(વિદ્વાન, વિચારક અને કાર્યકુશળ શ્રી પી. કે. લહેરી ગુજરાત સરકારમાં અનેક મહત્ત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે સૌથી લાંબો સમય ફરજ બજાવવાનું બહુમાન ધરાવતા શ્રી લહેરી નિવૃત્તિ બાદ પણ પ્રવૃત્તિમય જીવન વીતાવી રહ્યાા છે. હાલ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી-સેક્રેટરી તરીકે કાર્યરત હોવા ઉપરાંત અનેક સામાજિક-સેવાકીય સંસ્થાનો સાથે સંકળાયેલા છે. અમારા ખાસ આમંત્રણને માન આપીને તેમણે ભારત-પાકિસ્તાન સંબંધ સંદર્ભે લખી આપેલો આ ખાસ લેખ પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.)
વર્ષ ૧૯૪૭ના ૧૪મી ઓગસ્ટે ગ્રેટ બ્રિટને ભારતના અડધા પંજાબ, બલુચિસ્તાન, સિંધ અને વાયવ્ય સરહદી પ્રાંત એમ પશ્ચિમે ચાર વિસ્તારો અને પૂર્વમાં અડધા બંગાળના પ્રાંતને પૂર્વ પાકિસ્તાનની ઓળખ આપીને નવા દેશનું નિર્માણ કર્યું. ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટને કરાંચી જઈ શ્રી મહમદ અલી ઝીણાનો પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે સોગંધવિધિ કરાવી નવી દિલ્હી પરત ફર્યા તેના થોડા કલાકમાં લાહોરમાં હિન્દુ વિસ્તારમાં વીજળી, પાણીનો પુરવઠો કાપી પાકિસ્તાન સરકારની દોરવણી હેઠળ પશ્ચિમ પાકિસ્તાન પરની હિન્દુ વસ્તી પર જુલમનો કોરડો વિંઝાયો.
ભારત અને પાકિસ્તાન એમ બે નવા દેશો વચ્ચેની સરહદ આંકવાનો સર રેડકલીફટ દ્વારા ચાલતો પ્રોજેકટ અધુરો હતો ત્યારે ઉતાવળે થયેલા દેશના વિભાજનનું સૌથી વિષમય ફળ તે કરોડો લોકોની હિજરત, હત્યા, બળાત્કાર અને બેરોકટોક લુંટફાટ હતા. ભારતીય ઉપખંડના ઇતિહાસનું આ સૌથી દર્દનાક અને શરમજનક પ્રકરણ છે. ચંદીગઢમાં તાજેતરમાં સ્થપાયેલા પાર્ટીશન–મ્યુઝિયમમાં રાખેલી તસવીરો અને અહેવાલો આપણી માણસ તરીકેની બર્બરતાનો પુરાવો આપે છે. અરસ–પરસના અવિશ્વાસ, ઘૃણા અને ધાર્મિક ઝનૂનમાંથી જન્મેલા પાકિસ્તાન અને ભારત વચ્ચે છેલ્લા ૭ર વર્ષમાં આપસી સબંધોમાં ૩૬નો આંકડો રહ્યો છે. આપસના વેરઝેરના ઇતિહાસમાં ચાર યુદ્ધો અને સતત તનાવમાં જીવતી જનતા માટે તો મુખ્ય પ્રશ્ન છે કે કયારે ભારત અને પાકિસ્તાન સારા પાડોશી બનશે?
