સંક્ષિપ્ત સમાચાર (યુકે)

Wednesday 08th January 2020 05:47 EST
 

ભોજનમાં ઓછું મીટ લઈનેલોકો£.૭ બિલિયન બચાવ્યા

ભોજનમાં મીટનો ઉપયોગ ઓછો કરીને ગયા વર્ષે ગ્રાહકોએ ૬.૭ બિલિયન પાઉન્ડ બચાવ્યા હોવાનું અભ્યાસમાં સૂચવાયું હતું. તેમાં અંદાજ મૂકાયો હતો કે દેશના ૧૨ મિલિયનથી વધુ માંસાહારી લોકોએ અગાઉના વર્ષની સરખામણીમાં ૨૦૧૯માં ઓછા પ્રમાણમાં પોર્ક, બીફ, લેબ્મ અને ચીકન ખાઈને દરેક લોકોએ લગભગ ૫૫૦ પાઉન્ડ બચાવ્યા હતા.

                                            • વંશીય લઘુમતિ ચેરિટી શ્વેત વિદ્યાર્થીઓને મદદ કરશે

અશ્વેત વિદ્યાર્થીઓને મદદ માટે ૧૫ વર્ષ અગાઉ સ્થપાયેલી ‘જનરેટીંગ જીનીયસ’ એજ્યુકેશન ચેરિટી દ્વારા વર્કિંગ ક્લાસના શ્વેત બાળકોને મદદ પૂરી પડાશે. ગરીબ વંશીય લઘુમતિ પરિવારોના તેજસ્વી બાળકો ટોચની યુનિવર્સિટીઓમાં સાયન્સ અથવા મેથ્સનો અભ્યાસ કરી શકે તે માટે મદદરૂપ થવા તેની સ્થાપના થઈ હતી. હવે આ ચેરિટી સ્કૂલમાં ખૂબ ઓછી સંખ્યામાં જઈ શકતા અને યુનિવર્સિટીમાં જવાની જેમની શક્યતા ખૂબ ઓછી છે તેવા શ્વેત વંચિત છોકરાઓને પણ મદદ કરશે.

                                      • જીપીની મુલાકાત માટે ત્રણ અઠવાડિયાથી વધુ સમયની પ્રતિક્ષા

વડા પ્રધાન બોરિસ જહોન્સને જીપીની એપોઈન્ટમેન્ટમાં થતા વિલંબને નાબૂદ કરવાનું વચન આપ્યું ત્યારથી ૧૧ મિલિયન દર્દીઓને જીપીની મુલાકાતમાં ત્રણ અઠવાડિયાથી વધુ સમય પ્રતિક્ષા કરવી પડી હતી. ત્યારથી જે ચાર મહિનાના આંકડા ઉપલબ્ધ છે તે મુજબ ૧૧.૩ મિલિયન દર્દીઓને ત્રણ અઠવાડિયાથી વધુ સમય અને તેમાંથી ૫.૬ મિલિયન દર્દીઓએ એક મહિના કરતાં વધુ સમય રાહ જોવી પડી હતી.

                                           • ડાયાબિટીસને લીધે હાર્ટ ફેલ્યોરનું જોખમ લગભગ બમણું

ડાયાબિટીસના દર્દીઓેને ડાયાબિટીસ ન હોય તેવા લોકોની સરખામણીમાં હાર્ટ ફેલ્યોરની શક્યતા બમણી રહેતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટ ફેલ્યોરનું જોખમ વધારે તેવા અન્ય બે પરિબળો હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીના રોગ થવાની પણ શક્યતા વધુ રહે છે. તેને લીધે કયા પરિબળને લીધે હાર્ટ ફેલ્યોર થયું તે શોધવાનું મુશ્કેલ બની જાય છે.

                                    • યુવા દંપતીઓનું સંતાન કરતાં પર્યાવરણની જાળવણીને પ્રાધાન્ય

દંપતીઓ સંતાનવિહોણા રહેવાના કારણોમાં પર્યાવરણને લગતી ચિંતાને એક મુખ્ય કારણ તરીકે દર્શાવતા હોવાનું સર્વેક્ષણમાં જણાયું હતું. સંતાન ન ઈચ્છતા ૩૫ વર્ષથી ઓછી વયના દંપતીઓ પૈકી દર સાતમાંથી એક દંપતીનું કહેવું છે કે તેઓ માને છે કે વિશ્વમાં વધુ પડતા લોકો છે અને દસમાંથી એક યુગલનું માનવું છે કે બાળકને લીધે ક્લાઈમેટ ચેન્જની સમસ્યામાં વધારો થશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જન્મદર વિક્રમરૂપ નીચો છે.

