છેલ્લા થોડાક સમયથી વ્હોટ્સએપ પર એક સરસ સંદેશ ફરી રહ્યો છે. કદાચ તમને પણ આવ્યો હશે. તેનો સાર કંઇક એવો છે કે ‘એ’થી શરૂ કરવાનું અને ‘બી’ આવે ત્યાં સુધી તમારે ઊંડો શ્વાસ લેવાનો. આ પછી ‘બી’થી શરૂ કરવાનું ‘સી’ આવે ત્યાં સુધી શ્વાસ રોકી રાખવાનો. અને ત્યારબાદ છોડી દેવાનો. આ પછી એક નોંધ આવે છે કે જો તમે ‘બી’થી ‘સી’ સુધી શ્વાસ અટકાવી શક્યા હો તો તમે કોરોના સામે ઝીંક ઝીલી શકો છો.
વાત ઊંડા શ્વાસ લેવાની અને શ્વાસને ટકાવી રાખવાની છે. યોગવિદ્યાના ઉપાસકો આ કલાને પ્રાણાયમ તરીકે ઓળખે છે. શ્વાસોચ્છવાસની ક્રિયા કુદરતે આપણને ભેટ આપેલી છે. બાળક જન્મે કે તરત આ ક્રિયા શરૂ થઇ જાય છે, તે મૃત્યુપર્યંત ચાલે છે. આ ક્રિયા ઓટોમેટિક છે. આપણે માત્ર એની ગતિને થોડી રોકવાની છે. આ વાત સમજવા પહેલાં એક મુદ્દો સ્પષ્ટ કરીએ.
માણસ એક મિનિટમાં સરેરાશ ૧૫ શ્વાસ લે છે એટલે કે એક દિવસમાં માણસ ૨૧,૬૦૦ શ્વાસ લે છે. એ દરમિયાન હવામાંથી પ્રાણવાયુ શોષે છે. હવે આગળ ધ્યાનથી વાંચજો...
કાચબો એક મિનિટમાં ફક્ત પાંચ શ્વાસ લે છે અને આશરે પોણા બસો વર્ષ જીવે છે. સાપ એક મિનિટમાં આઠ શ્વાસ લે છે અને આશરે સવાસો વર્ષ જીવે છે. બીજી બાજુ કબૂતર કે સસલું એક મિનિટમાં ૩૬ શ્વાસ લે છે અને ફક્ત સાત - આઠ વર્ષ જીવે છે. એનો અર્થ એ છે કે એક મિનિટમાં તમે જેટલા ઓછા શ્વાસ લો એટલી તમારી આવરદા વધે.
જુદી જુદી ધ્યાન પદ્ધતિઓ શીખવનારા યોગ શિક્ષકો ખરેખર તો માણસને શ્વાસ લેવાની કલા શીખવે છે. શ્વાસ લો એ પૂરક, શ્વાસને શરીરમાં રોકો એ કુંભક અને શ્વાસને છોડો એ રેચક. આ કલા દરેક માણસે શીખવા જેવી છે. જો આ આવડી ગયું તો કોરોના શું બીજા કોઇ પણ રોગના વાઇરસ સામે ટકી શકાય. ગણેશપુરીના મુક્તાનંદ સ્વામી કહેતા કે શ્વાસ એટલા ધીમા અને ઊંડા થવા જોઇએ કે નાકની નીચે રૂનું પૂમડું મૂક્યું હોય તો પણ ધ્રૂજે નહીં. જોકે આટલી સિદ્ધિ મેળવવા માટે રોજ નિયમિત પ્રાણાયમ કરવા જરૂરી છે.
આ ઉપરાંત બીજા પણ એક મુદ્દા તરફ ધ્યાન ખેંચવું છે. આજે તો ઠેર ઠેર લાફિંગ ક્લબો ખુલી ગઇ છે જે લોકોને ખરું-ખોટું હસાવે છે. સ્વીત્ઝર્લેન્ડમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય હાસ્ય સમારોહમાં વક્તાઓએ એક વાતે અફસોસ વ્યક્ત કરેલો કે આજથી પચાસ વર્ષ પહેલાં માણસ રોજ સરેરાશ ૧૮થી ૨૫ મિનિટ કુદરતી રીતે હસતો હતો. આજે માત્ર ચાર-પાંચ મિનિટ માંડ હસે છે.
કુદરતી હાસ્ય પણ આપણી ઇમ્યુનિટી વધારે છે એ હકીકત સતત યાદ રહેવી જોઇએ. ટેન્શન કે તનાવ ઇમ્યુનિટી પર નકારાત્મક અસર કરે છે એટલે સતત હસતાં રહેવું જોઇએ. તમે ખડખડાટ હસ્યા હો એવા જીવનમાં બનેલા એવા કોઇ પણ પ્રસંગને યાદ કરીને પણ હસવું જોઇએ. કુદરતી ઉપચારમાં માનતા એક વિદ્વાને સરસ કહ્યું છે, હાસ્ય લાવે સ્વાસ્થ્ય...
ત્યારબાદ હેલ્થ વર્કર્સે સમજાવેલી અગમચેતી યાદ રાખવાની છે. એ અગમચેતી એટલે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ. અત્રે રતન ટાટાને યાદ કરવા જોઇએ. ગયા જુલાઇમાં રતન ટાટાએ એક બહુ સૂચક વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'આ વર્ષ સર્વાઇવલનું છે. આ વરસે વાઇરસ સામે ટકી રહેવાનું છે. જીવતો નર ભદ્રા પામે એવી લોકોક્તિ છે. હોળી, દિવાળી, જન્માષ્ટમી વગેરે તહેવારો તો દર વરસે આવવાના છે. આપણે ટકી ગયા તો ઉત્સવો આવતા વરસે ઊજવી શકાશે.’
મુખ્ય મુદ્દો ટકી રહેવાનો છે, સર્વાઇવલનો છે. દિવાળી હોય ક્રિસમસ હોય કે ન્યૂ યર હોય, તહેવારો તો કાયમ આવતા જ રહેવાના. આપણે નહીં ટકી શકીએ તો તહેવાર આવે યા ન આવે કશો ફરક પડવાનો નથી. આ બે મુદ્દા ધ્યાનમાં રહે તો કોરોના સામે ચોક્કસ લડી શકાશે.