કોરોનાની મહામારીને કારણે યુ.કે. અને યુ.એસ.એ.ના સિનેમાગૃહો ઉપર પણ આર્થિક સંકટ છવાયું છે.એક સાથે દશ-બાર ફિલ્મ થિયેટરો ધરાવનાર સિનેવર્લ્ડે ગુરૂવારે ૧૨૭ સિનેમાગૃહો બંધ કરવાનું એલાન કર્યું છે. આ સાથે જ સિનેવર્લ્ડ સાથે કામ કરતા ૫,૫૦૦ કર્મચારીઓની જોબ જોખમમાં મૂકાશે. સિનેવર્લ્ડની જાહેરાત બાદ વેન્યુએ પણ યુ.કે.ભરનાં ક્વોટર જેટલાં સિનેમાગૃહો બંધ કરવાનો નિર્ણય લીધો છે. એના ૧૨૦ જેટલા સિનેમા ગૃહ વીકેન્ડ પૂરતાં ખુલ્લાં રહેશે. ઓડિયન સિનેમાએ પણ માત્ર વીકેન્ડમાં જ ફિલ્મો પ્રદર્શિત કરવાની જાહેરાત કરી છે. સિનેવર્લ્ડના ચીફ એકઝીકયુટીવ મૂકી ગ્રિડીન્ગરે જણાવ્યું કે,’ગ્રોસરીની દુકાનમાં અનાજ ના હોય" એવી પરિસ્થિતિ સર્જાઇ છે કારણ કે ફિલ્મ નિર્માતાઓથી માંડી ડિસ્ટ્રીબ્યુટરો પણ લેટેસ્ટ ફિલ્મો આપવામાં નિષ્ફળ રહ્યા છે. ૨૦૨૦ની સૌથી શ્રેષ્ઠ કહી શકાય એવી જેમ્સ બોન્ડની 'નોટ ટાઇમ ટુ ડાઇ' ફિલ્મ હવે ૨૦૨૧માં રિલીઝ થઇ શકશે. એવી ઘણી હોલીવુડ ફિલ્મો કોવિડ-૧૯ને કારણે બની શકી નથી, રિલીઝ થઇ શકી નથી.પરિણામે યુ.કે. તથા યુ.એસ.એ.ના સિનેમાગૃહો ઉપર આર્થિક સંકટ ઝળુંબી રહ્યું હોવાથી ૪૫,૦૦૦ કર્મચારીઓ બેકાર બને એવી ભીતિ સેવાઇ રહી છે.
વડાપ્રધાન બોરીસ જહોનસને આ અંગે પ્રતિભાવ આપતાં કહ્યું છે કે, અત્યારે આપણે સૌ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ. પરંતુ લોકોને સિનેમાગૃહોમાં ફિલ્મો જોવા જાય એવી રીતે પ્રોત્સાહિત કરવા જોઇએ. જીવનમાં આખો દિવસ કામના ઢસરડા કરનારે થોડુંક તો મનોરંજન માણવું જોઇએ. આજે કોરોનાએ વિશ્વભરના જનજીવન અને વ્યવહાર-વિચારને બદલી નાંખ્યા છે. કોરોનાની મહામારીથી બચવા કેટલાક ફિલ્મ રસિકો તો લગભગ ટી.વી. સામે જ દિવસ પસાર કરતા જોયા છે. આપણી ઇન્ડિયન ચેનલો પર આવતી કેટલીક કંકાસજનક સિરિયલો, બોલીવુડ ફિલ્મોના બંધાણી થઇ ગયા છે, તો કેટલાક મદિરા-પાનના ભોગી બની ગયા છે અને એટલા જ માટે અમેરિકન કંપની ડીઆગોના શેરો ઉપર ગયા છે.