વડીલો સહિત સહુ વાચક મિત્રો, તાજેતરમાં આપ સહુએ ‘ગુજરાત સમાચાર’માં ગુજરાતની પત્રકારત્વ ક્ષેત્રની અગ્રણી અને આપણા કટારલેખક તથા વરિષ્ઠ પત્રકાર ડો. હરિ દેસાઇના ડિરેક્ટર પદ હેઠળ કાર્યરત ચીમનભાઇ પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ જર્નલિઝમના તેજસ્વી વિદ્યાર્થીઓના જ્વલંત પરિણામ વિશે વાંચ્યું હશે. આ ઇન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીઓએ સતત બીજા વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ-૧૦ના તમામ સ્થાન મેળવવાની સિદ્ધિ હાંસલ કરી છે. મેં ભારતમાં તેમજ અહીં પણ તપાસ કરી કે દીકરા-દીકરી, યુવક-યુવતીઓ કારકીર્દિ તરીકે પત્રકારત્વ પસંદ કરે છે તો તેની પાછળ મોટિવેશન શું છે? ઇરાદો શું છે? બધાને ખબર છે કે મબલખ નાણાં કમાવા હોય તો એકાઉન્ટન્સી, મેડિસીન ભણો, બેન્કીંગ સેક્ટરમાં જાવ... ધનના ઢગલા વધતા રહેશે. આજે જગતચૌટે ગાજતી રિલાયન્સ કંપનીના સ્વપ્નદૃષ્ટા ધીરુભાઇ અંબાણીએ એક વખત તેમના પિતાને કહ્યું હતું કે પૈસા પૈસા શું કરો છો..? ફદિયાંનો ઢગલો કરીશ. અને તેમણે પોતાની કોઠાસૂઝ, વેપારીકૂનેહ, આવડત, દૂરંદેશીભર્યા અભિગમ થકી આગવી નામના મેળવી. સિદ્ધિના શીખર સર કર્યા. આ વાત ધીરુભાઇની થઇ.
પરંતુ જેઓ પત્રકારત્વને કારકીર્દિ તરીકે અપનાવે છે તેમના હૈયે સમાજસેવાનો એક નાદ હોય છે. સમાજમાં અન્યાય થતા હોય તે દૂર થાય કે ઘટાડો થાય, અસમાનતા દૂર થાય, મૂલ્યોનું જતન-સંવર્ધન કરવાની ખેવના હોય છે. આપણે સહુ જાણીએ છીએ કે આ માટે કેટલાય પત્રકારો - ભારતમાં અને વિદેશમાં - પોતાના જાનની કુરબાની આપતાં પણ ખચકાયા નથી. આ થઇ સિક્કાની એક બાજુ...
હવે સિક્કાની બીજી બાજુ પણ જાણવા જેવી છે. અખબારનવીસોની અને પત્રકારોની એક છાપ એવી છે કે તેઓ વિશ્વાસપાત્ર નથી. વાંચીને નવાઇ લાગશે, પણ આ હકીકત છે. બ્રિટનમાં ગયા વર્ષે એક જનમત સર્વે થયો હતો, જેમાં રાજકારણીઓ અને પત્રકારોને સૌથી ઓછા વિશ્વાસપાત્ર ગણવામાં આવ્યા હતા. આપ સહુ વાચકો શું માનો છો તેવો પ્રશ્ન પૂછીને હું આપને મૂંઝવણમાં મૂકવા માગતો નથી, પણ બધા જ પત્રકારોને એક લાકડીએ હાંકવાનું યોગ્ય નથી એવું અંગતપણે માનું છું. જેના જેવા સંસ્કાર, મૂલ્યો, વ્યાવસાયિક પ્રતિબદ્ધતા એવું તેનું આચરણ. આપણી ગુજરાતીમાં કહેવત છે ને અન્ન તેવા