સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 06th March 2019 05:31 EST
 

બ્રિટનમાં હે ફીવરની સીઝન આ વખતે વહેલી શરૂ થતાં લોકોને આંખોમાં બળતરા અને નાકની અંદરની દીવાલને અસર થતાં નાકમાંથી પાણી વહેવાની સમસ્યા થઈ રહી છે. લોકોને ગળામાં સોજો પણ આવે છે. આ વખતે ઘાસની રજ કે પોલનની સીઝન વહેલી શરૂ થતાં આ સમસ્યા ઉભી થઈ છે. સામાન્ય રીતે મેટ ઓફિસ દર વર્ષે માર્ચના અંતમાં પોલનની ગણતરી શરૂ કરે છે. પરંતુ, આ વર્ષે તો પોલનનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાનું મેટ ઓફિસને જણાયું હતું.

• સૂર્યપ્રકાશમાં રહેવાથી ડાયાબિટીસનું જોખમ ઘટે

ફેબ્રુઆરીમાં સૌથી ગરમ દિવસનો અનુભવ થયા પછી બ્રિટિશ હવામાન પૂર્વવત થતાં વિજ્ઞાનીઓએ ખેદ વ્યક્ત કર્યો હતો. તેમના માનવા મુજબ સૂર્યપ્રકાશમાં રહેવાથી હૃદયરોગ અને ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે. અભ્યાસમાં જણાયું હતું કે જે લોકોએ સૂર્યપ્રકાશમાં વધારે સમય ગાળ્યો હતો તેમના લોહીમાં ઈન્સ્યુલિન અને ચરબીનું પ્રમાણ જોવા મળ્યું હતું. આ બન્ને લક્ષણો ચયાપચયની પ્રક્રિયા સારી રીતે થતી હોવાની નિશાની છે.

૧૪ વર્ષના બાળકો સહિત ટીનેજરો ઈ– સિગારેટ્સના બંધાણી

ટીનેજરો અને તેમાં પણ ૧૪ વર્ષ સુધીના બાળકો ઈ – સિગારેટ્સના બંધાણી બન્યા હોવાનું બ્રિટનના સૌથી મોટા એડિક્શન ક્લિનિક દ્વારા જણાવાયું હતું. યુકેમાં ૩૫ સેન્ટર ધરાવતા એલન કેર્સ ઈઝીવેના ચીફ એક્ઝિક્યુટિવ જહોન ડાઈસીએ જણાવ્યું હતું કે ઈ-સિગારેટ કેવી રીતે છોડવી તેની મદદ મેળવવા માગતા યુવાનોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો હતો.

• NHS  દ્વારા સેનિટરી પ્રોડક્ટ્સ મફત અપાશે

ઈંગ્લેન્ડમાં આ સમરથી NHS હોસ્પિટલના જે દર્દીને સેનિટરી પ્રોડક્ટ્સની જરૂર હશે તે તેને મફત અપાશે. ડોક્ટરોએ ગયા મહિને NHS ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ સાયમન સ્ટીવન્સને હોસ્પિટલના દર્દીઓેને ટેમ્પન અને પેડ્સ આપવાની લેખિતમાં માગણી કરી હતી. કેટલીક હોસ્પિટલો દર્દીઓને મફતમાં રેઝર અને શેવિંગ ફોમ આપે છે.

કંપનીઓની એપ્રેન્ટિસશિપ સ્કીમમાં જોડાતાં વડીલો

૭૦થી વધુની વયના એપ્રેન્ટિસો બ્રિટનની અગ્રણી કંપનીઓ દ્વારા ચાલતી વિવિધ સ્કીમોમાં જોડાતા હોવાનું જણાયું હતું. સ્કૂલ પછી અભ્યાસ છોડી દેનારા લોકો વર્ક પ્લેસમેન્ટ માટે અરજી કરતા હોવાની સામાન્ય માન્યતાની સામે અરજી કરતા પેન્શનરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

મદદ માટે પોલીસને જ ફોન કરતાં માઈગ્રન્ટ્સ

ગેરકાયદે માઈગ્રન્ટ્સ ખાડીમાં તેઓ જે બોટોમાં હોય છે તેમાંથી તેમને બહાર કાઢીને લઈ જવા પોલીસને ફોન કરે છે કારણ કે તેમને એ ખાતરી હોય છે કે તેમને તેમના દેશ પાછા મોકલવામાં આવશે નહીં તેમ સાંસદોને જણાવવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ ગુનેગારોના ‘બિઝનેસ મોડેલ’માં આવેલા ફેરફારનો એક ભાગ છે. તેમાં લોકોને ડિપાર્ચર પોઈન્ટ પર મળીને કોઈને ખબર ન પડે તે રીતે દેશમાં ઘુસાડવાને બદલે તેઓ સત્તાવાળાઓ સાથે જ સીધી વાત કરે તેના પર ભાર મૂકાય છે.

કપડાં માટે £૧૫૦ના બીલ સામે દુષ્કર્મ પીડિતાનો વિરોધ

દુષ્કર્મના કેસમાં કપડાંની ફોરેન્સિક તપાસ પૂરી થઈ ગયા પછી તે પાછાં મેળવવા માટે ૧૫૦ પાઉન્ડ ચૂકવવાનું કહેવાતા પીડિતાએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે તે મહિલાની વસ્તુઓ પોસ્ટ દ્વારા મોકલવાનો ઈન્કાર કર્યો હતો. પોલીસે તે મહિલાને વસ્તુઓ મેળવવા માટે ટ્રેન દ્વારા આવવા, કુરિયર ડિલીવરીની વ્યવસ્થા કરવા અથવા નવી વસ્તુઓ ખરીદી લેવા સૂચન કર્યું હતું.

