ધ ઈકોનોમિસ્ટ દ્વારા અનાવશ્યક ઉશ્કેરણી

સી. બી. પટેલ Tuesday 28th January 2020 13:50 EST
 
 

વડીલો સહિત સર્વે વાચકમિત્રો, ધ ઈકોનોમિસ્ટ અખબારે ભારત અને તેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશેના તાજેતરના આર્ટિકલ સાથે ધ્યાન આકર્ષિત કરવામાં સફળતા મેળવી છે. ભારતના પ્રજાસત્તાક દિનના બે દિવસ અગાઉ જ પ્રસિદ્ધ કરાયેલા સનસનાટીપૂર્ણ અને પ્રત્યાઘાતોને ઉશ્કેરતા લેખનો સમય પણ ઘણો નોંધપાત્ર રહ્યો. ‘Intolerant India : How Modi is endangering the world’s biggest democracy (અસહિષ્ણુ ભારતઃ કેવી રીતે મોદી વિશ્વના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં મૂકી રહ્યા છે)’ના મથાળા સાથેના આ લેખમાં સમાવિષ્ટ કાશ્મીર, હિન્દુ રાષ્ટ્ર, CAA, NRC અને અન્ય વિષયો પર લેખકોના મંતવ્યોએ મારું ધ્યાન ખેંચ્યું છે.
હું તમને આ પૂર્વગ્રહિત અને બિનતટસ્થ રિપોર્ટિંગ સાથેનો લેખ વાંચવાની મુશ્કેલીમાંથી બચાવી ધ ઈકોનોમિસ્ટ તેના સનસનાટીપૂર્ણ લેખ દ્વારા શું કહેવા-ઠસાવવા માગે છે તેનું સંક્ષિપ્ત વિવરણ આપવા ઈચ્છું છું. આ લેખમાં સૂચવાયું છે કે ભારતીય મતદારો પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા નથી. તેમાં ભારતના મીડિયાને નિષ્પ્રાણ અને કહ્યાગરાં તરીકે ચિતરાયું છે અને ભારતની સર્વોચ્ચ અદાલત-સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાને ‘નિષ્ણાત’ સલાહ આપવા સાથે દુર્બળતા છોડી થોડીઘણી ‘કડકાઈ’ દર્શાવવાનું કહેવાની ધૃષ્ટતા પણ આચરી છે.

આ સમજાઈ ગયું હશે

મેં આ આર્ટિકલ વિશે કોઈ ટીપ્પણી કરવાથી અળગા રહેવાનો પ્રયાસ કર્યો. છે. વાસ્તવિકતા એ છે કે ધ ઈકોનોમિસ્ટે કેટલાક પ્રત્યાઘાતોની આશા રાખી છે અને મારે તેમને નિરાશ કરવા જોઈએ નહિ.
તેઓ ભારતીય ઈતિહાસની પાયારુપ હકીકતો ભૂલી ગયા લાગે છે. પરંતુ, ચિંતાનું કોઈ કારણ નથી, હું તેમની મદદ ક્યારે કરી શકીશ? છેલ્લા ૧૦૦૦ વર્ષનો ઈતિહાસ તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે ભારતે કદી કોઈ દેશ પર આક્રમણ કર્યું નથી કે તેમના પ્રદેશો પચાવી પાડ્યા નથી. આનાથી વિપરીત, આશરે ૨૦૦૦ વર્ષ અગાઉ તેણે પ્રારંભિક ક્રિશ્ચિયન્સને આશ્રય આપ્યો છે. ભારતે તો યહુદીઓ, પારસીઓને શરણ આપ્યું જ છે સાથોસાથ, અન્ય પડોશી દેશોના મુસ્લિમોને પણ રાજ્યાશ્રય આપવામાં પાછું વળીને જોયું નથી. ધ ઈકોનોમિસ્ટને તો ભારતના વિભાજનના તાજેતરના ઈતિહાસની પણ જાણ હોય તેમ લાગતું નથી.
અખંડ ભારતનું વિભાજન એટલા માટે જ થયું કારણકે મુસ્લિમ લીગે મુસ્લિમો માટે અલગ વતનની માગણી ઉઠાવી હતી. મહાત્મા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ આ માગણી સંદર્ભે મોહમ્મદ અલી ઝીણાને સમજાવવા-મનાવવાના અથાક પ્રયાસો કર્યા હતા. ગાંધીજી તો દેશને અખંડ રાખવા એટલા ઈચ્છુક હતા કે તેમણે ઝીણાને નવા સ્વતંત્ર ભારતની નેતાગીરી પણ ઓફર કરી હતી. આમ છતાં, સામ્રાજ્યવાદી સત્તા બ્રિટને ભારતના ભાગલા પાડ્યા અને તે પછીનો ઈતિહાસ તો આપણે બધા જ જાણીએ છીએ.
હું તમને આ વિભાજન સમયે સરહદની બંને તરફ મોતનાં રક્તરંજિત તાંડવ, હિંસા અને હજારોની સંખ્યામાં નિર્દોષ લોકોની હત્યાની વિગતોમાં ઊંડે લઈ જવા માગતો નથી. લાખો લોકોએ ભારત અને પાકિસ્તાનમાંથી સ્થળાંતર કર્યું હતું.
ધ ઈકોનોમિસ્ટ ‘અસહિષ્ણુ ભારત’ વિશે વાત કરે તે પહેલા તેમણે આ દેશમાં ધર્મ, જાત-પાત કે દેશના પ્રાંતોને ધ્યાનમાં લીધા વિના જ ભારતમાં રહેતા કરોડો લોકોનું તે માદરેવતન છે તે હકીકતને જાણવાની અને પચાવી લેવાની જરૂર છે.

