતીય સૈનિકોના આત્માના શ્રેયાર્થે બે મિનિટ મૌન પાળી કાર્યક્રમની શરૂઆત નવકાર મંત્ર અને ગાયત્રી મંત્રના ગાનથી કરાઇ. સમાજના પ્રમુખ રેણુકાબેન મહેતાએ સૌનું ભાવભીનું સ્વાગત કર્યું હતું અને સેક્રેટરી પૂર્ણિમાબેન મહેતાએ બહેનોને પ્રોત્સાહિત કરતા કોટેશન્સ વાંચી સંભળાવ્યાં હતાં.
‘દેખા એક ખ્વાબ તો યે સીલસીલે હુએ’ ‘મૈં શાયર તો નહિં, મગર ઐ હસીં જબસે દેખા મૈંને તુઝકો, મુઝકો શાયરી આ ગઇ’થી માંડીને ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી’ જેવા ૭૦ના દાયકા સહિત લેટેસ્ટ ગીતોની મહેફિલની મોજમાં સૌ તરબતર થઇ ગયા હતાં.
સ્વાદિષ્ટ ભોજન અને સમા ગૃપના સુમધુર સંગીતે એ સાંજને યાદગાર બનાવી દીધી.