                                    • લગ્નજીવન પ્રત્યે દંપતીની ગંભીરતાથી ડિવોર્સનું પ્રમાણ ઘટ્યું

યુગલો પર લગ્ન કરવા માટે થતું ઓછું સામાજિક દબાણ અને કાળજીપૂર્વક વિચારણા બાદ લગ્ન કરવાને લીધે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યુરોપના અન્ય ભાગો કરતાં ડિવોર્સના પ્રમાણમાં ખૂબ ઝડપથી ઘટાડો નોંધાયો હતો. અભ્યાસમાં જણાયું હતું કે ૧૯૯૨માં પરણેલા યુગલો પૈકી ૩૧ ટકા ૧૫ વર્ષ બાદ છૂટા થઈ ગયા હતા. જોકે, ૨૦૧૭માં લગ્નગ્રંથિથી જોડાયેલા યુગલોમાં ડિવોર્સનું પ્રમાણ ઘટીને ૨૨.૫ ટકા થવાનો અંદાજ છે.

                                          • મેન્થોલ સિગારેટ્સ પર આગામી મેથી પ્રતિબંધ

યુવાનોને સ્મોકિંગ કરતા અટકાવવાના પ્રયાસમાં આગામી મે મહિનાથી મેન્થોલ સિગારેટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. યુવાનોને સ્મોકિંગમાં ફ્લેવરવાળી પ્રોડક્ટ્સ વધુ સરળ રહેતી હોવાનું જણાયું હતું. પબ્લિક હેલ્થ ચેરિટી ‘એશ’ દ્વારા જણાવાયું હતું કે મેન્થોલ સિગારેટ્સ સ્વાસ્થ્યવર્ધક હોય છે તે માત્ર કાલ્પનિક વાત છે.

                                             • કર્મચારીઓને ઓફિસલાઈફનો ભારે ખર્ચ !

ઓફિસમાં કામ કરતો દરેક કર્મચારી વર્ષે દહાડે બીનજરૂરી ૧,૭૦૦ પાઉન્ડ વાપરતો હોવાનું અભ્યાસમાં જણાયું હતું. તેમાં ચેરિટી સ્પોન્સરશિપ રિક્વેસ્ટ્સ, ‘વોલન્ટરી નાઈટઆઉટ’ અને કોફી માટેના પોતાનો ટર્ન વગેરેનો સમાવેશ થાય છે. ટ્રાવેલ અને લંચના ખર્ચને પણ બાદ કરતા ઓફિસમાં કામ કરવામાં દરરોજ લગભગ ૭ પાઉન્ડનો ખર્ચ થાય છે. વાર્ષિક ખર્ચનો સૌથી મોટો હિસ્સો સામાજિક ખર્ચનો હોય છે.

                                          • નિયમિત એક્સરસાઈઝથી મગજ પણ સ્વસ્થ રહે

નિયમિત કસરત આપના શરીર માટે સારી છે એટલું જ નહીં પરંતુ તે મગજની બુદ્ધિમતાને સ્વસ્થ રાખીને જ્ઞાનમાં થતા ઘટાડાને અટકાવતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. જર્મનીમાં સંશોધકોએ ૧૯૯૭થી ૨૦૧૨ વચ્ચે ૨,૦૧૩ વયસ્કોનો અભ્યાસ કર્યો હતો અને એક્સરસાઈઝ બાઈક પર તેઓ એક્સરસાઈઝ દરમિયાન કેટલો ઓક્સિજન લઈ શકે છે તે માપીને તેમની કાર્ડિયોરેસ્પિરેટરી ફીટનેસનું વિશ્લેષણ કર્યું હતું.

                                           • સ્માર્ટફોનનો ઉપયોગ ઘટાડવા પોપની સલાહ

પારિવારિક જીવનને વધુ સુમેળભર્યું બનાવવા માટે પોપે સેન્ટ પીટર્સ સ્કેવર ખાતે મીડ ડે પ્રેયર્સમાં લોકોને સ્માર્ટફોન પાછળ વધુ સમય પસાર કરવાને બદલે પોતાની નજીકના લોકો સાથે વાતચીત કરવાની સલાહ આપી હતી.