ઓડકાર એવી આ વાત છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં એક બીજી બાબત પણ જોવા મળે છે. તેઓ પ્રતિસ્પર્ધી પ્રકાશનને કે તેમાં કામ કરતાં પત્રકારના પ્રદાનને ભાગ્યે જ મહત્ત્વ આપે છે. બિરદાવે છે. આપણે બ્રિટનની વાત કરીએ તો, અહીંના રાષ્ટ્રીય અખબારોમાં ટાઇમ્સ, ફાઇનાન્સિયલ ટાઇમ્સ, ડેઇલી ટેલિગ્રાફ, મેઇલ, ગાર્ડિયન વગેરેને ગણી શકાય. આગવી પ્રતિષ્ઠા અને બહોળો વાચક વર્ગ ધરાવતા અખબારી સમૂહો પણ તેના પ્રતિસ્પર્ધી અખબારના ખમતીધર તંત્રીનું નિધન થાય છે કે કોઇ ઇન્વેસ્ટિગેશન કરીને કોઇ કૌભાંડ ખુલ્લું પાડે છે ત્યારે બીજા અખબારો ભાગ્યે જ તેની નોંધ લે છે. સાદા શબ્દોમાં કહું તો અમને પ્રકાશક-તંત્રીઓને પણ પોતાનો સ્વાર્થ હોય છે!
જોકે તાજેતરમાં મોટા ગજાના તંત્રી સર હેરોલ્ડ ઇવાન્સનું નિધન થયું ત્યારે મેં - મારી ૫૪ વર્ષની કારકીર્દિમાં પહેલી વખત - જોયું કે તેઓ જે પ્રકાશન સાથે જોડાયેલા હતા તેમણે જ નહીં, પ્રતિસ્પર્ધી સહિતના તમામ અખબારી માધ્યમો - દૈનિકોથી માંડીને સામયિકોએ - તેની નોંધ લીધી. યાદો - સંભારણા અલગ અલગ હતા, પરંતુ સહુ કોઇનો સૂર એક જ હતોઃ આ એક એવો માણસ હતો જેણે સમાચાર રજૂ કરવાની પદ્ધતિ કે ઢબ જ ધરમૂળથી બદલી નાંખ્યા હતા. બ્રિટનના દિગ્ગજ અને પ્રતિષ્ઠિત ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ સર ઇવાન્સને અંજલિ અર્પતા મથાળું લખ્યું છેઃ A master craftsman and pioneer of investigative journalism. બેજોડ સર્જક અને સંશોધનાત્મક પત્રકારત્વના પ્રણેતા.
સદભાગ્યે હું લગભગ ૧૯૬૭થી સર હેરોલ્ડ ઇવાન્સના અખબારોનો વાચક રહ્યો છું, કલમનો ચાહક - પ્રશંસક રહ્યો છું. કોઇ મોટું - જાણીતું પારિવારિક બેકગ્રાઉન્ડ નહીં. સમગ્ર કારકીર્દિ પોતાના જોરે ઉભી કરી હતી. ૧૯૨૮માં માન્ચેસ્ટરના નાનકડા ગામમાં જન્મ. પિતા ટ્રેન ડ્રાઇવર હતા. ૧૬ વર્ષની વયે ‘ઓ’ લેવલનો અભ્યાસ પૂરો કર્યા વગર જ સ્થાનિક પત્રકારત્વમાં ઝૂકાવ્યું. નાની-મોટી ઘટનાઓના સમાચાર પોતાની સૂઝબૂઝ અને તંત્રીના સલાહસૂચન અનુસાર લખે. ભારતમાં જેમ નાતજાત - જ્ઞાતિવાદ પ્રવર્તે છે તેવું જ ઊંચનીચનું દૂષણ આધુનિક ગણાતા આ દેશમાં પણ પ્રવર્તે છે. બ્રિટીશ સોસાયટીમાં વર્કિંગ ક્લાસ અને બીજા વર્ગ વચ્ચે સ્પર્ધા કે ઊંચનીચની લાગણી નવાઇની વાત નથી.