ભારત અને પાકિસ્તાનની આઝાદી સાથે પ૮પ જેટલા દેશી રજવાડોઓને ગ્રેટ બ્રિટને બક્ષેલી પસંદગીની સ્વતંત્રતા ભારતને ટુકડા ટુકડામાં વહેંચી નાખવાનું જોખમ ધરાવતી હતી. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદૃષ્ટિના કારણે પ૮૨ જેટલા રજવાડાઓનું ભારત કે પાકિસ્તાનમાં વિલિનીકરણ થયું. જુનાગઢના નવાબે તેના મુસ્લિમ લીગના વડા પ્રધાન શાહનવાઝ ભુટ્ટોએ આપેલી સલાહ પ્રમાણે પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. આનાથી નારાજ જૂનાગઢના વતનીઓએ આરઝી હુકુમતની રચના કરી. જૂનાગઢના નવાબને પાકિસ્તાન જવા મજબુર કર્યા. જૂનાગઢ લોકમત દ્વારા ભારતનો હિસ્સો બન્યું તેમ છતાં પાકિસ્તાન કયારેક કયારેક જૂનાગઢ રાજયના પ્રદેશ પરનો પોતાનો દાવો યાદ કરે છે.
હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવા માટે અનેક ધમપછાડા કર્યા તેમજ હિંદુ પ્રજાને રંજાડવામાં મણા ના રાખી ત્યારે સરદાર પટેલે ભારતીય લશ્કર દ્વારા ‘ઓપરેશન પોલો’ કરી હૈદરાબાદ કબ્જે કર્યું અને નિઝામે શરણાગતિ સ્વીકારી અને જોડાણખત કરી આપ્યું.
જમ્મુ-કાશ્મીરના મહારાજા શ્રી હરિસિંહ કાંઈ નિર્ણય ન કર્યો અને પાકિસ્તાને તાઈફાવાળા લુટારાઓ દ્વારા સ્વાતંત્ર્યના ૧૦ સપ્તાહમાં જ યુદ્ધ છેડયું. ભારત સરકારે મહારાજા હરિસિંહની સહમતિ મેળવી અને જોડાણ કરાર કરીને અમુક ભાગને બચાવ્યો, પરંતુ યુદ્ધવિરામ થતા કાશ્મીરનો નોંધપાત્ર હિસ્સો પાકિસ્તાનના કબ્જા હેઠળ રહ્યો છે. ૧૯૪૭, ૧૯૪૮ના કાશ્મીર યુદ્ધમાં અને સામાન્ય સંજોગોમાં પણ ભારત - પાકિસ્તાનના આપસના સબંધો કાશ્મીર કોનું? એ મુદ્દે સતત તંગ રહ્યા છે.
કાશ્મીર ખીણમાં મુસ્લિમોની બહુમતી છે. તેથી તેને પાકિસ્તાનમાં ભેળવવું જોઈએ તેવી હઠ છે. સામે પક્ષે ભારતનો સંપૂર્ણ કાશ્મીર જોડાણ કરાર હેઠળ તેનો અવિભાજય પ્રદેશ છે તેવો આગ્રહ છે. ૧૯૬પ, ૧૯૭૧માં અને ૧૯૯૯માં (કારગીલ) યુદ્ધોમાં
ભારતનો હાથ ઉપર રહ્યો, પરંતુ ૧૯૪૮ના યુદ્ધવિરામની સીમાઓ યથાતથા છે.
તાજેતરમાં પુલવામાં સીઆરપીએફના કાફલા ઉપર હિચકારો હુમલો થયો અને ૪૧ જેટલા જવાનોના મૃત્યુ થયા તે ઘટનાથી સમગ્ર ભારતમાં જનમત ઉશ્કેરાયો છે. ત્યારબાદ ભારતે કરેલો વિમાની હુમલો અને પાકિસ્તાનની કાર્યવાહી દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલ વાયુદળના વિમાનના પાયલોટ અભિનંદનને પાકિસ્તાને પકડીને ભારતને ૬૦ કલાકમાં જ પરત સોંપણી કરતા તનાવના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
હવે મહત્વનો પ્રશ્ન એ છે કે, ભારત પાકિસ્તાન સબંધનું ભવિષ્ય કેવું છે? સરહદી રાજય તરીકે ગુજરાત ઉપર આતંક સ્થિતિનો કેવો પ્રભાવ છે? ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લા ૭ર વર્ષથી સતત સંઘર્ષ ચાલે છે. આના મૂળમાં અરસ–પરસનો અવિશ્વાસ અને ભય રહેલા છે.
