પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ગોંડલમાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી થઈ

Wednesday 06th November 2019 05:16 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ રાજકોટ ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ ગોંડલમાં તેમની નિશ્રામાં દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ૨૫મીને શુક્રવારે ધનતેરસે પૂ. મહંત સ્વામીએ પ્રણાલિ મુજબ લક્ષ્મીપૂજન કર્યું હતું. ૨૬મીને કાળીચૌદશે તેમણે હનુમાનજીનું પૂજન કર્યું હતું. ૨૭મીને દિવાળીએ સવારની પૂજામાં પૂ. મહંત સ્વામીએ મંચ પર મૂકાયેલા ચોપડા વચ્ચે બેસીને નિત્ય પૂજા કરી હતી તેમજ એક ચોપડાનું પૂજન પણ કર્યું હતું. સાંજે અક્ષરચોકમાં હરિભક્તોના ચોપડાનું પૂજન થયું હતું. ૨૮મીને નૂતન વર્ષે સવારની પૂજામાં પૂ. મહંત સ્વામીએ સૌ હરિભક્તોને નવા વર્ષના જય સ્વામીનારાયણ કહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. તેમણે કહ્યું, ‘આજે નવું વર્ષ છે. બધાને શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીબાપા, પ્રમુખ સ્વામી બધાના આશીર્વાદ છે. તને, મને, ધને સુખી થાવ.’ સવારે સભામંડપમાં મહા અન્નકૂટ યોજાયો હતો. તેમાં ભગવાનને ૧,૧૮૬ વાનગીઓ ધરાવવામાં આવી હતી. ૨૯મીએ પૂ. મહંત સ્વામી ગોંડલથી રાજકોટ પધાર્યા હતા. તેમના આગમન નિમિત્તે અભિષેક મંડપમમાં અન્નકૂટ યોજાયો હતો. ૩૧મીએ સભામાં ‘અલૌકિક પ્રાપ્તિ’ શીર્ષક હેઠળ પ્રાપ્તિ વિષય પર રજૂઆતો થઈ હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું,‘ યોગીબાપા કહેતા પ્રાપ્તિ મોટી થઈ છે તેમાં વિઘન ન આવવા દેવું.’ ૧લી નવેમ્બરને લાભપાંચમે ‘શતાબ્દિ સંત’ સંવાદ ભજવાયો હતો. આ શતાબ્દિના જે સંતો થયા તેમાં પૂ. પ્રમુખ સ્વામી પણ મુખ્ય હતા. તેમણે કેવા કાર્યો કર્યા, તેમના કેવા ગુણો હતા તે વિશે સંવાદ ભજવાયો હતો. ૨જીને શનિવારે જામનગરના હરિભક્તોની સભા યોજાઈ હતી. તેમાં હરિભક્તોએ પૂ. મહંત સ્વામીને ગમતા સેવા, મહિમા, સંપ, સુહૃદભાવ, દાસત્વ ભાવ અને તપ એમ છ ગુણો વિશે વાત રજૂ કરી હતી.૩જીએ બીએપીએસ સ્વામીનારાયણ છાત્રાલય, રાજકોટના વાર્ષિકોત્સવ નિમિત્તે છાત્રાલયના વિદ્યાર્થીઓએ નૃત્ય, વીડિયો અને સંવાદ રજૂ કર્યા હતા. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ સત્સંગ બહુ કિંમતી મળ્યો છે. તેમાં મન રાખવું. મહારાજ તમને અતિ સુખિયા કરવા માગે છે માટે આ સત્સંગ આપ્યો છે.’


comments powered by Disqus