ટોરોન્ટોમાં ‘બેન્ડ ઈટ લાઈક બેકમ’ સ્ટેજ શો માણવાનો લ્હાવો મળ્યો

- સુરેશ અને ભાવના પટેલ મારખમ કેનેડા Wednesday 08th January 2020 05:19 EST
 

‘બેન્ડ ઈટ લાઈક બેકમ’ બ્રિટિશ શો - નોર્થ અમેરિકાનો પ્રિમિયર, ટોરોન્ટો કેનેડામાં સેન્ટ લોરેન્સ થિયેટરમાં સ્ટેજ ઉપર જોવાનું શક્ય બન્યું ત્રિવેણી સંગમથી.

૧૯મી ડિસેમ્બરને ગુરુવાર, કાતિલ ઠંડી માયનસ ૧૬ ડિગ્રી ટેમ્પરેચરમાં સ્નો પડતો હતો તેમ છતાં આ દિવસ અમારા માટે હુંફાળો આનંદમય અને પ્રફુલ્લિત બની રહ્યો ત્રિવેણી સંગમથી.

દુનિયામાં પ્રખ્યાત બની રહેલી મૂવી - બેન્ડ ઈટ લાઈક બેકમ ઉપર આ મ્યુઝિકલ સ્ટેજ શોની સ્ટેજની એકદમ નજીકની ચાર ટિકિટો સીબી પટેલ દ્વારા પ્રકાશિત થતાં ખ્યાતનામ ન્યૂઝ પેપર્સ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની ભારતની અમદાવાદ ઓફિસના જર્નાલિસ્ટ મિતુલ પાનીકર તથા તેમના પતિ મૌલીન ગજ્જર તરફથી અમને મળતાં અમે તે જોવા ગયા હતા. તેઓ થોડા મહિના પહેલા ઈમિગ્રેશન મળતાં કેનેડા આવ્યા છે.

હું વર્ષોથી ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઈસ’માં ‘તંત્રીને પત્ર’ ‘ચર્ચાના ચોરે’ તથા ‘અમારે કંઈક કહેવું છે’ કોલમમાં જુદા જુદા વિષયો પર મારા વિચારો રજુ કરું છું અને આ નાતે જયારે ઈંગ્લેન્ડ – લંડન આવવાનું થતું ત્યારે બે વખત શ્રી સી બી પટેલની મુલાકાત તેમના કર્મયોગ હાઉસમાં થયેલી. ૨૦૧૮માં તેઓ કેનેડા ફર્સ્ટ ગુજરાત ગાલા ૨૦૧૮ના એવોર્ડ માટે આવેલા ત્યારે પણ ટૂંકી યાદગાર મુલાકાત તથા તેમની સાથે સમય ગાળેલો.

શ્રી સીબી પટેલે મિતુલ પાનીકરને મારું ઈમેઈલ એડ્રેસ તથા ફોન નંબર આપેલા જેથી તેમણે કોન્ટેક્ટ કરેલો. અમે ૪૫ વર્ષ પહેલા કેનેડામાં આવેલા. તેમના માટે નવો દેશ, નવું વાતાવરણ, નવી રહેણી કરણી, જૂજ માણસો સાથેનો પરીચય, સ્થાયી થવાની મુશ્કેલીઓ વગેરેને લીધે તેમને મોરલ સપોર્ટ – માનસિક સહાય અથવા કોઈપણ માહિતીની જરૂર હોય તો તે પૂરી પાડવાની કોશિશ કરું છું. જન્માષ્ટમીના દિવસે તેમને મારખમના સનાતન મંદિરમાં લઈ જતાં તેઓ ખૂબ આનંદવિભોર થયેલા. એક વખત તેમને ડિનર માટે બોલાવેલા. દિવાળીના દિવસે મારા પત્ની ભાવનાએ મીઠાઈ તથા ડિનર ઘરે બનાવેલું તેથી તેમને પોતાના ઘરે આવ્યા હોય તેવી કૌટુંબિક લાગણીનો અનુભવ થયો અને પ્રભુની અસીમ કૃપાથી થોડી તકલીફો બાદ તેમને ગમતી જર્નાલિસ્ટની જોબ સાઉથ એશિયન અંગ્રેજી ‘મીડ – વીક’ ન્યૂઝપેપરમાં મળી. તે કેનેડાનું સૌથી મોટું અને પ્રખ્યાત મીડિયા હાઉસ છે અને તેમના તરફથી ચાર ટિકિટ મળતાં આ અતિ સુંદર , મ્યુઝિક, સ્ટેજના રંગબેરંગી સેટિંગ્સ, દિલચશ્પ સ્ટોરી જોવાનો લ્હાવો મળ્યો અને યાદગાર આનંદ થયો. મિતુલ પાનીકરે નવી કાર લીધી ત્યારે દિવાળીના શુભ દિને તેઓ અમારા આશીર્વાદ લેવા આવેલા – જાણે પોતાના સંતાનો આવ્યા હોય તેવી પારિવારિક લાગણીનો હૃદયસ્પર્શી અનુભવ થયો.

૨૦૨૦નું નવું વર્ષ સારું નીવડે તેવી ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પરિવાર તેમજ વાચકોને ઉષ્માભરી શુભેચ્છા.


comments powered by Disqus