વડીલો સહિત સહુ વાચક મિત્રો, આપણો એકપક્ષી સંવાદ ઠીક ઠીક લાંબા ગાળે સંભવ બન્યો છે. કારણ કશું નથી. વધુ માટે આગળ વાંચો... પણ પહેલાં જરીક અમથી ચોખવટ. શીર્ષકમાં પોપટ શબ્દ ટાંક્યો છે એટલે રખે એવું માની લેતા કે લોર્ડ ડોલરભાઇ પોપટ, તેમના પુત્ર પાવન પોપટ કે તેમના પરિવારની કોઇ વાત માંડી રહ્યો છું. આ પરિવાર તો વેપાર-વ્યવસાય, સમાજસેવા, શાસન તંત્ર સંબંધિત જાતભાતની કામગીરીમાં દિવસ-રાત વ્યસ્ત છે. શ્રદ્ધા અને સખાવત જેવી બાબતોમાં તેઓ સાતમા આસમાનમાં વિહરે છે. આદરણીય સંધ્યાબહેનની સાધના સુફળ આપી રહી છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. આટલી ચોખવટ બાદ એટલું જ કહેવાનું કે પોપટની વાત એક પ્રાસ મળે તે માટે ટાંકી છે. ખરેખર તો હું મારી જ વાત કરી રહ્યો છું.
થોડાક મહિનાની મારી ગેરહાજરી મિત્રો - સ્વજનો - પરિચિતોમાં ક્યાંક ગેરસમજ, ક્યાંક ચિંતા પ્રેરે છે તેવું મને લાગ્યું હોવાથી મને લાગ્યું કે જરાક સ્પષ્ટતા થઇ જાય તો સારું. મારું આરોગ્ય - તનનું અને મનનું પણ - હેમખેમ છે. મારી પ્રજ્ઞા પૂરતા પ્રમાણમાં છે. કોરોનાના કારણે થોડુંક સમય અને સંજોગનું બંધન આવી ગયું છે. (ભલા માણસ, આખી દુનિયા ‘બંધનમાં’ છે, તો મારી તે વળી શું વિસાત?) બાકી બંદા મોજમાં છે. - પોપટ સરોવરની પાળ, પોપટ આંબાની ડાળ... પોપટ ભૂખ્યો પણ નથી, પોપટ તરસ્યો પણ નથી.
‘ગુજરાત સમાચાર’ની વાચનસામગ્રીમાં વૈવિધ્ય અને ગુણવત્તાની દૃષ્ટિએ સતત ઉમેરો થઇ રહ્યો છે તેમ હું નમ્રપણે માનું છું. અને મને વિશ્વાસ છે કે આપ સહુ પણ આ વાતે સહમત હશો જ. આ માટે તંત્રીમંડળ સહ સમસ્ત વાચકગણનો ઋણી છું.
મારા સ્વાસ્થ્ય અંગે, મારી જીવનશૈલી અંગે, મારી ખાણીપીણી અંગે કંઇકેટલાય વાચકો અને વડીલો વિચારી રહ્યા છે, ચિંતા કરી રહ્યા છે તેને મારું સદ્ભાગ્ય ગણું છું. તમને મારા માટે પ્રેમ છે, લગાવ છે, મને સ્વ-જન ગણો છો ત્યારે આ ચિંતા છેને?!
આવા જ કેટલાક સ્વજનોએ - કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હોવા છતાં - છેલ્લા બે મહિનામાં ચારેક પુસ્તકો મને પહોંચતા કર્યા છે, જેનો અહીં સંક્ષિપ્ત ઉલ્લેખ કરી રહ્યો છું.
ભાઇશ્રી કમલેશ મનુભાઇ માધવાણી અને તેમના પત્ની શ્રીમતી શીલાબહેને શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત અદ્ભૂત ગ્રંથ Flowers from the Bhagwad Gita પ્રકાશિત કર્યો છે. મને પહોંચાડ્યો છે. અત્યારે તેનો રિવ્યુ કરી શકતો નથી, કારણ કે તેનું દરેક પાન હું વારંવાર વાંચી રહ્યો છું. ભગવદ્ ગીતા પર તો આજ સુધીમાં અનેક પુસ્તકો પ્રકાશિત થયા હશે, પરંતુ આકર્ષક ચિત્રો અને શાનદાર પ્રિન્ટીંગ ધરાવતું આ મનમોહક કોફી ટેબલ પુસ્તક ખરેખર તે બધામાં આગવી ભાત પાડે છે. મારા માટે તો (મીઠી) મૂંઝવણ એ છે કે આવી અદ્ભૂત સામગ્રીને જરા પણ રસક્ષતિ ના થાય તેમ કઇ રીતે રજૂ કરવી. ઈશ્વર કૃપાથી આગળ ઉપર જરૂર કંઈક થશે જ.
આરોગ્ય, અને સવિશેષ તો ડાયાબિટિસવાળાએ ખાણીપીણી બાબત કઇ કઇ બાબતની વિશેષ કાળજી લેવી જોઇએ તે પ્રત્યે અંગૂલીનિર્દેશ કરતાં ત્રણ અત્યંત ઉપયોગી પુસ્તક પણ વીતેલા દિવસોમાં મને મળ્યા છે. આમાંનું એક પુસ્તક Indian Foods : AAPIs Guide To Nutrition, Health and Diabetes અમેરિકાથી મોકલીને મને કૃપાવંત કર્યો છે ઠાકોરભાઇ જી. પટેલે. જ્વલંત કારકિર્દી ધરાવતા ઠાકોરભાઇ ભારતમાં મેડિકલ અભ્યાસ પૂરો કર્યા બાદ જીવનસંગિની ઉષાબહેન સાથે અમેરિકા જઇ વસ્યા છે. આ દંપતી સેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. (ઠાકોરભાઇના સેવાકાર્યોની વિસ્તૃત માહિતી માટે વાંચો આ જ પાન પર પ્રકાશિત લેખ ‘સેવક પ્રોજેક્ટઃ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધા મજબૂત કરવા અભિયાન’).
