શું તમે પણ સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવાની બીમારીથી પીડાવ છો?

Wednesday 06th March 2019 06:38 EST
 
 

‘સેલ્ફીટીઝ’ – અથવા તો સતત સેલ્ફી લેવાની ટેવ – એક પ્રકાર માનસિક બીમારી છે તેવું સંશોધકોનું કહેવું છે. મનોવૈજ્ઞાનિકો દ્વારા એક ટેસ્ટ તૈયાર કરાયો હતો, જેના આધારે તેમણે એ નક્કી કર્યું હતું કે વ્યક્તિ બીમારીના કયા તબક્કામાં છે.
‘સેલ્ફીટીઝ’ એક માનસિક બીમારી હોવાની જાહેરાત અમેરિકન મનોવૈજ્ઞાનિક એસોસિયેશન દ્વારા કરવામાં આવી હતી. આ પછી નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી અને ભારતની થાઇગરાજર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ-મદુરાઇના સંશોધકોએ સહિયારો અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ એ જાણવાનો હતો કે ‘સેલ્ફીટીઝ’ એ માનસિક બીમારી હોવાનું તારણ ખરેખર કેટલું તથ્ય આધારિત છે. આ અભ્યાસમાં ‘સેલ્ફીટીઝ’ની વાતમાં તથ્ય હોવાનું જણાયા બાદ તેમણે વિવિધ પરીક્ષણો કરીને વિવિધ શ્રેણીમાં વહેંચવા પ્રયાસ કર્યો છે. જેમ કે, તેમણે ત્રણ શ્રેણી મળી આવી હતી, સીમારેખા, તીવ્ર અને જીર્ણ.
વ્યક્તિ દિવસ દરમિયાન ત્રણ વખત સેલ્ફી લે છે પણ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ નથી કરતી તો નિષ્ણાતો કહે છે કે આવી વ્યક્તિને ‘બોર્ડરલાઇન સેલ્ફીટીઝ’ની કેટેગરીમાં મૂકે છે. પરંતુ જો કોઇ વ્યક્તિ દિવસ દરમિયાન ત્રણ સેલ્ફી લે છે અને પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે તો નિષ્ણાતો આ વ્યક્તિને ‘એક્યુટ સેલ્ફીટીઝ’ (તીવ્ર)ની શ્રેણીમાં મૂકે છે. પરંતુ જો વ્યક્તિ દિવસમાં ૬ કરતા વધારે વખત સેલ્ફી લઇને તેને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ પણ કરતી હોય તો નિષ્ણાતો તેને ‘ક્રોનિક સેલ્ફીટીઝ’ની કેટેગરીમાં મૂકે છે.
નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીના ડો. માર્ક ગ્રીફિથ્સ કહે છે કે અભ્યાસ થકી ‘સેલ્ફીટીઝ’ના લક્ષણો જાણી શકાય છે તેમજ તેના ડેટા આગામી સંશોધનો માટે પણ મહત્ત્વની જાણકારી પૂરી પાડે છે. જેમ જેમ ટેક્નોલોજી વિકસિત થઇ રહી છે તેમ તેમ સેલ્ફી લેવાનો ખ્યાલ બદલાઇ શકે છે, પરંતુ ‘સેલ્ફીટીઝ’ સાથે સંકળાયેલા પરિબળો તો યથાવત્ જ રહેવાના છે.
ઇન્ટરનેશનલ જર્નલ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ એડિક્શનમાં પ્રકાશિત આ સંશોધન ભારતમાં કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સૌથી વધારે ફેસબુક યૂઝર્સ છે. આ સંશોધન અનુસાર ભારતમાં સેલ્ફીને કારણે મૃત્યુની ઘટનાઓ સૌથી વધારે બને છે. સેલ્ફી લેવાની ઘેલછામાં લોકો એટલું બધું જોખમ લે છે કે ઘણી વખત તે મોતના મુખમાં ધકેલાય જાય છે. સંશોધનમાં માર્ચ ૨૦૧૪થી સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીના આંકડા લેવામાં આવ્યા હતા. જે અનુસાર સેલ્ફી લેતી વેળા સર્જાતા અકસ્માત વેળા વિશ્વમાં જેટલા મૃત્યુ થાય છે તેમાથી ૬૦ ટકા કિસ્સા તો ભારતમાં જ બને છે.


comments powered by Disqus