બોલીવૂડ સિંગર અને સિંગિંગ રિયાલિટી શોનો હોસ્ટ આદિત્ય નારાયણ ગર્લફ્રેન્ડ શ્વેતા અગરકર સાથે પહેલી ડિસેમ્બરે સાંજે મુંબઈના ઈસ્કોન મંદિરમાં લગ્નબંધને બંધાયો હતો. આ લગ્ન માટે આદિત્યે તેના પિતા અને લેજન્ડરી સિંગર ઉદિત નારાયણની જન્મતારીખ પસંદ કરી હતી. કોરોનાના કારણે લગ્નમાં માત્ર ૫૦ લોકો જ સામેલ થઈ શક્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના લગ્નની તસવીરો અને વીડિયોઝ વાઈરલ થઈ રહ્યાં છે. ધૂમધામથી નીકળેલા વરઘોડામાં ઉદિત અને તેમની વાઈફ દીપાનો ડાન્સ કરતો એક વીડિયો પણ તરત વાઈરલ થઈ ગયો હતો. આ પહેલાં રવિવારે મહેંદી સેરેમની જ્યારે સોમવારે હલ્દી સેરેમની થઈ હતી.
દસકા જૂની મિત્રતા
આદિત્ય અને શ્વેતા ૨૦૧૦ની ફિલ્મ ‘શાપિત’ના સેટ્સ પર મળ્યા હતા. જેમાં તેમણે સાથે કામ કર્યું હતું. આ હોરર ફિલ્મથી આદિત્યે એક્ટિંગની શરૂઆત કરી હતી. આદિત્યે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે, તે ડિસેમ્બરમાં મેરેજ કરશે. તેણે લખ્યું હતું કે, ‘અમે લગ્ન કરવા જઈ રહ્યાં છીએ. હું અત્યંત નસીબદાર છું કે, મને શ્વેતા મળી ગઈ. અમને બંનેની અમારી પર્સનલ લાઈફની વાતો જાહેર કરવાનું પસંદ નથી.’