પિતા ટ્રેન ડ્રાઇવર હોવાથી હેરોલ્ડની સાથે પણ ઉપેક્ષાભર્યું - તુચ્છકારભર્યું વલણ દાખવાયું. (સમાજમાં સમાનતા - મૂલ્યોના ઢોલ પીટતાં) કેટલાક તંત્રીઓ - પત્રકારો પણ તેને સતત નીચો દેખાડતા રહ્યા, તેને સતત યાદ અપાવતા રહ્યા કે તે એક ટ્રેન ડ્રાઇવરનું સંતાન છે, પણ હેરોલ્ડ ઇવાન્સ જેનું નામ... ભાયડો હિંમત ન હાર્યો. આવી બધી ટીકાટિપ્પણને ગણકાર્યા વગર તેણે અર્જુનની જેમ માછલીની આંખને જ નજરમાં રાખી. એક જ લક્ષ્ય હતું મૂલ્યવર્ધિત પત્રકારત્વ.
ટીનેજર હેરોલ્ડ હંમેશા વિચારતો કે કઇ રીતે હું વાચકને વૈવિધ્યપૂર્ણ વાચનસામગ્રી આપું. રાષ્ટ્રહિત કે સમાજ સાથે નિસ્બત ધરાવતા એવા ક્યા મુદ્દે કેમ્પેઇન ચલાવું કે જે આમ આદમી સાથે સીધો જ જોડાયેલો હોય. તેમનો આ જ અભિગમ શ્રેણીબદ્ધ કૌભાંડો ખુલ્લા પાડવામાં નીમિત્ત બન્યો. સ્થાપિત હિતોની તેમણે લગારેય પરવા કરી નહોતી.
ઝૂઝારુ સ્વભાવ ધરાવતા હેરોલ્ડ ઇવાન્સ ક્યારેય ગમેતેવા ચમરબંધીની પણ સાડીબારી ન રાખતા. કેટલાય કેસ થયા, પરંતુ શાસકોથી માંડીને વગદાર વર્ગ અને કૌભાંડીઓથી માંડીને કાળા કરતૂત કરનારા કોઇ સામે ક્યારેય ઝૂક્યા નહીં.
જર્મનીની એક ફાર્માસ્યુટિકલ કંપનીએ મહિલાઓ માટે મોર્નિંગ સિકનેસની ગોળી માર્કેટમાં મૂકી હતી. આ દવાની અસરકારકતા વિશે જોરશોરથી પ્રચાર થયો, દવા બજારમાં છવાઇ ગઇ. પરંતુ હેરોલ્ડે ખાંખાખોળા કરીને શોધી કાઢ્યું કે આ ગોળીની તો બહુ ખરાબ આડઅસર છે. આ દવાનું સેવન કરનાર મહિલાઓની કૂખે જન્મતું સંતાન શારીરિક-માનસિક ખોડખાંપણ ધરાવતું હોય છે. કોઇ માસુમને હાથ નથી હોતા તો કોઇને પગ નથી હોતા, અંગો વિકૃત હોય છે તો કેટલાક બાળકો માનસિક ક્ષતિ સાથે પણ જન્મ્યા છે. દુનિયાભરમાં હોબાળો મચી ગયો.
વાચકમિત્રો, ફાર્મા કંપનીઓ કે એક યા બીજા પ્રકારના આર્થિક કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે માથું ઉંચકવું આસાન નથી, પણ હેરોલ્ડે આ હિંમત કરી. તેનું મોં બંધ કરવા - કલમને આ મુદ્દે લખતી રોકવા શામ-દામ-દંડ-ભેદ તમામ ઉપાયો અજમાવી લેવાયા, કાયદા-કાનૂનનો ગાળિયો પણ કસાયો.
