પુલવામા આતંકી હુમલાએ માત્ર દેશમાં વસતાં ભારતીયોને જ નહીં, વિદેશવાસી ભારતીયોને પણ હચમચાવી નાખ્યા છે. વિશ્વભરમાં જ્યાં પણ ભારતીય સમુદાય વસે છે ત્યાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા પ્રાર્થનાસભા, ભજન-કીર્તન, પૂજા, શાંતિપાઠ સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જોકે આ બધામાં શિરમોરસમાન કાર્ય કર્યું છે લંડનમાં વસતાં કચ્છી સમાજે. પુલવામા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા ૨૨ ફેબ્રુઆરીએ યોજાયેલી ભજનસંધ્યામાં કચ્છી દાતાઓએ દાનની ગંગા વહાવીને શહીદોના પરિવારજનો માટે ૩૦ હજાર પાઉન્ડનું જંગી ભંડોળ એકત્ર કર્યું છે.
માદરે વતન કચ્છ છોડીને બ્રિટનમાં સ્થાયી થયેલા કચ્છી ભારતીયોએ શહીદોને અંજલિ આપવા ૨૨ ફેબ્રુઆરીએ સાંજે સ્ટેનમોર મંદિરમાં પ્રાર્થનાસભા યોજી હતી. જેમાં વેમ્બલી સનાતન ભજન મંડળના કલાકારોએ ભજન-કીર્તનની રમઝટ જમાવીને ૬૦૦થી વધુ ભાવિકોના વિશાળ સમુદાયને ભક્તિરસમાં તરબોળ કર્યો હતો. આ સમયે આયોજકોએ શહીદોના પરિવારજનો માટે ભંડોળ આપવા માટે ટહેલ નાખતાં લંડનનિવાસી કચ્છીઓએ ગણતરીની મિનિટોમાં દાનની ઝોળી છલકાવી દીધી હતી. કચ્છી સમાજે ૩૦ હજાર પાઉન્ડનું જંગી ભંડોળ એકત્ર કરીને દેશભક્તિની અનોખી મિસાલ પુરી પાડી હતી, એટલું જ નહીં ભારતીય સમાજના અન્ય સંસ્થાનોને પણ પ્રેરણાનો માર્ગ ચીંધ્યો હતો. આમાં પણ પ્રાર્થનાસભાના સમાપન વેળા ‘એ મેરે વતન કે લોગોં, જરા યાદ કરો કુરબાની...’ ગીત રજૂ થયું ત્યારે તો સમગ્ર માહોલ લાગણીભીનો બની ગયો હતો. લોકોની આંખોમાં આંસુ હતા અને હોઠો પર ગીતના શબ્દો.
આ કાર્યક્રમમાં યુકેના આર્મી વોરન્ટ ઓફિસર અશોક કુમાર ચૌહાણ, આર્મી ઓફિસર અમિત અદૂર સહિતના સેવાભાવી ભારતીય અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કચ્છી સમાજના પ્રોત્સાહક પ્રતિસાદને બિરદાવતા સ્ટેનમોર સ્વામીનારાયણ મંદિરના આયોજકો શામજી શીવજી ડબાસીયા, લક્ષ્મણ શામજી વોરા, ધનુબેન દેવજી ડબાસીયા, કસ્તુરબેન લક્ષ્મણ વોરા સહિતના અગ્રણીઓએ સહુનો આભાર માન્યો હતો. કાર્યક્રમ પૂરો થયો ત્યારે ઉપસ્થિત તમામ મહેમાનો આ પ્રકારના અર્થપૂર્ણ આયોજન માટે આયોજકોને બિરદાવતા જોવા મળતા હતા.