                                       • પોઈન્ટ સિસ્ટમથી માઈગ્રન્ટ્સની સંખ્યામાં ભારે વધારો થશે

યુકે આવવા માગતા સ્કીલ્ડ વર્કર્સની સંખ્યા મર્યાદિત કરવામાં નહીં આવે તો ઓસ્ટ્રેલિયાની માફક પોઈન્ટ આધારિત સિસ્ટમ અપનાવવાની બોરિસ જહોન્સનની યોજના હેઠળ માઈગ્રન્ટ્સની સંખ્યામાં તીવ્ર ઉછાળો નોંધાશે તેવી કેમ્પેનરોએ ચેતવણી ઉચ્ચારી હતી.કેમ્પેન ગ્રૂપ માઈગ્રેશન વોચ યુકેએ જણાવ્યું હતું કે સરકારે ઓછામાં ઓછા ૩૦,૦૦૦ પાઉન્ડ પગારની મર્યાદા અને માઈગ્રન્ટ્સ માટે જરૂરી લઘુત્તમ શિક્ષણની જોગવાઈને જાળવી રાખવી પડશે.

કેદી સાથેનું પ્રેમપ્રકરણ ભારે પડ્યું - મહિલા જેલ અધિકારીને જેલ

રેક્સહામની પુરુષો માટેની જેલમાં ૧૨ વર્ષની કેદની સજા ભોગવી રહેલા ખૂંખાર કેદી સાથે અંતરંગ તસવીરો અને વીડિયોની આપલે કરવા બદલ મહિલા જેલ અધિકારીને એક વર્ષની જેલી સજા થઈ હતી. તે કેદી માટે કપડાં લાવતી હતી, તેના માટે શરત લગાવતી હતી અને જેલ અધિકારીઓએ કેદીઓ વિશે વોટ્સએપ પર કરેલી ચેટ્સના સ્ક્રીનશોટ્સ તેને મોકલતી હતી. તેના ખાતામાં ૧,૫૦૦ પાઉન્ડ જમા થયાં તે પહેલા તેણે કેદીના સાથીને પોતાના બેંક ખાતાની વિગતો મોકલી હતી.

                                         • પીડા દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય – પરોપકારનું કાર્ય કરો

પીડા થાય છે તો પેઈનકિલર્સ ભૂલી જાવ. તેના બદલે કશુંક અલગ કરો તો રાહત મળશે. પરોપકાર કરવાથી પોતાની પીડા ઓછી થતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. જેને લીધે વૈજ્ઞાનિકોએ સૂચન કર્યું હતું કે હવે ડોક્ટરો પણ તેની સલાહ આપશે. સંશોધકોને જણાયું હતું કે કેન્સરના દર્દીઓએ તેમના જ વોર્ડમાં અન્ય દર્દીઓને મદદ કરી તો તેમને ઓછી પીડાનો અનુભવ થયો હતો.

                                      • બ્રિટિશરો વેજ ફૂડ તરફ વળતાં બીફ અને પોર્કનું વેચાણ ઘટ્યું

ગયા વર્ષે ૮૦૦,૦૦૦થી વધુ લોકોએ ઓછામાં ઓછું એક મહિના માટે એનિમલ પ્રોડક્ટસ ખાવાનું બંધ કરતાં રેડ મીટના વેચાણમાં ભારે ઘટાડો નોંધાયો હોવાનું સંશોધનમાં જણાયું હતું. યુકેમાં જે લોકો પહેલી વખત વેજ ડાયટ તરફ વળ્યા હતા તેમણે ૨૦૧૯ના પ્રથમ છ મહિનામાં ૩.૬ મિલિયન ઓછાં પશુનો આહાર લીધો હતો.

                                       • ટેક્નોલોજીના લીધે શોપવર્કર્સ અને ટાઈપિસ્ટની જોબમાં ઘટાડો

છેલ્લાં એક દાયકામાં ઓનલાઈન બિઝનેસ અને કોમ્પ્યુટર ટેક્નોલોજીના વિકાસને લીધે શોપ વર્કર્સ, બેંક ક્લાર્ક અને ટાઈપિસ્ટની જોબમાં ઘટાડો નોંધાયો હતો. તેનું સ્થાન ફાઈનાન્સ અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગે લીધું છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા મુજબ ટાઈપિસ્ટ અથવા કિબોર્ડનો ઉપયોગ થતો હોય તેવા વ્યવસાયોમાં ૬૦,૦૦૦થી વધુ લોકોએ રોજગારી ગુમાવી હતી. છેલ્લાં દાયકામાં ઘટેલી કુલ ૨૮૯,૦૦૦ હાઈસ્ટ્રીટ જોબ્સમાં મહિલાઓને સૌથી વધુ નુક્સાન થયું હતું કારણ કે તેમાં મહિલાઓની સંખ્યા ૮૧ ટકા હતી.

