પૂ. મહંત સ્વામીએ નવસારીના નૂતન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરનું નિરીક્ષણ કર્યું

Wednesday 29th January 2020 05:06 EST
 
 

BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ નવસારી ખાતે બિરાજમાન છે. આ અગાઉ ૨૧મીએ તેઓ સુરતમાં હતા ત્યારે મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તોએ તેમના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ લીધો હતો. ૨૨મીએ પૂ. મહંત સ્વામીએ પૂજા દર્શનનો લાભ આપ્યો હતો. તે પછી બાળકોએ સ્વામીનારાયણ મહાપૂજા કરી હતી. ૨૩મીએ પૂ. મહંત સ્વામીની પૂજામાં સુરતના પ્રસિદ્ધ ગાયકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ તેમની કળાને પાવન કરી હતી. ૨૪મીએ સવારની પૂજા પછી પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૧,૦૦૦ બાળકોને કંઠી ધારણ કરાવવામાં આવી હતી. ૨૫મીએ સવારના પૂજાદર્શન બાદ તેમણે આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે કહ્યું,‘ પરમ શુદ્ધિ એટલે અંતરમાં ભગવાન સિવાય કોઈ લોચો રહે નહીં’. સાંજે સત્સંગ સભા યોજાઈ હતી. તેમાં સાંકરી વિસ્તારના ભક્તો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. તેમણે સ્વાગત નૃત્ય કર્યું હતું અને સંવાદ ભજવ્યો હતો. આ પ્રસંગે સાંકરી વિસ્તારના ૫,૦૦૦ ભક્તો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. ૨૬મીને પ્રજાસત્તાક દિને પૂ. મહંત સ્વામી મંદિરે પધાર્યા હતા. મંદિરમાં વિવિધ રંગોના ફુગ્ગા તેમજ અન્ય વસ્તુઓથી સુશોભન કરવામાં આવ્યું હતું. પૂ. મહંત સ્વામીએ તિરંગો હાથમાં લઈને ફરકાવ્યો હતો. તેઓ સાંજે રવિસભામાં પધાર્યા હતા. તે દિવસ તિથિ પ્રમાણે પૂ. મહંત સ્વામીનો ૬૩મો શિક્ષા દિન હતો. તેમણે સૌને જય સ્વામીનારાયણ કહ્યા હતા. મંદિરને પણ આ પ્રસંગને અનુરૂપ શણગારવામાં આવ્યું હતું. ૨૭મીને સોમવારે પૂ. મહંત સ્વામીએ સફેદ આરસમાંથી તૈયાર થયેલા મંદિરનું ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું. નૂતન મંદિર નિહાળીને તેઓ રાજી થયા હતા અને મંદિરના નિર્માણ કાર્યમાં સંકળાયેલા સૌને આશીર્વાદ આપ્યા હતા. તેમણે નવા સંત ભવનને પણ ખૂલ્લું મૂક્યું હતું. ૨૮મીએ સવારે પૂ. મહંત સ્વામીએ પૂજાદર્શનનો લાભ આપ્યો હતો. નૂતન મંદિરમાં જે મૂર્તિઓ પધરાવવાની છે તેની નિર્ધારિત રૂટ પર નગરયાત્રા યોજાઈ હતી. તેમાં મોટી સંખ્યામાં સંતો-હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વિચરણ દરમિયાન પૂ. મહંત સ્વામી નિત્યક્રમ બાદ ફુરસદના સમયમાં ભક્તોના પત્રોના જવાબ પણ લખે છે. આ ઉપરાંત, બીએપીએસ શ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા પ્રકાશિત થતાં વિવિધ પ્રકાશનોનું પણ વાંચન કરે છે.


comments powered by Disqus