સિડની: ભારતે બીજી ટી-૨૦માં ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવીને ત્રણ મેચની સિરીઝ ૨-૦થી જીતી તો લીધી, પરંતુ ત્રીજી મેચ પણ જીતીને ઓસ્ટ્રેલિયાનો તેની જ ધરતી પર ૩-૦થી વ્હાઇટવોશ કરવાનો મનસૂબો અધૂરો રહી ગયો છે. ટીમ ઇંડિયાએ શ્રેણીની પ્રથમ બન્ને મેચ જીતીને ૨-૦ની અજેય સરસાઇ મેળવી હતી, પરંતુ મંગળવારે રમાયેલી મેચમાં તેનો ૧૨ રને પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૬ રન કર્યા હતા. જેના જવાબમાં ભારત ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૭૪ રન જ કરી શક્યું હતું.
ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર મિચેલ સ્વેપ્સન પ્લેયર ઓફ ધ મેચ અને ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો હતો. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની અંતિમ મેચમાં સિડની ખાતે ભારતને ૧૨ રને હરાવ્યું છે. ૧૮૭ રનનો પીછો કરતા ટીમ ઇન્ડિયા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૭૪ રન જ કરી શકી હતી. કપ્તાન વિરાટ કોહલીની ૮૫ રનની ઇનિંગ્સ પાણીમાં ગઈ.
મેચમાં ત્રણ વિકેટ ઝડપનાર લેગ સ્પિનર મિચેલ સ્વેપ્સનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે, હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ મળ્યો. તેણે આ સીરિઝમાં અનુક્રમે ૧૬, અણનમ ૪૨ અને ૨૦ રન કર્યા. વિરાટ ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતનાર એશિયાનો પ્રથમ કપ્તાન બન્યો છે. તેના સિવાય માત્ર સાઉથ આફ્રિકાનો ફાફ ડુ પ્લેસીસ જ બીજો એવો કપ્તાન છે જેણે વિદેશી કપ્તાન તરીકે ઓસ્ટ્રેલિયામાં ત્રણેય ફોર્મેટમાં બાઈલેટરલ સીરિઝ જીતી છે.
૨૦૨૦માં ભારત પહેલીવાર ટી-૨૦ મેચ હાર્યું
આ વર્ષે ભારત આ મેચ સહિત કુલ ૧૨ ટી-૨૦ રમ્યું. તેમાંથી ૧૦ જીત્યું, એક હાર્યું અને એક મેચમાં રિઝલ્ટ ન આવ્યું. ભારત છેલ્લી ૯ મેચથી ટી-૨૦માં અપરાજિત હતું. આ મેચ ગુમાવતા જ ભારતની ૯ મેચની વિનિંગ સ્ટ્રીક પણ તૂટી ગઈ છે. ભારત ટી-૨૦માં છેલ્લે ડિસેમ્બર ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડિઝ સામે હાર્યું હતું. તેમજ વિદેશમાં ભારત ૧૧ મેચ પછી હાર્યું છે. ટીમે છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે હેમિલ્ટનમાં ફેબ્રુઆરી ૨૦૧૯માં મેચ ગુમાવી હતી.