હેલ્લો 999 ? મને વધારે સેવલોય અને ચીપ્સ મળ્યા છે

સ્કોટલેન્ડ યાર્ડને ગયા વર્ષે ૧ જાન્યુઆરીથી ૩૦ નવેમ્બર સુધીમાં ૨૨,૪૯૧ ફાલતુ કોલ્સ મળ્યા હતા. તેમાં એક મહિલાએ તો માત્ર એક સેવલોય અને ચીપ્સ મંગાવ્યા હતા તેને બદલે તેને ત્રણ – ત્રણ સેવલોય અને ચીપ્સ મળ્યા હતા તેની ફરિયાદ કરવા 999 પર કોલ કર્યો હતો.

                                            • ટીવી લેવામાં મદદ માટે એલચી કચેરીને ફોન કર્યો

વિદેશમાં આવેલી બ્રિટિશ એમ્બેસી અને કોન્સ્યુલેટ્સને આ વર્ષે ૩૩૦,૦૦૦ કોલ્સ મળ્યા હતા. તેમાં રેપ સ્ટારનો સંપર્ક સાધવામાં અને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં સારવાર હેઠળના મિત્ર માટે ટીવી બદલવામાં મદદ માટેની વિનંતીનો સમાવેશ થાય છે. ફોરેન ઓફિસે સામાન્ય કોન્સુલર સહાય ઉપરાંત અલગ જ કહેવાય તેવી મદદ માટે વિદેશમાં વસતા બ્રિટિશરો દ્વારા મળેલી કેટલીક ઈન્ક્વાયરીની વિગતો જાહેર કરી હતી.

                                      • રોબોટીક વેક્યુમ ક્લિનર અચાનક ચાલુ થતાં દંપતી ગભરાયું

અમેરિકાના નોર્થ કેરોલિનાના લુઈસવિલેમાં રહેતાં થોમસ અને એલિસા મિલાન એક રાત્રે પોતાના મકાનના બેડરૂમમાં ફિલ્મ જોઈ રહ્યા હતા. ત્યારે નીચેના રૂમમાં અચાનક જ અવાજ આવવા લાગ્યો હતો. આથી તે ગભરાઈ ગયા હતા અને ગન લઈને બીજા રૂમમાં છૂપાઈ ગયા. તેમણે પોલીસને મદદ માટે ફોન કર્યો. પોલીસ ઓફિસરોએ આવીને મકાનનો દરવાજો ખોલી નાખ્યો. તેમણે જોયું તો અચાનક ચાલુ થઈ ગયેલું રોબોટિક વેક્યુમ ક્લિનર રૂમની સફાઈ કરતું હતું અને તેનો અવાજ આવતો હતો.

સ્ટ્રીટમાં જન્મેલા ટ્વીન્સ માટે £૨૦,૦૦૦એકત્ર કરાયા

કેમ્બ્રીજમાં ટ્રિનિટી કોલેજ બહારની એક સ્ટ્રીટમાં એક હોમલેસ મહિલાએ ટ્વીન્સને જન્મ આપ્યો હતો. તેને મદદ માટે ક્રાઉડફંડિંગ કેમ્પેન દ્વારા લગભગ ૨૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા હતા.

                                                  • ફેમિલી ફર્મ્સમાં દીકરીઓને સ્થાન નહીં

હજુ પણ મોટા ભાગે ફેમિલી ફર્મ્સ એટલે કે પારિવારિક કંપનીઓનું સંચાલન પુત્રીઓને બદલે પુત્રો દ્વારા જ થતું હોવાનું અભ્યાસ સૂચવે છે. જેમને વારસામાં બિઝનેસ મળે છે તે પરિવારના મહિલા સભ્યનો નહીં પરંતુ, તેમના પિતા અથવા દાદાનો હોવાનું સિનર્જી બેંકના અભ્યાસમાં જણાયું હતું. ખાસ કરીને કન્સ્ટ્રક્શન જેવા ક્ષેત્રમાં ફેમિલી ફર્મના સંચાલનની શક્યતા પુત્રીઓ કરતાં પુત્રોની બમણી રહે છે. બેંક દ્વારા જણાવાયું હતું કે ૧,૦૦૦થી વધુ નાના બિઝનેસનો અભ્યાસ કરાયો હતો અને ઘણાં લોકોનું માનવું હતું કે પુત્રોને વારસામાં બિઝનેસ મળે તે તદ્દન સ્વાભાવિક છે.


comments powered by Disqus