એન્ટિબાયોટિક્સ બંધ કરાતા વૃદ્ધોના જીવને જોખમ

દર્દીઓને એન્ટિબાયોટિક્સ આપવાનું બંધ કરવા માટે GP પર થઈ રહેલા દબાણને લીધે વૃદ્ધ દર્દીઓમાં જીવલેણ ચેપ થવાની શક્યતા હોવાનું અભ્યાસમાં જણાયું હતું. સામાન્ય બીમારીમાં તાત્કાલિક એન્ટિબાયોટિક્સ ન મેળવનારા ૬૫થી વધુની વયના વડીલોમાં સેપ્સીસની શક્યતા આઠ ગણી અને મૃત્યુની શક્યતા બમણી થઈ જતી હોવાનું સંશોધકોને જણાયું હતું.

NHS  છોડવાં વિચારતા અડધા જેટલાં GP

ડોક્ટરોના જણાવ્યા મુજબ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ્સ માટે દબાણ વધી જતાં પરિસ્થિતિ વણસી હોવાથી દસમાંથી ચાર GPઆગામી પાંચ વર્ષમાં NHS છોડવા વિચારી રહ્યા હોવાનું સર્વેમાં જણાયું હતું.

ભ્રષ્ટ સ્ટાફને લીધે જેલમાં ડ્રગ્સની દાણચોરી

ગેંગ્સ દ્વારા સ્ટાફ કર્મચારીઓને લાલચ આપીને એક જેલમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી હતી. જેલના ૧૨ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું. ભ્રષ્ટ કર્મચારીઓની મદદથી જેલમાં મોબાઈલ ફોન્સ, ડ્ર્ગ્સ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પહોંચી હતી. ભ્રષ્ટ સ્ટાફ દ્વારા ગુનેગારોને થઈ રહેલી મદદ એક સમસ્યા બની ગઈ છે.

 

હીટલરના ઓટોગ્રાફ સાથેની Mein  Kampf વેચાઈ

હીટલરની સ્મૃતિઓ સાથે જોડાયેલા રહેવાની રૂચિ અંતર્ગત ભાગ્યે જ જોવા મળતા નાઝી નેતા એડોલ્ફ હીટલરની સહી સાથેના પુસ્તક Mein Kampfનું શ્રોપશાયર ઓક્શનર દ્વારા ૩૦,૦૦૦ પાઉન્ડથી વધુ કિંમતે વેચાણ કરાયું હતું. નાઝી નેતાના જીવનચરિત્રની નકલ હર્મન એસ્સરને હીટલરે ભેટ આપી હતી. ૧૯૨૦ના દાયકામાં બન્ને સાથે જ જેલમાં હતા.

ટોચના વકીલના ટીનેજર સંબંધીની છૂરો મારીને હત્યા

બર્મિંગહામની સ્ટ્રીટમાં ટીનેજર સંબંધીની છૂરો મારીને હત્યા કરાતા ટોચના પ્રોસિક્યુટર નાઝિર અફ્ઝલે શહેરમાં થઈ રહેલી હત્યાઓ વિશે આક્રોશના અભાવની ટીકા કરી હતી. રોધરહામ ગ્રૂમિંગ કેસમાં અદાલતી કાર્યવાહીની દેખરેખ કરી રહેલા અફ્ઝલે જણાવ્યું હતું કે દેશનું બીજા ક્રમનું શહેર હવે લંડન કરતાં વધુ જોખમી બની ગયું છે.

બાળકોને સોશિયલ મીડિયાના દૂષણથી વાકેફ કરાશે

સરકારે જાહેરાત કરી હતી કે માનસિક સ્વાસ્થ્ય પર સોશિયલ મીડિયા કેવી અસર કરે છે તેના વિશે પહેલી વખત ચાર વર્ષ સુધીના બાળકોને શીખવાડવામાં આવશે. આવતા વર્ષથી આરોગ્ય શિક્ષણના પાઠ ફરજિયાત દાખલ કરાશે. તે બાળકોને ફેસબુક, સ્માર્ટફોન અને ગેમ્સ પાછળ તેમના સમયને મર્યાદિત રાખવા અને બહાર મિત્રો સાથે વધુ સમય ગાળવા પ્રોત્સાહન પૂરું પાડશે.

સુગંધિત મીણબત્તી અને કાર્પેટથી ઘરમાં પ્રદૂષણ ફેલાય

ક્લિનિંગ પ્રોડક્ટ્સ, કોસ્મેટિક્સ અને સુગંધિત મીણબત્તીના ઉપયોગથી ઘરમાં જોખમી વાયુ પ્રદૂષણ થાય છે. આવી પ્રોડક્ટ્સમાંથી વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (VOC) તરીકે જાણીતા કેમીકલ્સનું બાષ્પીભવન થાય છે. તેના લીધે આંખ, નાક અને ગળું બળે છે, માથું દુઃખવા લાગે છે અને ઉબકા આવે છે. તેનું પ્રમાણ વધે તો લીવર અને કિડનીને નુક્સાન પણ થઈ શકે. એર ફ્રેશનર્સ, પર્ફ્યુમ્સ, ડિઓડરન્ટ્સ, હેર સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સ, સોલ્વન્ટસ, મીણબત્તી, કૂકિંગ, કાર્પેટ અને પેઈન્ટમાંથી VOCsનું ઉત્સર્જન થાય છે.


    comments powered by Disqus