દર શુક્રવારે નવનાત ભવનમાં વડીલ મંડળના વડીલો ભેગાં મળીને જીવનની એકલતા દૂર કરવાની સાથે સાંસારિક આધિ-વ્યાધિથી પર બની આનંદોત્સવ મનાવે છે. શુક્રવાર ૧૮ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ મંડળના પ્રમુખ શ્રી નલિનભાઇની ૮૦મી વર્ષગાંઠે તેમના તરફથી સ્વાદિષ્ટ ભોજન અને સુમધુર સંગીતની લ્હાણનો લ્હાવો સૌ વડીલોએ લીધો અને બીજા સપ્તાહે ૨૫ ઓક્ટોબરે દિવાળીની શાનદાર ઉજવણી થઇ જેના સ્પોન્સરર શ્રી દિવ્યેશ મનસુખલાલ કામદાર ફેમીલી હતા. એમના તરફથી સંગીત, ડેકોરેશન અને ભોજનની તમામ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. વ્હીલચેરમાં બેસી કે લાકડીને ટેકે સૌ વડીલો શુક્રવારની આતુરતાપૂર્વક રાહ જોતા મંડળ તરફથી પૂરી પડાતી કોચ સેવાનો લાભ લઇ સૌ કોઇ મોટી સંખ્યામાં હાજર થઇ જાય છે.
કિચન કમિટીની બહેનોને દર શુક્રવારે સેન્ટરમાં સ્વાદિષ્ટ ભોજન બનાવી સૌને પ્રેમથી જમાડવા બદલ ખાસ સન્માનિત કરાઈ હતી. શ્રીમતી શકુબેન શેઠની આગેવાની હેઠળ આ સેવા સેન્ટરમાં વર્ષોથી સાદર કરાય છે. આ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ની સામાજિક સેવાને બિરદાવવામાં આવી હતી. કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સનાબહેને પણ વડીલોને સંબોધિત કરતા એમની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
પ્રમુખશ્રી નલિનભાઇના દીકરાએ કહ્યું, ‘પપ્પા જોબ કરતા હતા એના કરતા વધુ બીઝી હવે રહે છે અને એજ એમની યુવાનીનું રહસ્ય છે.’

