BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સેલવાસમાં વિચરણ કરી રહ્યા છે. તેઓ ૨૬મીએ સાંકરીથી સેલવાસ પધાર્યા હતા ત્યારે મંદિરમાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ૨૮મી ફેબ્રુઆરીએ પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ‘પરિવર્તન દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. તે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ભગવાન અથવા તો સંત આપણા ઘરે પધારે ત્યારે પૂજન, થાળ દ્વારા તેમનું જે રીતે સ્વાગત થાય છે તે દર્શાવવામાં આવ્યું હતું. પ. પૂ. પ્રમુખ સ્વામી બીએપીએસના વડા હતા તે સમયગાળામાં ઘણાં આદિવાસી વિસ્તારોના લોકોના આચાર-વિચારમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. ઘણાં લોકો વ્યસનો અને કૂટેવો છોડીને સત્સંગી બન્યા હતાં. આ કાર્યક્રમમાં આવાં કેટલાંક દ્રષ્ટાંતો સ્કીટ દ્વારા રજૂ કરાયા હતા.
૧લી માર્ચને શુક્રવારે ‘દાસત્વ દિન’ની ઉજવણીમાં ‘અક્ષરં અહં પુરુષોત્તમદાસોસ્મિ’ એટલે કે ‘અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું’ વિષય પર સંવાદ ભજવાયો હતો. આ પ્રસંગે આશીર્વચન પાઠવતા પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું, ‘નિયમ કહો કે સત્સંગ કહો, બન્ને એક જ છે.’
રવિવારે ‘બાળ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકોએ કિર્તનો સહિત વિવિધ રજૂઆતો કરી હતી. રવિવારે તમામ બીએપીએસ કેન્દ્રો પર અખિલ ભારતીય બાળ અધિવેશનના પ્રથમ તબક્કાનું આયોજન થયું હતું. બાળકોએ ‘સંપ’ શીર્ષક હેઠળ સંવાદ પણ ભજવ્યો હતો.
સેલવાસમાં પૂ. મહંત સ્વામીના રોકાણ દરમિયાન તેમની સવારની નિત્ય પૂજામાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને તેમના દર્શન અને પૂજાનો લાભ લીધો હતો. કેટલાંક યુવકો તો પૂ. મહંત સ્વામીના દર્શન માટે વલસાડથી સેલવાસ સુધી પગપાળાં ચાલીને આવ્યા હતા.
પૂ. મહંત સ્વામીએ મંગળવારે વિચરણ માટે સેલવાસથી તીથલ જવા પ્રસ્થાન કર્યું હતું.

