હેરો લેઝર સેન્ટર ખાતે બુધવાર ૨૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ ઓમ શક્તિ ડે સેન્ટરની બહેનો-ભાઇઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. સૌ સુંદર-રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરી દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવા એકત્ર થયા હતા. આ પ્રસંગે હેરોના મેયર સહિત અનેક આમંત્રિતોની હાજરી ઓમ શક્તિ ડે સેન્ટરના રંજનબહેન માણેક MBEની લોકપ્રિયતાનો પુરાવો હતો. એમની સાથે વર્ષાબેન દાલીયા, ચન્દ્રાબેન સોઢા સહિત અન્ય કમિટી બહેનોની ટીમે ઉઠાવેલ જહેમત કાર્યક્રમમાં રંગ લાવી હતી. ભજન, નૃત્ય, દેશભક્તિ અને ભરત મિલાપ નાટિકા આદિ વિવિધ આઇટમો પીરસી કલાકારોએ સૌને મનોરંજન કરાવ્યું હતું. છેલ્લે રાજકપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ના ગીત આધારિત નૃત્ય ઓમ શક્તિના સભ્યોએ રજુ કરી સૌના મન જીતી લીધા હતા. આ સાથે વાનગી સ્પર્ધા અને રેફલ ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારનો નાસ્તો, સ્વાદિષ્ટ ભોજન અને મનોરંજન કાર્યક્રમ ઉપરાંત વિવિધ સ્ટોલ્સની મુલાકાતની મજા ઉપસ્થિત સૌએ માણી.
ઘડપણ સાથે એકલતા અનુભવતા, માનસિક તાણ કે રોગનો ભોગ બની જીવન પ્રત્યે ઉદાસીનતા સેવતા ભાઇ-બહેનોના જીવનમાં બહાર લાવી શકાય એવા ઉમદા હેતુથી રંજન બહેન માણેક MBEએ અન્ય વોલન્ટીયર્સ બહેનોના સહકારથી આ સેન્ટરનો શુભારંભ દસ વર્ષ અગાઉ કર્યો હતો. પાછળથી એમાં ભાઇઓનો પણ સમાવેશ કર્યો છે. સેન્ટરે એના દાયકાની ભવ્ય ઉજવણી કરી એમાં એમનો જીવન પ્રત્યે બદલાયેલો અભિગમ જોવા મળ્યો.

