અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘરઆંગણે ઈમ્પિચમેન્ટ અને વિશ્વતખતા પર યુદ્ધખોરીના આક્ષેપોથી ઘેરાયેલા છે. ચૂંટણી આવી રહી છે અને ઈમ્પિચમેન્ટ માટે મતદાન થઈ રહ્યું છે તેવા સંજોગોમાં તેઓ પોતાની વૈશ્વિક છબી સુધારવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ માટે તેમણે તાનાશાહ કિમ જોંગ ઉન સાથે સંબંધો સુધારવાની મંત્રણા કરવા નોર્થ કોરિયાની ભૂમિ પર પગ મૂકનારા પ્રથમ અમેરિકી પ્રમુખનું બિરુદ પણ હાંસલ કર્યું હતું.
થોડા સમય અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ શાંતિ માટેના નોબેલ પારિતોષિક મેળવવાની મહેચ્છા વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી કામગીરી જોતાં હું શાંતિ પ્રાઈઝ મેળવવાનો હકદાર છું. ટ્રમ્પ માને છે કે તેમની પાસેથી ૨૦૧૯નું નોબેલ પારિતોષિક છીનવી લેવાયું છે અને ખોટી રીતે ઈથિયોપિયાના વડા પ્રધાન અબી અહેમદને અપાયું હતું. અમેરિકી પ્રમુખે કહ્યું હતું કે આતંકવાદી ઈરાની જનરલ કાસિમ સુલેમાનીને ખતમ કરી તેમણે વિશ્વને મોટા યુદ્ધના ખપ્પરમાં હોમાતા બચાવ્યું છે. આ માટે હું જ નોબેલ પારિતોષિકનો હકદાર હતો. તેઓ સતત ભારત-પાકિસ્તાન, ઈઝરાયલ-પેલેસ્ટાઈન, નોર્થ કોરિયા, અફઘાનિસ્તાન, અને ઈરાન સાથે શાંતિપ્રયાસોનો ઉલ્લેખ કરતા રહે છે.
તેઓ થોડી પણ તક મળવા સાથે કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ સતત મૂકતા રહે છે. તાજેતરમાં દાવોસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દો ઉખેળ્યો તે સાથે જ ટ્રમ્પે મધ્યસ્થી બનવાની ઈચ્છા પ્રદર્શિત કરી દીધી. એવું નથી કે ટ્રમ્પને કાશ્મીરમાં કોઈ ખાસ રસ હોય, તેમને તો વિશ્વમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં પોતાનું નામ ચર્ચાતું રહે તેની જ મહેચ્છા છે પરંતુ, કાશ્મીર ભારતનો આંતરિક મામલો હોવાની સ્પષ્ટતા સાથે વડા પ્રધાન મોદીએ આ પ્રસ્તાવો ફગાવી જ દીધા છે.
આ ઉપરાંત, ટ્રમ્પે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શાંતિ માટેની સૂચિત યોજના જાહેર કરવાનું પણ કહ્યું છે. તેમણે આ સંદર્ભે ઈઝરાયેલી વડા પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુ અને તેમના હરિફ બેની ગેન્ટ્ઝને વિચારવિમર્શ માટે આમંત્રણ પણ આપી દીધું છે. પેલેસ્ટાઇનીઓએ તો સંભવિત શાંતિ-યોજના નકારી કાઢી છે પરંતુ, ટ્રમ્પ સમજાવટના પ્રયાસો ચાલુ રાખવાના છે.
જોકે, ટ્રમ્પ માટે એક વાત તો માનવી રહી કે તેઓ કડવા બોલા હોવા સાથે ઘણી વખત સાચું બોલતા અચકાતા નથી. તેમણે દાવોસ મંચ પર પાકિસ્તાનને આતંકવાદ મુદ્દે આડે હાથ લેતા કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોની તકરારનું મુળ કારણ પાકિસ્તાનમાં વકરેલો આતંકવાદ છે. પાકિસ્તાન પોતાની ભૂમિ પર આતંકવાદને પાળીપોષી રહ્યું છે અને ભારત જેવા દેશોમાં હુમલા માટે તેનો ઉપયોગ પણ કરી રહ્યું છે. જો પાકિસ્તાન આતંકવાદ સામે આક્રમક કાર્યવાહી કરે તો જ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શક્ય છે. ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત જવાના છે પરંતુ, પાકિસ્તાનની મુલાકાત લેવાનો તેમણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. બીજી તરફ, અમેરિકાની થિન્ક-ટેન્ક કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)ના રિપોર્ટ અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવવા સહિતના મુદ્દે નરેન્દ્ર મોદી સરકારે લીધેલા નિર્ણયોનો જવાબ આપવા પાકિસ્તાન પાસે કોઈ વિકલ્પો જ નથી.
ટ્રમ્પે પહેલા તો ઈરાન સાથે યુદ્ધનો પલીતો ચાંપી દીધો અને પરિસ્થિતિ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જાય તેવું લાગ્યું કે તરત ખાંડા ખખડાવાનું બંધ કરીને ઈરાન સાથે શાંતિની વાતો ઉચ્ચારવા લાગ્યા.આ રીતે તો ટ્રમ્પની વિશ્વ શાંતિચાહકની પ્રતિભા ઉપસે અને શાંતિ નોબેલ પ્રાઈઝ મળે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.
