ભારતમાંથી એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની વિદાય

Tuesday 06th October 2020 15:03 EDT
 

આંતરરાષ્ટ્રીય માનવ અધિકારવાદી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાંના પોતાના કામકાજને અટકાવી દીધું છે અથવા તો એમ કહો કે સરકારે તેની ફરજ પાડી છે. એમ્નેસ્ટીનો આક્ષેપ છે કે મોદી સરકારે ૧૦ સપ્ટેમ્બરે તેના બેન્ક એકાઉન્ટને સ્થગિત કરી દેતા કામકાજ અટકાવવું પડ્યું છે. સરકારના વિભાગો દ્વારા અમારી સતત પજવણી થતી રહી છે. દિલ્હીમાં હિંસા અને જમ્મુ-કાશ્મીર બાબતે ઉઠાવેલા અવાજનું આ પરિણામ હોવાનું પણ સંસ્થાએ કહ્યું છે. અરે ભાઈ, સરકારના કોઈ પગલાં કે નીતિઓ સામે અવાજ ઉઠાવવા કે વિરોધ દર્શાવવા રાજકીય પક્ષો અને દેશી સંસ્થાઓ પૂરતી મજબૂત છે. માનવાધિકારની વાતો કરતી વિદેશી સંસ્થા એમ્નેસ્ટીએ કોઈ દેશની આંતરિક રાજકીય બાબતોમાં શા માટે પડવું જોઈએ તે પણ મોટો પ્રશ્ન છે.
એમ્નેસ્ટીએ તમામ ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરતા હોવાના દાવા સાથે કહ્યું હતું કે તેમને મળેલા દાનને ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) સાથે કશો સંબંધ નથી. હકીકત એ છે કે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની પાસે એફસીઆરએ લાઈસન્સ નથી. કોઈ પણ NGO માટે વિદેશી ભંડોળ મેળવવા માટે આ લાઈસન્સ લેવું ફરજિયાત છે. આ સંદર્ભે એમ્નેસ્ટીનો બચાવ એ છે કે અમને વિદેશથી નહિ, ભારતીયો પાસેથી નાણા મળે છે. જોકે, કેન્દ્ર સરકારે સાચી રીતે કહ્યું છે કે માનવ અધિકાર કામગીરીના નામે ભારતના કાયદાઓનું ઉલ્લંઘન કરી શકાય નહિ. સરકારે વિદેશ ભંડોળ સામે ગાળિયો કસ્યો ત્યારથી જ તેની કામગીરી મંજૂરીને પાત્ર ન હોવાનો સરકારનો દાવો છે.
ભારતની સરકારોએ વિદેશી ભંડોળ મેળવવાનો ઇનકાર કર્યો ત્યારથી એમ્નેસ્ટી આ પ્રકારની મંજૂરી માટે યોગ્ય નહોતી. એફસીઆરએ નિયંત્રણો લદાયા પછી એમ્નેસ્ટી યુકે દ્વારા મોટી રકમ ભારતમાં નોંધાયેલી ૪ સંસ્થાઓમાં એફડીઆઇ તરીકે ટ્રાન્સફર કરી દેવાઇ હતી. આ સંદર્ભે સીબીઆઈએ પણ દાખલ કરેલા કેસમાં જણાવાયું હતું કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ યુકેએ ભારતના મંત્રાલયની પરવાનગી મેળવ્યા વિના જ ભારતની એમ્નેસ્ટીને ૧૦કરોડ રુપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત, માનવાધિકાર પ્રવૃત્તિઓ માટે યુકેની સંસ્થાઓ દ્વારા ૨૬ કરોડ રુપિયા એમ્નેસ્ટી ઈન્ડિયાને ફાળવાયા હતા. આ ભારતીય કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન જ છે. જોકે, એમ્નેસ્ટી આ બાબતે કશું કહેવા તૈયાર નથી.
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલની વિરુદ્ધ કાર્યવાહીની આ પ્રથમ ઘટના નથી. યુપીએ સરકારના કાર્યકાળમાં પણ તેની સામે નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશી નાણા મેળવવા અને વિદેશી એજન્ડા પર કામ કરવા સહિતના આરોપો લાગ્યા છે. વર્ષ ૨૦૦૯માં તેનું એફસીઆરએ લાઇસન્સ રદ કરાતા તેણે ભારતમાંથી ઉચાળા ભર્યા હતા અને ૨૦૧૨માં ફરી કામગીરી આરંભી હતી.
સીબીઆઈએ છેક ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ભારતના ૨૬ રાજ્યોમાં ૩૧ લાખ તેમજ સાત કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૮૨,૦૦૦થી વધુ NGO છે. જોકે, તે સમયે ત્રણ રાજ્યોએ માહિતી આપી ન હોવાથી વાસ્તવિક સંખ્યા ઘણી વધુ હશે તે સ્વાભાવિક છે. શિક્ષણ, હેલ્થ સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત આ બધી સંસ્થાઓને સરકાર તેમજ દેશવિદેશમાંથી અઢળક દાન મળતું રહે છે. આ નાણા પ્રજાકલ્યાણમાં જ વપરાતા હોય તો આવકારદાયક ગણાય. એક વાસ્તવિકતા એ પણ છે કે દિલ્હી હાઈ કોર્ટે તેના ૨૦૧૩ના ચુકાદામાં ૯૯ ટકા સંસ્થાઓ ફ્રોડ હોવાનું અવલોકન કરવા સાથે તેમના લાયસન્સિંગ નિયમો વધુ કડક બનાવવા સરકારને જણાવ્યું હતું.
સ્વૈચ્છિક અને નફા વિના સેવા કરવાની બડાશો લગાવતી આ સંસ્થાઓ દૂધે ધોયેલી નથી. કોઈ પણ સંસ્થા હોય દેશના નીતિનિયમોનું પાલન કરવું તેમની ફરજ છે. વાસ્તવિકતા એ છે કે વિદેશી દાન પર નભતી આ કહેવાતી સ્વૈચ્છિક સેવાસંસ્થાઓને ચોક્કસ પ્રવૃત્તિઓ માટે મળે છે. મોટા ભાગની ઈસ્લામિક અને ક્રિશ્ચિયન સંસ્થાઓ શિક્ષણ અને સેવાના ઓઠા હેઠળ વટાળપ્રવૃત્તિ કે ધર્માન્તરણને જ ઉત્તેજન આપે છે. દરેક કોમ્યુનિટીની સંસ્થાઓ પોતાના સમુદાયના ઉત્થાન માટે નાણા ખર્ચે તે સ્વાભાવિક અને આવકારપાત્ર છે પરંતુ, આદિવાસી વિસ્તારોમાં અભણ લોકોને ફોસલાવી તમે અમારા ધર્મમાં આવશો તો કોઈ દુઃખ સહન કરવું નહિ પડે તેવી લાલચો આપી ધર્માન્તર કરાવાય છે તેનાથી કોઈ અજાણ નથી. વિશ્વમાં એક માત્ર સનાતન હિન્દુ ધર્મ પરધર્મીઓને પોતાનો ધર્મ અપનાવવા કોઈ દબાણ કે લાલચનો ઉપયોગ કરતો નથી.


comments powered by Disqus