ઈસ્લામાબાદઃ બ્રેસ્ટ (સ્તન) કેન્સરની બાબતમાં પાકિસ્તાન આખા એશિયામાં સૌથી ટોચ પર છે. પાકિસ્તાનમાં દર વર્ષે ૯૦ હજાર મહિલાઓને કેન્સર થાય છે અને તે પૈકી લગભગ ૪૦ હજારનું બીમારીના કારણે અવસાન થાય છે. નવા સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે દર દસ પૈકી એક મહિલાને તેમના જીવનમાં એક વાર તો સ્તન કેન્સર થાય છે જ.
સ્તન કેન્સર અંગેની જાગૃતિ માટે કાર્યરત આશા નામની સંસ્થાના કાર્યક્રમમાં આ આંકડાઓ જાણવા મળ્યા હતા. વેબિનારમાં કમિશન ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઈન સાઉથ (‘કોમસેટ’)ના સલાહકાર અને પૂર્વ રાજદૂત ફોજીયા નસરીને મહિલાઓના જાણકારીના અભાવે દુર કરવા, પરિવારના સહકાર, યોગ્ય સુવિધાઓ અને આ બીમારી અંગે તેમનામાં જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો.
આ બીમારીને દૂર કરવા માટેના ઉપાયોમાં વહેલી સારવાર અને સમયસરની મેડિકલ કેર ખુબ જ જરૂરી છે, એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે મહિલાઓએ પોતે જ તપાસ કરીને આનો ઉપાય શોધવો જોઈએ. એક અન્ય મહિલા નિષ્ણાંત અને વિશ્વ આરોગ્ય સંસ્થા (‘હૂ’)ના સલાહકાર ડોક્ટર સમિના નઇમે કહ્યું હતું કે આ બીમારી અંગે લોકોમાં જે સુગ છે તેને દૂર કરવી જોઈએ.
પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના રેડિયોલોજી વિભાગના ડોક્ટર ફરહીન રઝાએ કહ્યું હતું કે સ્ક્રિનિંગ અને સમુદાય આધારિત આરોગ્ય શિક્ષણની જરૂરિયાત સમયની તાતી જરૂર છે. આમાં સમુહ ચર્ચાનું આયોજન કરવું જોઈએ.