‘લઘુમતી’ અવાજ ઉઠાવવામાં જરા પણ નબળી નથી

આપણે ભારતના વસ્તીવિષયક આંકડાઓ તરફ એક નજર કરીએ. ભારતના વિભાજન સમયે દેશમાં મુસ્લિમ વસ્તી આશરે ૧૩ ટકા અને ક્રિશ્ચિયન વસ્તી આશરે એક ટકાની હતી. ધ ઈકોનોમિસ્ટ દ્વારા જ પ્રકાશિત કરાયેલા વસ્તીગણતરી (સેન્સસ)ના તાજા આંકડા જ સ્પષ્ટ કરે છે કે મુસ્લિમ વસ્તીમાં આશરે ૧.૬ ટકાની વૃદ્ધિ થઈ છે. ક્રિશ્ચિયનોની વસ્તી પણ લગભગ બમણાથી વધુ થઈ છે અને પરિણામસ્વરુપ હિન્દુઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારતમાં મુસ્લિમોની યાતનાઓ વિશે સ્વગત બબડાટ કરવામાં તેમણે આ કોમ્યુનિટીનું અવમૂલ્યન કરવાનો પ્રયાસ કર્યો છે એટલું જ નહિ, કેરળના વર્તમાન રાજ્યપાલ મોહમ્મદ આરીફ ખાન જેવા અગ્રણી ભારતીય મુસ્લિમોને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવાનું પોતાનું ‘ડહાપણ’ દર્શાવ્યું છે. આરીફ ખાને સિદ્ધાંતોને વળગી રહી શાહબાનો કેસમાં વૈચારિક મતભેદ અને બંધારણ સાથે છેડછાડના મુદ્દે ૧૯૮૬માં રાજીવ ગાંધી સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું તે સર્વવિદિત છે. પ્રખ્યાત લેખક સલીમ ખાન તેમજ અન્ય પ્રતિષ્ઠિત મુસ્લિમ મહાનુભાવો પણ મોદી સરકાર અને વર્તમાન ભારતની પ્રશંસા કરતા જરા પણ અચકાયા નથી.
આપણામાંથી કોઈએ, એક ક્ષણ માટે પણ મુસ્લિમ કોમ્યુનિટી અવાજ ઉઠાવવામાં પાંગળી, દબાયેલી કે નબળી હોવાનું માનવા કે વિચારવાની જરૂર નથી. CAA હોય કે સૂચિત NPR, હજારોની સંખ્યામાં હિંમતવાન મુસ્લિમ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સુદ્ધાં, ખુલ્લેઆમ અને નિર્ભયતા સાથે તેને વખોડી કાઢતાં હોય તેવા દૃશ્યો આપણે બધાંએ ટેલિવિઝન પર નિહાળ્યા જ છે. મને તો એ સમજાતું નથી કે ભારતની કેબિનેટમાં જેની વિચારણા થઈ નથી કે જેને કાયદાપોથીમાં હજુ સ્થાન અપાયું નથી તે હકીકતો નજરઅંદાજ કરીને NRCની ચર્ચા માંડવામાં ધ ઈકોનોમિસ્ટ કયો એજન્ડા આગળ વધારી રહ્યું છે?
ભારતમાં દરરોજ ખુલ્લેઆમ, આક્રમકતા અને હિંસકપણે વિરોધ પ્રગટ કરતા લોકો જોવાં મળે છે. જો ‘અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય’નું ઉદાહરણ આપવાનું જ હોય તો CAA વિશે પોતાનો મત દર્શાવતા- અવાજ ઉઠાવતા લોકોના સમૂહો તરફ નજર કરવાથી વધુ સારો કયો માર્ગ હોઈ શકે?