આપ સહુ જાણતા જ હશો કે કોઇ પણ ફાર્મા કંપની બજારમાં દવા મૂકતા પહેલાં તેને વિકસાવવાથી માંડીને સંશોધન અને માર્કેટિંગ પાછળ લાખો-કરોડો પાઉન્ડનો ખર્ચ કરતી હોય છે. આ સંજોગોમાં જો દવા બજારમાંથી પાછી ખેંચવી પડે તો આ બધો ખર્ચો તો માથે પડે જ, પરંતુ દવાથી રિએક્શન આવતું હોવાના અહેવાલોથી કંપનીની આબરૂને પણ બટ્ટો લાગે. જરા વિચારો કે કંપનીએ હેરોલ્ડને સકંજામાં લેવા મરણિયા પ્રયાસ કર્યા હશે, પરંતુ હેરોલ્ડ રતિભાર પણ ઝૂક્યા નહીં. આખરે કંપનીએ બજારમાંથી દવા પાછી ખેંચવી પડી. અને હજારો પીડિતોને જંગી વળતર ચૂકવવું પડ્યું.
કંઇક આવો જ મોરચો તેમણે નાણાંની ગેરકાયદે હેરાફેરી કરનારા મનિ લોન્ડર્સ સામે માંડ્યો હતો. કાળા ધંધામાંથી રળેલા નાણાંની ગેરકાયદે હેરાફેરી કરવાના આ ધંધામાં તો માફિયાઓ જ સંડોવાયેલા હોવાના, પરંતુ હેરોલ્ડે આવા નઠારા તત્વોને પણ ખુલ્લા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આવા ગેરકાયદે નાણાંની હેરાફેરીમાં દેશવિદેશની ટોચની બેન્કો સંડોવાયેલી હોવાના અને સમગ્ર ઘટનાનો દોરીસંચાર દુબઇમાં બેઠેલા ‘ભાઇ’લોગના હાથમાં હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. નશીલા પદાર્થોથી માંડીને સોનાની દાણચોરીમાં કરેલી કાળી કમાણીને ઠેકાણે પાડવાનું કામ કરતા મનિ લોન્ડર્સના નેટવર્કનો પર્દાફાશ પણ સર હેરોલ્ડ ઇવાન્સે કર્યો છે. સામાન્ય સંજોગોમાં આવા કેસોમાં લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ આરંભે શૂરા જેવું વલણ અપનાવતી હોય છે, અને પછી સાત-આઠ વર્ષે કેસનો નિવેડો આવે ત્યાં સુધીમાં તો કેસ એટલો નબળો પડી ગયો હોય છે કે તેમાં સંડોવાયેલા લોકો આસાનીથી કાયદાની ચુંગાલમાંથી છટકી જાય છે. જોકે હેરોલ્ડે મનિ લોન્ડ્રીંગનું કાળા નેટવર્કને ખુલ્લું પાડ્યા બાદ સમગ્ર કેસ તાર્કિક અંત સુધી પહોંચે તેની પણ તકેદારી લીધી હતી.
રાષ્ટ્રહિત સાથે સંકળાયેલો અને હેરોલ્ડ ઇવાન્સે ખુલ્લો પાડેલો આવો જ એક બીજો કિસ્સો જોઇએ. બ્રિટનમાંથી ૬૦ વર્ષ જેટલા લાંબા અરસાથી સોવિયેત યુનિયન માટે જાસૂસી થતી હતી. હાઉસ ઓફ લોર્ડ્સમાં બીરાજતા કેટલાક ઉમરાવોથી માંડીને ઓક્સફર્ડના નિષ્ણાતો પણ આ જાસૂસીકાંડમાં લપેટાયેલા હતા. જરા વિચાર તો કરો કે આ જાસૂસી કૌભાંડના મૂળિયા કેટલા ઊંડા હશે?! પરંતુ હેરોલ્ડ ઇવાન્સ જેનું નામ... MI6માં રશિયાની ગુપ્તચર એજન્સી કેજીબીના એજન્ટ તરીકે કામ કરતા કિમ ફિલ્બીના ચહેરા પરથી નકાબ હટાવીને હેરોલ્ડે બ્રિટનમાં હલચલ મચાવી દીધી હતી. વાચક મિત્રો, ગૂગલ પર ખાંખાખોળા કરજો આ સનસનીખેજ કૌભાંડ અંગે વધુ વિગતે જાણવા મળશે.
‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રીપદ દરમિયાન હેરોલ્ડ ઇવાન્સે અનેક કૌભાંડો ખુલ્લા પાડ્યા હતા, જેણે દેશમાં જ નહીં, વિશ્વભરમાં હલચલ મચાવી હતી. ‘સન્ડે ટાઇમ્સ’ - ઇવાન્સના પત્રકારત્વથી પ્રતિસ્પર્ધી અખબારો ગભરાઇ ગયા હતા. તે સૌને આશંકા હતી કે મોટી મોટી કંપનીઓ (જેમ કે, ઇવાન્સે ફાર્મા કંપનીનું કૌભાંડ ખુલ્લુ પાડ્યું હતું તેમ) કે વગદાર - શક્તિશાળી સમૂહને ખુલ્લા પાડવાથી કે મોટા માથાઓ સામે અવાજ ઉઠાવશું તો જાહેરખબરો નહીં મળે, આવક ઘટશે, નુકસાન થશે વગેરે વગેરે. પરંતુ ઇવાન્સના પત્રકારત્વે આ બધી જ આશંકાને ખોટી ઠેરવી. ‘સન્ડે ટાઇમ્સ’ના વાચક વર્ગમાં જંગી વધારો થયો, ફેલાવો વધ્યો, પછી કઇ કંપની તેને જાહેરખબરથી વંચિત રાખવાની હિંમત કરી શકે?
હેરોલ્ડ ઇવાન્સના નેતૃત્વ હેઠળ સન્ડે ટાઇમ્સે સફળતાના શીખરે પહોંચ્યું. અઢળક આવક રળી. આ બધું દર્શાવે છે કે વાચકોમાં પણ વિવેક હોય છે, તેમને પણ સારાસારનું ભાન હોય છે, તેમને હૈયે પણ મૂલ્યો-પરંપરાનું આગવું મહત્ત્વ હોય છે. વાચકો ક્યારેય અખબારોના દોરવાયા દોરવાઇ જતા હોતા નથી.
સર હેરોલ્ડ ઇવાન્સ ૧૯૬૭થી ૧૯૮૧ એમ સળંગ ૧૪ વર્ષ ‘સન્ડે ટાઇમ્સ’ના તંત્રી પદે રહ્યા હતા. બાદમાં આ મીડિયા હાઉસ મીડિયા મુગલ રુપર્ટ મર્ડોકે ખરીદ્યું. આના થોડાક સમય પછી ઇવાન્સે તંત્રી પદેથી રાજીનામું આપ્યું અને અમેરિકા જઇ વસ્યા. તો શું ચળવળિયા પત્રકારે કારકીર્દિના વાવટા સંકેલી લીધા? ના...
ન્યૂ યોર્કમાં સ્થાયી થયેલા હેરોલ્ડ ઇવાન્સે અમેરિકામાં પણ બ્રિટન જેવી જ નામના મેળવી. લેખક, બ્રોડકાસ્ટર, પ્રકાશક અને શોમેન તરીકે આગવી નામના મેળવી, અને વાચકો-દર્શકોના દિલ પર રાજ કર્યું. સર હેરોલ્ડ ઇવાન્સનો જાણે એક જ મુદ્રાલેખ હતોઃ મારું સંપૂર્ણ પત્રકારત્વ મારા વાચકોના હિતમાં હોવું જોઇએ. અન્યાય સામે અને સ્થાપિત હિતો સામે અવાજ ઉઠાવવાની સાચા પત્રકારની ફરજ છે અને તે જ પ્રમાણે હું અવાજ ઉઠાવીશ. (ક્રમશઃ)