નવી દિલ્હીઃ ચીનથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસે દુનિયાભરમાં ભય અને ગભરાટનું મોજું ફેલાવ્યું છે. આમાંથી ગુજરાત પણ બાકાત નથી. ચીન સરકારે કેટલાક શહેરોમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદયો છે તો અમુક શહેરોમાં અવરજવર પર આકરા અંકુશ મૂક્યા છે. પરિણામે હુબેઇ સહિતની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ગયેલાં ૧૦૦ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. આમાંથી ૨૦ તો સૌથી વધુ ચેપગ્રસ્ત વુહાનમાં હોવાના અહેવાલ છે. અવરજવર પર પ્રતિબંધથી ગુજરાતી વિદ્યાર્થીઓને ખાવાપીવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ચીનથી નીકળીને અમેરિકા, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, થાઇલેન્ડ સહિત ૧૪ દેશો સુધી પહોંચેલા વાયરસથી ગુજરાતમાં ઉચાટ પ્રવર્તે છે. ચીનમાં અભ્યાસ કરતાં પોતાના સંતાનોના સ્વાસ્થ્ય અંગે ચિંતિત પરિવારજનોએ તેમને સુખરૂપ પરત લાવવા ગુજરાત સરકાર ઉપરાંત વિદેશ મંત્રાલય પાસે મદદ માંગી છે. વાલીઓની રજૂઆતને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તાકીદે વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે ટેલિફોનિક વાતચીત કરીને વિદ્યાર્થીઓના આરોગ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. સાથે સાથે જ વિદ્યાર્થીઓને સત્વરે વતન પરત લાવવા વિદેશ મંત્રાલયને અનુરોધ કર્યો હતો. વડા પ્રધાને પણ વિદેશ મંત્રાલયને ગુજરાતી વિદ્યાર્થીઓને મદદરૂપ થવા જરૂરી સૂચનાઓ આપ્યાના અહેવાલ છે.
જીવલેણ કોરોના વાયરસ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ જિંદગીનો ભોગ લઇ ચૂક્યો છે અને સેંકડો લોકોને તેનો ચેપ લાગ્યો હોવાથી ૧૫થી વધુ શહેરોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.
આ પરિસ્થિતિ વચ્ચે મેડિકલ સહિત વિવિધ અભ્યાસ કરવા ગયેલાં ૧૦૦ વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયાં છે. કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વની નજરનું કેન્દ્ર બનેલા વુહાનમાં જ ૨૦ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે.
વુહાનમાં જ ૨૦ ગુજરાતી વિદ્યાર્થી
કોરોના વાયરસની હાજરી જ્યાં સૌથી પહેલાં જોવા મળી છે તેવા વુહાન શહેરમાં ૨૦ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે, જેમાંથી બે વડોદરાના છે. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રેલવેના લોકો શેડમાં સ્ટેશન માસ્તર તરીકે કામ કરતા શશીકુમાર જૈમાનની પુત્રી શ્રેયા અને સોમા તળાવ વિસ્તારમાં રહેતા રમેશભાઇ પટેલનો પુત્ર વૃંદ હાલ હુબેઇ પ્રાંતમાં આવેલા વુહાન શહેરમાં હુબેઇ યુનિવર્સિટીમાં એબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને વુહાન શહેરમાં જ હોસ્ટેલમાં રહે છે. વડોદરાની શ્રેયા અને વૃંદ સહિત ગુજરાતના ૨૦ વિદ્યાર્થીઓ વુહાન શહેરમાં અભ્યાસ કરે છે અને તેમની હાલત કફોડી થઇ છે. ઘરમાં ખાવાપીવાનું પણ હવે ખૂટી પડયું છે. આથી વિદ્યાર્થીઓ માતા-પિતાને વીડિયો કોલિંગ કરીને મદદ માગી રહ્યા છે.

