શુક્રવાર ૧૧ ઓક્ટોબર ૨૦૧૯ની વરસાદી સંધ્યાએ સ્ટેનમોરમાં આવેલ અવંતિ હાઉસનો હોલ હેમા-આશિત દેસાઇને સાંભળવા હાઉસ ફૂલ થઇ ગયો હતો. છેલ્લાં પચીસેક વર્ષથી લેસ્ટરમાં શ્રુતિ આર્ટસના સૌજન્યથી પ્રતિવર્ષ નવરાત્રીમાં રમઝટ જમાવવા મુંબઇથી આવતા દેસાઇ દંપતિનું નામ ગુજરાતીઓના ઘર-ઘરમાં જાણીતું અને માનીતું છે. શ્રુતિ આર્ટસના સ્થાપક શ્રી ચંદુભાઇ મટ્ટાણી આપણી વચ્ચે સદેહે રહ્યા નથી. પરંતુ એમના પુત્ર હેમંતભાઇએ પિતાનો સાંસ્કૃતિક ગીત-સંગીતનો વારસો જાળવી રાખ્યો છે. હેમંતભાઇ સાથે અન્ય વાદ્ય કલાકારો આલાપ, રાકેશ ચૌહાણ, રોબિન વગેરેએ સુમધુર સૂરો રેલાવ્યા ત્યારે માતૃભાષા પ્રેમીઓ અને સંગીત રસિકોએ તેમને વાહ..વાહ..થી વધાવી લીધા હતા.
અવિનાશભાઇની અમર કૃતિઓ ‘પંખીડાને આ પિંજરૂ’, ‘મારી વેણીમાં ચાર-ચાર ફુલ’, ‘પાંદડું લીલુંને રંગ રાતો’ વગેરે સાથે જ ઝવેરચંદ મેઘાણીનું ‘મન મોર બની થનગાટ કરે’. રમેશ પારેખનું ‘સાંવરિયો રે... મારો સાંવરિયો...’વગેરે અનેક ગીતો અને ભજનોમાં શ્રોતાઓ તરબતર બની ગયા હતા. ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી...’ગીત વગર તો ગુજરાતી ગીતોની મહેફિલમાં રંગ જ ન આવે ને! યમન રાગ આધારિત ‘મેંદી રંગ લાગ્યો, મારૂં મન મોહી ગયું...મારા ઘટમાં બિરાજતા...વગેરે સહિત છેલ્લે રાગ ભૈરવીથી મહેફિલને વિરામ અપાયો.
આ સંગીત સંધ્યા યુ.કે.ની ચેરિટી BEHT (ભગવતીનંદજી એજ્યુકેશન અને હેલ્થ ટ્રસ્ટ)ના લાભાર્થે યોજાઈ હતી. સંસ્થા ગુજરાતમાં ગરીબો, પીડિતો, વિકલાંગ, બીમાર, કુદરતી પ્રકોપના ભોગ બનેલા લોકો માટે અને શિક્ષણ – આરોગ્ય સેવા ક્ષેત્રોમાં મોટાપાયે કામ કરે છે એની માહિતી ટ્રસ્ટી શ્રી અજયભાઇ ગુડકા MBEએ આપી હતી. એમના ચાર સૂત્રો: ‘પીડિતોને રાહત આપો’ ‘પડેલાને ઉભા કરો’ ‘ઉભેલાને ગતિ આપો’ અને ‘ગતિવાનને સાચી દિશા આપો’ ઉપસ્થિત સૌને સ્પર્શી ગયા.