ભારતીય મીડિયા નિષ્પ્રાણ કે નબળું છે?

ભારતમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ભલે તે NDTV હોય કે ધ હિન્દુ હોય, અન્યોની સાથે વડા પ્રધાન મોદી અને તેમની નીતિઓ અને કોઈ પણ સંદર્ભ વિના RSS ને પણ લપેટમાં લેવાની કોઈ તક છોડતાં નથી.
ટોરોન્ટોમાં રહેતા પાકિસ્તાની મુસ્લિમ તારેક ફતેહ પોતાના સ્પષ્ટભાષી રાજકીય મંતવ્યો માટે જાણીતા છે. તેમના સહિતના આલોચકોએ કોંગ્રેસ પાર્ટી, ભારતીય સામ્યવાદીઓ અને તથાકથિત બિનસાંપ્રદાયિકતા-વાદીઓના દંભનો પર્દાફાશ કર્યો છે. મારે બાંગલાદેશી-સ્વીડિશ લેખિકા તસલીમા નસરીન તરફ પણ ધ ઈકોનોમિસ્ટનું ધ્યાન દોરવું છે, જેમણે પોતાનો જીવ બચાવવા બાંગલાદેશ છોડી હાલ નવી દિલ્હીમાં રહેવાની ફરજ પડી છે!

