દિલ્હીમાં ૧૯૫૮માં બંધાયેલ વિખ્યાત તિહાડ જેલ ખૂનીઓ અને લૂંટારાઓને કેદીઓ તરીકે રાખવા માટે જાણીતી છે. ૪૦૦ એકરની વિશાળ જમીનમાં પથરાયેલી આ જેલમાં ૧૨૦૦ કેદીઓ રાખવાનું આયોજન હતું. પરંતુ મોટાભાગે તેમાં ૧૧,૦૦૦ કેદી હોય છે. ક્યારેક કોઈ શ્રીમંત કે નામાંકિત વ્યક્તિને પણ આ જેલમાં સ્થાન મળે છે. કોંગ્રેસના ભૂતપૂર્વ ફાઈનાન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમને ભ્રષ્ટાચારના ગુના માટે આ જેલમાં રખાયા હતા.
જેલના ડાયરેક્ટર સંદીપ ગોયલે એક મેગેઝિનને ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને આ જેલમાં રહેવા માટે સામાન્ય જનતા અને પ્રવાસીઓ પાસેથી ઘણી વિનંતીઓ મળે છે અને એના અનુસંધાને જેલ સંચાલકોએ પ્રવાસીઓને આ જેલમાં રહેવા દેવા માટે સરકાર પાસે પરવાનગી માગી છે. પરવાનગી મળશે તો પ્રવાસીઓ માત્ર ૨૦ પાઉન્ડ ચૂકવીને ૨૪ કલાક આ જેલમાં સામાન્ય કેદીની માફક જ પણ ખાસ પસંદ કરાયેલા ગુનેગારો સાથે ગાળી શકશે. આ મહેમાનોએ કેદીઓની માફક જ આ જેલમાં રહેવું પડશે. જેમકે સવારે પાંચ વાગે ઉઠવાનું, જમીન પર સૂવાનું, કેદીઓની વરદી પહેરવાની અને જે ખોરાક કેદીઓને અપાય છે તે જ ખોરાક તેમને પણ પીરસાશે. વધુમાં, તેમણે કેદીઓની માફક જ જેલમાં ઘઉં દળવાનું કે ફર્નિચર બનાવવા જેવું કામ કરવું પડશે. ગોયલે ઉમેર્યું કે આ જેલનો અનુભવ મેળવવા માટે વિદેશીઓ અને ખાસ કરીને જાપાનના પ્રવાસીઓ તરફથી વધારે પૂછપરછ આવે છે.
દુનિયાની બીજી જેલોની વાત કરીએ તો સાઉથ આફ્રિકાની રોબિન આઈલેન્ડ જેલ કે જ્યાં પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાએ કેદી તરીકે વર્ષો ગાળેલા અને કેલિફોર્નિયાની ALCATRAZ જેલ પ્રવાસીઓ માટે ખૂલી છે.
બ્રિટનની અમુક જેલોમાં CLIKના સહયોગથી રેસ્ટોરન્ટ ચાલે છે. બ્રિક્સ્ટનની ૮૦૦ કેદીની ક્ષમતાવાળી જેલની રેસ્ટોરન્ટ ખૂબ પ્રખ્યાત છે. ૨૦૧૭માં ૧૮,૦૦૦થી પણ વધારે રેસ્ટોરન્ટના કરાયેલા સર્વેમાં આ જેલની રેસ્ટોરન્ટને ત્રીજું સ્થાન મળ્યું હતું. પ્રખ્યાત શેફ ગોર્ડન રામશીની રેસ્ટોરન્ટને ૫૧મુ સ્થાન મળ્યું હતું.
હવે બીજી વખત ભારત યાત્રા દરમિયાન ફાઈવ સ્ટાર હોટલ સિવાય રહેવાનો અનુભવ કરવો હોય તો તિહાડ જેલ વિશે વિચારશો. માત્ર ૨૦ પાઉન્ડમાં રહેવાનું અને જમવાનું ખરાબ ન કહેવાય.