બીજા બે પુસ્તકોની વાત કરું તો, શ્રી બી. વી. ચૌહાણે એક અદ્ભૂત સાધના કરી છે. ખાણીપીણી અને યોગ્ય જીવનશૈલીના સમન્વયથી ગંભીર બીમારી પણ કાબૂમાં આવી શકે છે તેની વાત ‘નવી ભોજન પદ્ધતિ નિરોગી જીવન’ પુસ્તકમાં છે. આ પુસ્તક ‘ગુજરાત સમાચાર’ના સમર્પિત વાચક અને માયાળુ તથા પરોપકારી એવા નટવરલાલ ગાંધીએ મોકલાવ્યું છે.
કલ્પનાબહેન શાહે એક નાની ઇંગ્લિશ પુસ્તિકા મોકલી છે. આધુનિક જીવનપદ્ધતિના આંધળા અનુસરણમાં લોકો ભલે ફાસ્ટ ફૂડના ચાળે ચડી રહ્યા હોય, પણ આ પુસ્તિકામાં શુદ્ધ શાકાહારી અને આરોગ્યપ્રદ વાનગીઓની રેસિપી પીરસાઇ છે. ભવિષ્યમાં આનો પણ અવશ્ય વિગતવાર ઉલ્લેખ કરીશ.
આભાર વાચક મિત્રો, મારા સ્વાસ્થ્યના મુદ્દા સાથે શરૂ થયેલી વાત ખાણીપીણી અને જીવનશૈલી સુધી પહોંચી છે ત્યારે એક બાબતનો હું ખાસ ઉલ્લેખ કરવા માગું છું. ઘણા લોકો મને મારી ભોજનશૈલી અંગે પૂછતા રહે છે. સીબી, તમારી તબિયત કાયમ ટનાટન જોવા મળે છે... તમે કઇ ચક્કીનો લોટ ખાવ છો? (મતલબ કે તમે જમો છો શું?) અને દરેક વખતે મારો જવાબ હોય છેઃ મારી તાસીરને માફક આવે તેવું પૌષ્ટિક ભોજન... પહેલો પાયાનો નિયમ એ કે ડાયાબિટીસ મારો કાયમી હમસફર હોવાથી તેને માફક ન હોય તેવું ભોજન ટાળું છું, અને તેને અનુકૂળ હોય તેવું ભોજન આરોગુ છું. અને બીજો નિયમ એ કે તબીબી નિષ્ણાતો જેને માનવ શરીર માટે વ્હાઇટ પોઇઝન (સફેદ ઝેર) ગણાવે છે તે ત્રણેય ચીજો - ખાંડ, મીઠું અને મેંદાને બને તેટલા ટાળું છું. મોટા ભાગની સ્વાદિષ્ટ, ચટાકેદાર કે મીઠીમધુરી વાનગીઓમાં આમાંની એકાદી ચીજવસ્તુનો ઉપયોગ થયો જ હોય છે. હું બને ત્યાં સુધી આવી વાનગી ટાળું જ છું. જીભના ચટાકાને હું અંકુશમાં રાખી શકું છું, કેમ કે તનની તંદુરસ્તી મારા માટે સર્વોચ્ચ છે.
તો પછી મનની તંદુરસ્તીનું શું? આ માટે વૈવિધ્યપૂર્ણ વાંચન - મનન - ચિંતનને મેં મારા મિત્રો બનાવ્યા છે. જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓ - વિપદાઓ તો આવ્યા જ કરવાની એ આપણે સહુએ સ્વીકારી લેવું રહ્યું. મેં પણ સ્વીકારી લીધું છે. આ વેળાએ મારો પ્રયાસ શક્ય એટલો હકારાત્મક અભિગમ જાળવવાનો હોય છે. મુશ્કેલી, ચિંતા, કટોકટીને તો આપણે ટાળી ના શકીએ, પણ આપણા મનને તો અંકુશમાં રાખી શકીએને?! વાંચન - મનન - ચિંતન થકી હું માનસિક તણાવ અંકુશમાં રાખી શકું છું. પરિણામે સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે, અને સુગર કન્ટ્રોલમાં રહે છે તેથી દસકાઓથી ડાયાબિટિક હોવા છતાં બહુ અલ્પ માત્રામાં ઇન્સ્યુલિન લેવું પડે છે.
મારા આરોગ્યના જતન માટે મારે કરવાલાયક બધા પ્રયાસ હું કરું છું, અને બાકીનું કામ તમે કરો છો! કઇ રીતે? બાપલ્યા, આપ સહુના આશીર્વાદ વગર મારા આ બધા પ્રયાસો અધૂરા છે હોં કે... આપ સહુનો અઢળક પ્રેમ - આદર - સત્કાર જ મને આટલો ચેતનવંતો, સતત સક્રિય રાખે છે. સાથોસાથ પરિવાર
અને સાથીમંડળનો સહકાર સોનામાં સુગંધ ઉમેરવાનું કામ કરે છે. હું તો બસ એટલું જ કહીશ કે પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા છે... (ક્રમશઃ)