ડિયર ઈકોનોમિસ્ટ

હું તો ઘણા દાયકાથી ધ ઈકોનોમિસ્ટનો લવાજમી ગ્રાહક અને ઉત્સુક વાચક રહ્યો છું. આવા પ્રકાશનના સ્થાપક જેમ્સ વિલ્સનના જમાઈ વોલ્ટેર બેજહોટ, જેમણે પત્રકારિતા વ્યવસાયના કેટલાક પાયારુપ ઉમદા નિયમો પ્રસ્થાપિત કર્યા છે તેમના કદમોને આ પ્રખ્યાત પ્રકાશનનું પત્રકારત્વ અનુસરે તેવી અપેક્ષા રાખવી જરા પણ ખોટી નથી.
હું ખોટી રીતે વિચારતો નથી. ધ ઈકોનોમિસ્ટ પોતાની પસંદગીના કોઈ પણ વિષયે મત પ્રગટ કરવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે પરંતુ, મનગઢંત વાતો વિના માત્ર હકીકતોને ઉપયોગમાં લેવાય તેવી મારી અપેક્ષા પણ ખોટી નથી. પ્રતિષ્ઠિત નસ્લ અને પરંપરા સાથેના આ મેગેઝિન પાસેથી મને આ પ્રકારની આશા ન હતી. આર્ટિકલના આરંભથી જ પોતાની રજૂઆતમાં ધ ઈકોનોમિસ્ટ ગેરમાર્ગે દોરી રહેલું અથવા ખોટી માહિતી ધરાવતું હોવાનું સ્પષ્ટ થાય છે. તે ’૨૦ કરોડ મુસ્લિમોમાંથી ઘણાં’ દસ્તાવેજો નહિ ધરાવતા અને દેશમાંથી હકાલપટ્ટી કરાવાનો ભય ધરાવતા હોવાની વાત કરે છે.
હું તો મારી વાત મોટા અવાજે કરીશ કે જેથી તે બહેરાં કાને પણ પહોંચી શકે. ધ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (CAB) માત્ર એટલું જ જણાવે છે કે ૨૦૧૪ સુધીમાં ભારતમાં આવેલા નિર્વાસિતો-શરણાર્થીઓ (હિન્દુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ, ક્રિશ્ચિયન) નાગરિકતા હાંસલ કરવાનો અધિકાર ધરાવે છે. અહીંથી કોઈની હકાલપટ્ટીની વાત જ નથી. ખરેખર, એમ જ લાગે છે કે ધ ઈકોનોમિસ્ટ સત્ય સાથે પણ કરકસર-કંજૂસાઈ (ઈકોનોમી) કરી રહ્યું છે.
૨૦ કરોડ મુસ્લિમોને રાષ્ટ્રવિહોણા બનાવાઈ રહ્યાં હોવાનું નિવેદન સત્યથી તદ્દન વેગળું, ભારે ઉશ્કેરણીજનક અને વિભાજનકારી છે. અને સરકારે આ જાળમાં ઝડપાયેલા લોકો માટે ડિટેન્શન કેમ્પ્સ બાંધવાના આદેશો આપી દીધા હોવાનું કહેવું તે શું નિર્લજ્જતા નથી? વહાલા ઈકોનોમિસ્ટ, આ ભારત છે, ચીન નથી જ્યાં, શિનજિઆંગ પ્રાંતમાં દસેક લાખ ઉઘૂર મુસ્લિમોની અટકાયત કરાયેલી છે.
એવો આક્ષેપ કરાયો છે કે મોદી ભારતને ‘ઉગ્ર રાષ્ટ્રવાદી હિન્દુ દેશ (chauvinistic Hindu state)’માં રુપાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે તેમના ‘દાયકાઓ લાંબા ઉશ્કેરણી પ્રોજેક્ટ (decades long project of incitement)’ની પણ વાત કરી છે. આ તેમના શબ્દો છે, મારા નહિ. મારે ધ ઈકોનોમિસ્ટને, તેમણે ગુજરાતના ૨૦૦૨ના કોમી રમખાણો વિશે અનેક વખત પ્રસિદ્ધ કર્યું છે તેની યાદ અપાવવી છે, શક્ય છે તેઓ ભૂલી ગયા હોય. ધર્મઝનૂની મુસ્લિમો દ્વારા ટ્રેન કમ્પાર્ટમેન્ટ સળગાવી દેવાયા સાથે ૫૯ પુરુષ, સ્ત્રીઓ અને બાળકો (તમામ હિન્દુ)ના જીવતા સળગી જવાથી મોત થયાં હતાં. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહ દ્વારા ભારતની પાર્લામેન્ટમાં આવું નિવેદન કરાયું હતું, જેને ધ ઈકોનોમિસ્ટ દ્વારા પણ પ્રસિદ્ધ કરાયું હતું.
કોંગ્રેસની નેતાગીરી હેઠળની સરકારે તદ્દન અપૂર્ણ અને અસત્ય પૂરાવાઓના આધારે આ ઘૃણિત કૃત્યમાં મોદીને સંડોવી દેવામાં કાતિલ પ્રયાસો સાથે જરા પણ પાછીપાની કરી ન હતી.
