ચીનમાં એક લાખથી પણ વધારેને કોરોનાનો ચેપ લાગ્યો છેઃ બ્રિટિશ તબીબ

Wednesday 29th January 2020 09:01 EST
 
 

બીજિંગઃ બ્રિટનના આરોગ્ય નિષ્ણાતે શંકા વ્યક્ત કરી છે કે કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા દરદીઓની સંખ્યા એક લાખથી વધારે છે. જ્યારે ચીની સરકારના આંકડા મુજબ ૩ હજાર લોકોને જ આ ચેપ લાગ્યો છે. મતલબ કે ચીન સરકાર કોરોના વાઈરસના ફેલાવા અંગે માહિતી છૂપાવી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ - ‘હૂ’) દ્વારા શરૂઆતમાં જ કહેવાયું હતું કે ચીન જો સાચી માહિતી નહીં આપે તો વાઈરસને કાબુમાં લેવો મુશ્કેલ થશે.
એક લાખથી વધુને ચેપ લાગ્યાનો દાવો બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજના પ્રોફેસર નેલ ફર્ગ્યુસને કર્યો છે. ‘હૂ’ની ટીમમાં કામ કરતા તબીબે તો ત્યાં સુધી કહ્યું હતુ કે વાઈરસગ્રસ્ત લોકોની સંખ્યા ૩૦ હજારથી માંડીને બે લાખ સુધીની હોઈ શકે છે. ચીનના અનેક પ્રવાસીઓ પશ્ચિમી દેશોમાં છે. અન્ય દેશોના નાગરિકો ચીનમાં છે. વળી વાઈરસનો રીપ્રોડક્ટિવ રેટ ૨થી ૩ જેટલો છે. એટલે કે જેમને ચેપ લાગ્યો છે એ દરેક વ્યક્તિ દ્વારા બીજા ૩ને ચેપ લાગી શકે છે. પશ્ચિમી દેશોના વાઈરોલોજિસ્ટ્સ અને હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોને એ વાતનો ડર છે કે ક્યાંક આ વાઈરસ મોટું સ્વરૂપ ધારણ કરી દુનિયાભરમાં ફેલાવા ન લાગે. અત્યારે જ ડઝનેક દેશો તો વાઈરસની લપેટમાં આવી ગયા છે.
જોકે હાલના તબક્કે કોરોનાને વૈશ્વિક આફત જાહેર કરવાનો હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઈન્કાર કર્યો છે. જોકે ખરેખર સ્થિતિ શું છે, તે જોવા ‘હૂ’ના ડિરેક્ટર ચીન પહોંચ્યા છે.
કયા કયા દેશોમાં ફેલાયો?
ચીન, નેપાળ, થાઈલેન્ડ, વિએટનામ, સિંગાપોર, મલેશિયા, જાપાન, સાઉથ કોરિયા, તાઈવાન, હોંગકોંગ, મકાઉ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા
કોરોનાનો હાહાકાર અટકે તેમ નથી
ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર અટકે તેમ લાગતું નથી. ચીન તંત્ર દ્વારા સમગ્ર દેશમાં સ્વાસ્થ્ય સુરક્ષા ક્ષેત્રે અનેક પગલાં લેવાઈ રહ્યાં છે. ચીને આ જીવલેણ બીમારીને નાથવા માટે લશ્કરી દળોની મેડિકલ ટીમને મેદાનમાં ઉતારી છે. તો સાથોસાથ નવી હોસ્પિટલનું નિર્માણકાર્ય પણ યુદ્ધના ધોરણે હાથ ધરાયું છે. ૧૦૦૦ કરતાં વધુ બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલ માત્ર એક જ સપ્તાહમાં બની જશે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. જોકે આવા શ્રેણીબદ્ધ પગલાં છતાં આ સ્થિતિમાં કોઈ સુધારો જણાતો નથી. અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે ૧૦૦થી વધુનાં મોત થયાં છે. ચીન સહિત વિશ્વમાં ૨,૮૦૦ લોકો આ રોગનો ચેપ ધરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ખરેખર તો આ આંકડો અંદાજે ૧ લાખથી વધુ પહોંચી ગયો હોવાનું મનાય છે.
બીજી તરફ અમેરિકા અને ફ્રાન્સમાં સંક્રમિત રોગીઓની સંખ્યા પણ વધી રહી છે. આ ઉપરાંત મોંગોલિયાની તમામ સરહદો ચીની પ્રવાસીઓ અને લોકો માટે બંધ કરી દેવામાં આવી છે. તેમાં ચીનમાંથી આવતા કોઈ પણ રાહદારી કે વાહનને પ્રવેશવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. ચીનમાં લ્યૂનાર ન્યૂ યરની ઉજવણી રદ થવા છતાં તેની રજાઓ લંબાવવામાં આવી છે.
વુહાનમાં ૪ લાખ ઝપટે ચડી જશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર ચીનના વુહાનમાં જ આગામી એકાદ સપ્તાહમાં ચાર લાખ કરતાં વધારે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ગયો હશે. હાલમાં ચીનમાં લ્યૂનાર ન્યૂ યર ચાલી રહ્યું છે. કોરોના વાયરસના જોખમને પગલે તમામ ઉજવણીઓ રદ કરવામાં આવી છે. વિવિધ પ્રાન્તમાં તબક્કાવાર રજાઓ વધારવામાં આવી છે અને મોટા ભાગે ૧૦ ફેબ્રુઆરી સુધી ચીનના વિવિધ પ્રાંતમાં શાળા-કોલેજ અને વ્યાપાર બંધ રાખવામાં આવ્યા છે. ચીન સહિત સમગ્ર વિશ્વમાં ૨,૮૦૦ કેસ નોંધાયા છે. તે ઉપરાંત ચીનમાં ૧૦,૦૦૦થી વધુ લોકો સંક્રમિત હોવાના અને હોસ્પિટલમાં ભરતી હોવાના અહેવાલ છે. ચીનના ૧૬ શહેરોને બંધ કરી દેવાયા છે. તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે.

૧૭ વર્ષ પહેલાં આ મહામારીની ભવિષ્યવાણી કરાઇ હતી
બીજિંગઃ કોરોના વાઇરસે સમગ્ર વિશ્વમાં ત્રાહિમામ્ પોકારાવી દીધું છે ત્યારે ચીનના એક સંશોધકની ૧૭ વર્ષ જૂની ભવિષ્યવાણી સામે આવી છે. આજથી ૧૭ વર્ષ પહેલાં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે, ચીનમાં ‘સાર્સ’ કરતાં પણ ભયાનક વાયરસનો ચેપ ફેલાશે અને ‘સાર્સ’ કરતાં ૧૦ ગણા વધુ લોકોનાં મોત થશે. ચીનના આ સંશોધકનું નામ છે ડો. ગુઆન ઈ.
ડો. ગુઆને ૨૦૦૩ પહેલાં ‘સાર્સ’ની ઓળખ અને નાબૂદીમાં મદદ કરી હતી. તે સમયે તેમણે ‘સાર્સ’ કરતા અનેકગણા જીવલેણ રોગના ફેલાવાની ભવિષ્યવાણી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ મુદ્દે ચીને પહેલો કેસ આવ્યો ત્યારે જ યોગ્ય પગલાં લેવા જેવા હતા. તેણે આ રોગને ફેલાતો અટકાવવાની તક ગુમાવી દીધી છે. સમગ્ર વિશ્વને તેના ભોગ બનવું પડશે.


comments powered by Disqus