ચીનના હુવેઇ પ્રાંતસ્થિત વુહાન શહેર નવતર અને જીવલેણ કોરોના વાયરસ વિશ્વમાં ચિંતા અને ચર્ચા ઉપરાંત, સંભવિત મહામારીનું કેન્દ્ર બની રહ્યું છે. અતિશય ઝડપે ફેલાઈ રહેલા અને હવે વુહાન વાયરસ તરીકે પણ ઓળખાવાયેલા આ અત્યંત ચેપી અને રહસ્યમય વાયરસના કારણે અત્યાર સુધી ૧૦૦થી વધુ લોકો મોતને શરણ થયા છે અને મૃતકોની સંખ્યા વધી જ રહી છે. ન્યૂમોનિયા જેવા લક્ષણ સાથેનો આ વાયરસ ખાંસી અને શરદી દ્વારા ફેલાતો હોવાથી તે વધુ ખતરનાક ગણાયો છે. વિશ્વભરમાં ૨૮૦૦થી વધુ લોકોને વાયરસના ચેપની અસર થયાનું કહેવાય છે ત્યારે ચીનના પ્રમુખ શી જિનપિંગે નવા વાયરસ સામે જંગ જીતવાનો આશાવાદ તો વ્યક્ત કર્યો છે પરંતુ, માત્ર તેના પર વિશ્વાસ રાખીને રહેવાય નહિ. ચીન સરકારે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહેલા કોરોના વાયરસના ખતરાને બરાબર સમજીને હુબેઇ પ્રાંતના ૧૦ શહેરોમાં કિલ્લેબંધી રચી છે. વુહાન શહેરને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દીધું છે. ચીનના ચાર મુખ્ય શહેરો બીજિંગ, શાંઘાઈ, શીઆન અને ટિઆન્જિન સહિત છ શહેરોમાં પણ પ્રવાસ પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે તેની પ્રશંસા પણ થવી જોઈએ.
અગાઉ ૨૦૦૨-૦૩માં ફેલાયેલા સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (‘સાર્સ’) નામના અજાણ્યા ચેપથી ચીન અને હોંગ કોંગમાં ૯૦૦૦ ચેપગ્રસ્તોમાંથી આશરે ૮૦૦ લોકોએ જાન ગુમાવ્યા અને વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ફેલાયું હતું તેવી જ પરિસ્થિતિ કોરોના વાયરસના કારણે સર્જાઈ છે. અત્યારે તો વુહાન અને આસપાસના વિસ્તારોમાં કોરોના વાયરસ મોત ફેલાવનારો બન્યો છે પરંતુ, એશિયા અને અન્ય દેશોમાં પણ તેનો ચેપ ફેલાવા લાગ્યો છે જે ખરેખર ચિંતાજનક છે. વર્તમાન યુગમાં હવાઈ મુસાફરી સરળ હોવાથી લોકો ઝડપથી વિશ્વના એકથી બીજા ખૂણે પહોંચી શકે છે. ચેપી અને જીવલેણ કોરોના વાયરસ પણ આવા લાખો માણસોની અવરજવર થકી જુદા જુદા દેશોમાં ચેપ ફેલાઈ જવા સાથે મહામારીનું કારણ બની શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા કોરોના વાયરસથી પ્રસરેલી બીમારીને મેડિકલ ઈમર્જન્સી જાહેર કરવા સંદર્ભે ચર્ચાવિચારણા થઈ રહી છે ત્યારે દરેક દેશની સરકારો વાયરસના ચેપથી નાગરિકોને બચાવવા પ્રયાસો કરી રહી છે. ચીન પછી જાપાન, થાઇલેન્ડ અને સાઉથ કોરિયામાં પણ વાયરસગ્રસ્ત લોકોના કેસ સામે આવ્યાં છે. ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકતા સહિત ૭ એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ શરૂ કરાયું છે. ચીન અને હોંગકોંગથી આવતી ફ્લાઈટ્સના ૨૯,૦૦૦થી વધુ પ્રવાસીઓનું પરીક્ષણ કરાયું છે. હકીકતમાં અમેરિકા અને જાપાન સહિતના દેશો કરતાં પણ વધુ ઝડપથી ભારતે યુદ્ધના ધોરણે આ પગલાં લેવા માંડ્યા તે પ્રશંસાને પાત્ર ગણી શકાય.
અત્યાર સુધી માનવીની જાણમાં આવેલા છ પ્રકારના કોરોના વાયરસ પછી આ સાતમો વાયરસ છે. ‘સાર્સ’ને મળતો આવતો આ વાયરસ નવતર હોવાથી સ્વાભાવિકપણે રસી શોધવામાં સમય વીતી જશે. અન્ય સમસ્યા એ છે કે ૨૫ જાન્યુઆરીથી ચીનના નવાં વર્ષનો આરંભ થયો છે. ઉત્સવ નિમિત્તે પણ લોકો ચીન અવરજવર કરે તે સ્વાભાવિક છે પરંતુ, આ સમય જ સાવચેતી રાખવાનો છે. ભારત અને વિશ્વ માટે ચિંતાની બાબત એ છે કે ચાઇનીઝ ન્યૂ યરના વેકેશનના કારણે સેંકડો વિદ્યાર્થીઓ વતનની મુલાકાત લઈ રહ્યા છે અને તેઓ આ ચેપી રોગના વાહક બને તેવી ચિંતા ઘેરી બની છે. ગણતરીના કલાકોમાં દુનિયાના બીજા ખૂણે પહોંચી જવાની સરળતાના આશીર્વાદ ક્યારે અભિશાપ બનીને ત્રાટકે તે કહી શકાય નહિ. લોકોએ જ હવાઈ પ્રવાસ ઘટાડવા સાથે ચેપગ્રસ્ત લોકો અને પ્રાણીઓથી દૂર રહેવામાં જ સલામતી માનવી જોઈએ. ચેપ લાગવા અને લક્ષણો દેખાવાના સમયગાળામાં પણ તેના ચેપનો જોખમી પ્રસાર શક્ય છે ત્યારે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને વૃદ્ધોએ આ વાઇરસના ચેપથી બચવા તમામ પ્રયાસ કરવા જોઈએ.