ધ ઈકોનોમિસ્ટે તેના સૌથી મસાલેદાર તાજા લેખમાં ગંભીર આક્ષેપો કર્યા છે, આક્ષેપો સિવાય તેમાં કશું નથી. મારો પ્રશ્ન છે કે આટલાં પ્રતિષ્ઠિત પ્રકાશનને પોતાની મોદીવિરોધી ઝૂંબેશમાં શા માટે આટલી હદે નીચલા સ્તરે ઊતરી જવું પડે છે? મને અને અન્ય ઘણાને એ બાબત યાદ છે કે ગોધરા રમખાણો પછી ધ ઈકોનોમિસ્ટ જ હતું જેણે એક તબક્કે મોદીને ગુજરાતમાં જનસંહારના પ્રભાવક બળ તરીકે ગણાવ્યા હતા અને આ પ્રકારના અનેક વિશેષણોનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત રાજ્ય વિધાનસભા અને ભારતની લોકસભા ચૂંટણીઓમાં ધ ઈકોનોમિસ્ટે મોદી અથવા તેમના પક્ષને મત નહિ આપવા લોકોને જાહેર સલાહ પણ આપી હતી. આમ છતાં, ગત વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં મોદી અને તેમના પક્ષને આશરે ૮૦ કરોડ મતદારોનો સ્પષ્ટ જનાદેશ સાંપડ્યો હતો. ઈકોનોમિસ્ટ ઉશ્કેરણી અને પ્રચાર મારફત જે હાંસલ કરી ન શક્યું તે હવે ભારત સરકારને નીચી દેખાડી વિજય મેળવવાની આશા રાખે છે. તેને કદાચ જાણ નથી કે આવા પ્રયાસમાં તે અસત્ય અને કટાક્ષ અથવા સાથ-સહકારના અપરાધમાં સંકળાઈ હિંસક વિરોધોને ઉશ્કેરી રહ્યું છે. મિ. બેજહોટ દ્વારા પ્રસ્થાપિત પત્રકારિતાના માપદંડના નકશેકદમને અનુસરવાને ઈચ્છુક અથવા તેનો દાવો કરનારા પ્રકાશન પાસેથી આવી અપેક્ષા તો ન જ હતી.
ભારત એકમાત્ર દેશ નથી જ્યાં, આર્થિક સૂચકાંકો તીવ્ર પડકારોનો સામનો કરી રહેલ છે. આર્ટિકલ ૩૭૦ને દૂર કરવાથી કે CAA અને NPRથી ગાડી અવળા પાટે ચડી ગયાનું કહેવું અથવા સુપ્રીમ કોર્ટની ન્યાયિક ક્ષમતાઓ સંબંધે શંકા ઉઠાવવી તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનાર તેમજ અસ્વીકાર્ય છે.
ભારતમાં લોકશાહી જોખમમાં હોવાની કાગારોળ મચાવતા ધ ઈકોનોમિસ્ટ અને તેના જેવા પ્રકાશનો અથવા કહેવાતા નિષ્ણાતોએ ભારત લોકશાહીવાદી અને ધર્મનિરપેક્ષ રહ્યું છે તેમજ મુક્ત સાહસના માળખામાં વધુ ઝડપથી વિકાસ સાધી રહ્યું છે તે સ્વીકારી લેવાની સમજણ દાખવે તે પણ હવે આવશ્યક છે. ભારતે ઝડપી આર્થિક વિકાસ સાધવા કદી ચીન જેવા કેન્દ્રિત આયોજન અથવા સરમુખત્યારશાહીના માર્ગનું અનુસરણ કર્યું નથી.
આ લેખમાં સૌથી ગંભીર આક્ષેપોમાં એક આપણને જણાવે છે કે મોદી ‘calculating a sizeable minority (કેલક્યુલેટિંગ અ સાઈઝેબલ માઈનોરિટી). તમારે ભારત સરકારના ઈરાદાઓનું અર્થઘટન શા માટે કરવું પડે છે, હકીકતો તરફ ધ્યાન શા માટે આપતા નથી? આ સંપૂર્ણ અસત્ય અને તમારા માહિતીસ્રોતોની પસંદગીયુક્ત યાદદાસ્ત પરથી ભારત અથવા મોદી સરકારને અસ્થિર કરવાનો કોઈ અર્થ નથી.
હકીકતે, હું ધ ઈકોનોમિસ્ટને પડકાર ફેંકું છું કે ગત ૧૭ વર્ષમાં ગુજરાતમાં અથવા નવી દિલ્હીમાં કે કેન્દ્ર સરકારની અંદર મોદી સરકારે મુસ્લિમો અથવા અન્ય લઘુમતીઓ પ્રત્યે કોઈ પ્રકારની ભેદભાવપૂર્ણ નીતિઓ અપનાવી હોય તેનું એક ઉદાહરણ પણ આપે. ગત ૧૭ વર્ષોમાં કાયદામાં કે તેના અમલમાં હિન્દુતરફી અથવા મુસ્લિમવિરોધી પૂર્વગ્રહ જોવા મળ્યો નથી. 