પાકિસ્તાનમાં પ્રબળ એવી માન્યતા છે કે ભારતે કદી પાકિસ્તાનનો સ્વીકાર કર્યો નથી અને ભારતની વિદેશનીતિ પાકિસ્તાનનું અસ્તિત્વ મિટાવી દેવાની છે. ૧૯૭૧ના યુદ્ધ બાદ પાકિસ્તાનથી છૂટું પડેલ પૂર્વ પાકિસ્તાન - બાંગ્લાદેશ દેશનું સર્જન એ ભારતનો ઈરાદો દર્શાવે છે. સામા પક્ષે ભારતનો દાવો છે કે તેમણે પાકિસ્તાનના કોઈ પ્રદેશ પર કોઈ બૂરી નજર નાખી નથી. ભારતની દલીલ છે કે પાકિસ્તાનના ધર્માંધ શાસકો ભારતની પ્રગતિ જોઈ શકતા નથી. માત્ર ને માત્ર દ્વેષભાવથી પાકિસ્તાન પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાત–ભાતના ઉધામા કરે છે.
કોઈ પણ અરસ–પરસની મંત્રણામાં કાશ્મીરનું નામ આવતા બન્ને દેશોની વાતચીત ભાંગી પડે છે. ભારત અને પાકિસ્તાન માટે કાશ્મીર એક વટનો પ્રશ્ન છે. ભારત પાકિસ્તાનનું વલણ તદૃન ભિન્ન હોવાથી ઉકેલ લાવવો એક જટિલ અને કઠીન કાર્ય છે. હકીકતમાં કાશ્મીર અંગેના મતભેદો થોડોક સમય દૂર રાખીને ભારત-પાકિસ્તાન અરસ–પરસ સંવાદનો સેતુ બાંધે તો ઉપખંડના બધા દેશો માટે આશાસ્પદ વાતાવરણ સર્જાય.
કાશ્મીર પ્રશ્નનો ઉકેલ કેમ, કયારે આવશે તે નકકી નથી. આજે સૌથી વિશેષ જરૂરત વિશ્વાસ અને સહિષ્ણુતાનું વાતાવરણ સર્જવાની છે. બન્ને દેશના સામાન્ય નાગરિકોમાં ક્યારેક ઉન્માદ ફેલાય છે, તો ક્યારેક ભાઈચારાની વાત થાય છે. આ પ્રશ્ને વારંવાર આવેશમય માહોલ પેદા થાય છે. જેનાથી પુનઃ પુનઃ વેરઝેરની ઘટનાઓ બનતી રહે છે.
ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા પાકિસ્તાન સાથે સરહદથી જોડાયેલા છે. એક જમાનામાં આ જિલ્લાઓને પાકિસ્તાનના સિંધ પ્રદેશ સાથે સામાજિક અને આર્થિક વ્યવહારો હતાં. છેલ્લી તનાવપૂર્ણ સ્થિતિના કારણે અગાઉ શરૂ થયેલા વેપાર પણ થંભી ગયેલ છે. ૧૯૬૫ના યુદ્ધ બાદ કચ્છ સરહદનો મુદ્દો કેન્દ્રસ્થાને હતો તે અંગે સમજૂતી થતાં હાલ ગુજરાતની સરહદો અને પાકિસ્તાની સરહદો અંગે કોઈ વિખવાદ નથી. વિશાળ રણ પ્રદેશમાં ફેલાયેલી આ સરહદની આરપાર સંપર્કો વધે તો સંવાદનું વાતાવરણ બને તેમ છે.
સાંપ્રત સમયમાં અણુસત્તા તરીકે સ્થાપિત થયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેનું કોઈ પણ યુદ્ધ આપણને માત્રને માત્ર વિનાશની ભેટ આપશે. યુદ્ધ કરતાં કુટનીતિથી સમસ્યાઓનું સમાધાન એ આજના યુગની તાતી અને અનિવાર્ય આવશ્યકતા છે.

