હિંગ જેવું જ રસોડાનું એક અનિવાર્ય અને ઉત્તમ દ્રવ્ય છે હળદર. દાળ-શાક-કઢી વગેરે ખાદ્ય પદાર્થોમાં હળદર તો વપરાતી જ હોય છે. રસોડામાં સૂકી અને લીલી એમ બન્ને જાતની હળદર વપરાતી હોય છે.
દરરોજ હળદર ખાનાર વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસ પ્રવેશતા ડરે છે. હળદર અને આમળાનું ચૂર્ણ રોજ સવાર-સાંજ ફાકવાથી શરીર નિરામય રહે છે. હળદરનો સૌથી મહત્ત્વનો ગુણ લોહીની શુદ્ધિ કરવાનો છે. પોતાના વર્ણને સુંદર રાખવા ઇચ્છતી દરેક વ્યક્તિએ હળદર અવશ્ય ખાવી જોઈએ.
ખંજવાળ કે એવા કોઈ ચામડીના રોગમાં મીઠું ભેળવ્યા વગર જ હળદરની કચુંબર ખાવી. કશુંક વાગી જવાથી લોહી વહેતું હોય ત્યારે હળદર દાબી દઈને પાટો બાંધી દેવો. થોડી જ વારમાં લોહી નીકળતું બંધ થઈ જશે.
મચકોડના કારણે કે કશુંક વાગી જવાથી સોજો ચઢ્યો
હોય તો તેના પર પાણી નાખીને ગરમ કરેલી હળદર લગાવવાથી સોજો દૂર થાય છે. હળદર અને અજમો નાખેલું ગરમ દૂધ પીવાથી અથવા તો હળદરને આદુના ટુકડાં કરી કચુંબરરૂપે ખાવાથી શરદી, કફ તથા કફની ઉધરસ કાબૂમાં આવે છે.
કાકડા એટલે કે ટોન્સિલાઇટિસનું એ અકસીર ઓષધ છે. કાકડા થયા હોય એવા લોકોએ હળદર ખાસ ખાવી જોઇએ. હળદર નાખેલું ગરમ ગરમ દૂધ પીવું. ચામડીને સુંદર બનાવવાની હોય કે કાળાશને દૂર કરવી હોય તો હળદર, ચંદન અને જેઠીમધનું ચૂર્ણ દૂધમાં મેળવીને મોં તેમજ હાથે લગાવીને અડધો કલાક રાખી પછી સ્નાન કરવું. આવું પાંચ મહિના સુધી અઠવાડિયામાં બે વાર કરવાથી રંગમાં ચોક્કસ ફેર પડશે. શીળસના કારણે શરીરે ઢીમચાં થઈ ગયા હોય તો પણ હળદર અને અજમો જૂના ગોળમાં નાંખીને ખાવાથી આ તકલીફ દૂર થાય છે.