હા, એનું દુઃખ છે કે કેટલાક કટ્ટર હિન્દુઓએ ગાય અથવા અન્ય ઉદ્દેશ સાથે કાયદો હાથમાં લીધો હતો. તેમની પ્રવૃત્તિઓથી મને અંગત રીતે નફરત થઈ છે. પરંતુ, તમારા આક્ષેપોના આગ્રહી સમર્થનમાં સંખ્યાઓ વધારીને અતિશયોક્તિપૂર્ણ રજૂઆત કરવાનો શો અર્થ છે?
‘ધર્મનિરપેક્ષ અને નિષ્પક્ષ સરકાર, અન્ય ઘણી બાબતોમાં ખામીપૂર્ણ હોય તો પણ આ તમામ જૂથોનું રક્ષણ કરે છે. તેમાંથી કોઈ પણ વિરુદ્ધ ઈરાદાપૂર્વકના અને નિરંતર અત્યાચાર નિઃશંકપણે તમામ સામે ધમકી સર્જે છે અને રાજકીય વ્યવસ્થાને પણ જોખમમાં મૂકે છે.’ આર્ટિકલમાં મહાત્મા ગાંધી વિશે વાતો કરવામાં આવી છે. અરે ભાઈ, મહાત્મા ગાંધી વિશે તમે શું જાણો છો? તમે કદી તેમની આત્મકથા વાંચી છે ખરી? ગાંધીજી ખુદ કહે છે કે એ દુઃખદાયી છે કે કેટલાક મુસ્લિમો આક્રમકતાનું, નાસ્તિકો વિરુદ્ધ ધાકધમકીનું તત્વ ધરાવે છે. આ ગાંધીજી કહે છે, હું નહિ!
વાસ્તવમાં, પાકિસ્તાની સૈનિકોએ ૧૯૪૭-૪૮માં કાશ્મીર પર આક્રમણ કર્યું તે સમયે પોતાની સરહદોના રક્ષણ માટે ભારતીય લશ્કરને મોકલવાના ભારત સરકારના નિર્ણયને ગાંધીજીએ બહાલી આપી હતી.
જો આપણે ગાંધીજી વિશે વાત કરવા માગતા હોઈએ તો મારે એ કહેવું જોઈએ કે મોદી અથવા તેમની પાર્ટી વિરુદ્ધ માત્ર અસત્યના આધારે અથવા વેરભાવના આધારિત જર્નાલિઝમને તેમણે કદી સમર્થન આપ્યું ન હોત.
આર્ટિકલ વધુમાં જણાવે છે કે,‘સતત હિન્દુઓને ઉત્તેજિત કરવા અને મુસ્લિમોને રોષિત રાખવા સાથે ભાજપ નવેસરથી ખુનામરકીને વધુ શક્ય બનાવી રહ્યું છે.’ મોદી શાસન હેઠળ ગુજરાતમાં ૧૧ વર્ષ અથવા ભારતમાં છ વર્ષના ગાળામાં કેટલા કોમી રમખાણો થયાં તે શોધી કાઢવા હું ધ ઈકોનોમિસ્ટને જણાવી રહ્યો છું. ઉશ્કેરણીના કારણે જ રક્તપાત સર્જાતો હોવાથી મહેરબાની કરીને હિન્દુ-મુસ્લિમ હુંસાતુસીને પ્રોત્સાહન આપવાથી દૂર જ રહો. હિન્દુ રાષ્ટ્રવાદીઓ ‘ગુજરાતમાં હત્યાકાંડે દર્શાવ્યું છે તેમ સહેલાઈથી અંકુશમાં લાવી શકાતા નથી’ તેવો ઉલ્લેખ પણ કરાયો છે. કોઈ કમનસીબ દુર્ઘટનામાં બે સમુદાય સંકળાયા હોય ત્યારે એક કોમ્યુનિટીના માથે દોષનો ટોપલો ઢોળી દેવો તે પણ યોગ્ય ન કહેવાય.
ધ ઈકોનોમિસ્ટ તો હજુ આગળ વધીને તે સુપ્રીમ કોર્ટને સલાહ આપી શકે તેવી સક્ષમતા ધરાવવાની માન્યતાએ પહોંચી ગયું છે. શું તે સુપ્રીમ કોર્ટથી પણ ઉપર હોવાનું માને છે? તેમની પાસે આ માટેની લાયકાતો અથવા વિશ્વસનીયતા છે ખરી? તેઓ પોતાની ટીપ્પણીઓ થકી સુપ્રીમ કોર્ટને ઉશ્કેરણી કરવા સાથે મહેણાં પણ મારે છે.
હું ધ ઈકોનોમિસ્ટને એ જણાવવા માગું છું કે પોતાના બંધારણની મર્યાદામાં કાર્યરત અન્ય કોઈ પણ લોકતંત્રની માફક ભારત પણ તેના સાર્વભૌમત્વ અને દેશના આત્માને પુનઃઉદ્ધારિત કરવાનો અધિકાર ધરાવે છે. એકાએક જાગી ઉઠેલા પ્રકાશને મોદી અથવા મોદીની સરકાર પર દોષારોપણ કરવામાં સત્યપૂર્ણ, વાજબી અને પ્રમાણસર રહેવાની જરૂર છે. મોદી સામે વેર વાળવાની નીતિ નિર્વિવાદપણે તેમના હાથ મજબૂત બનાવશે કારણકે ૧.૩ બિલિયનની વસ્તી સાથેના નવા ભારતમાં ૮૦ ટકા લોકો સ્વતંત્ર ભારતમાં જન્મેલા છે અને પોતાની નિયતિનો નિર્ણય કરવા સક્ષમ છે. જૂનીપુરાણી સામ્રાજ્યવાદી સત્તા જરા પણ તેમની ગણતરીમાં આવતી નથી.
(એશિયન વોઈસમાં પ્રકાશિત ‘AS I SEE IT’ કોલમનો ભાવાનુવાદ)


comments powered by Disqus