તંત્ર વિશેની ગેરસમજ દૂર કરવા બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શન યોજાશે

Wednesday 29th January 2020 05:09 EST
 

તંત્ર પ્રદર્શનના માધ્યમથી પશ્ચિમના દેશોમાં તંત્ર વિશે પ્રવર્તતી ગેરસમજ દૂર કરવાના બ્રિટિશ મ્યુઝિયમ (BM)ના કથિત પ્રયાસોને હિંદુઓએ આવકાર આપ્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રદર્શનમાં જે વસ્તુઓ-કૃતિઓની રજૂઆત થશે તે પવિત્ર ધર્મગ્રંથોમાં તંત્ર વિશે દર્શાવ્યા મુજબ જ હશે. હિંદુ રાજનીતિજ્ઞ રાજન ઝેડે નિવેદનમાં જણાવ્યું હતું કે હિંદુઓ BMની પ્રશંસા કરે છે. તે છતાં તંત્રનો ઈતિહાસ અને તેની વૈશ્વિક અસર પર પ્રકાશ પાડતા આ પ્રદર્શનમાં થનારું ડિસપ્લે સમૃદ્ધ ધાર્મિક પરંપરા પ્રત્યે આદરભાવ દર્શાવવા પવિત્ર ધર્મગ્રંથોમાં જણાવ્યા મુજબનું જ હોય તેને જરૂરી માને છે. તેમણે વિશ્વના અન્ય મુખ્ય આર્ટ મ્યુઝિયમોને હિંદુ ધર્મ પર વિશેષ પ્રદર્શનોનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તેનાથી દુનિયાના બાકીના દેશો સમૃદ્ધ હિંદુ વીરાસતથી વાકેફ થશે.

યુનિવર્સલ સોસાયટીના પ્રેસિડેન્ટ રાજન ઝેડે કેટલીક વખત ગેરસમજનો ભોગ બનેલી ફિલોસોફિકલ સિસ્ટમ વિશે વધુ સમજ કેળવવા ગંભીર પ્રયત્ન કરવા BMને અનુરોધ કર્યો હતો.

પ્રદર્શનના ક્યુરેટર ડો. ઈમ્મા રેમોસ છે. આ પ્રદર્શન આગામી ૨૩ એપ્રિલથી ૨૬ જુલાઈ સુધી યોજાશે. તેમાં તંત્રનો ઉદભવ અને વ્યાપ વિશે સમજ અપાશે. BM દ્વારા જણાવાયું હતું કે આ પ્રદર્શનમાં શિલ્પ, પેઈન્ટિંગ્સ, પ્રિન્ટસ અને અનુષ્ઠાનની વસ્તુઓ સહિત ૧૦૦થી વધુ કૃતિઓ રજૂ કરાશે. BMનો દાવો છે કે તેની પાસે સમગ્ર વિશ્વનું તાંત્રિક પદાર્થોનું સૌથી મોટું અને વિસ્તૃત કલેક્શન છે.


comments powered by Disqus