શતાયુ દાદીની કોરોના સામે ‘દાદાગીરી’!

સ્પેનિશ ફ્લૂ - વિશ્વયુદ્ધમાં અડીખમ દાદીમાએ કોરોનાને ત્રણ વાર હરાવ્યો!

Wednesday 09th December 2020 08:18 EST
 
 

કોરોનાએ ચોતરફ આતંક ફેલાવ્યો છે, ત્યારે મહામારી સામેના સંઘર્ષમાં આત્મબળથી વિજય મેળવનારા કેટલાક આશ્ચર્યજનક કિસ્સાઓ પણ બહાર આવ્યા છે. સ્પેનિશ ફ્લૂ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેવા ભયાનક સંજોગોમાં અડીખમ રહેનારા ૧૦૧ વર્ષના દાદીમાએ એક નહીં, ત્રણ-ત્રણ વખત કોરોનાને મહાત આપીને જાણે કે ચમત્કાર સર્જ્યો છે!
ઈટાલીના ‘આયર્ન લેડી’ તરીકેનું બિરુદ પામે તેવા ૧૦૧ વર્ષના મારિયા ઓર્સિન્ગહેર ઈટાલીના સોન્ડરિયો પ્રાંતના સોન્ડાલોમાં રહે છે અને છેલ્લા ૧૦ મહિનામાં તેઓ ત્રણ વખત કોરોનાને હરાવી ચૂક્યા છે. મારિયા છેલ્લા કેટલાક વર્ષોથી પથારીવશ છે અને તેઓ શ્રવણશક્તિ પણ ગૂમાવી ચૂક્યા હોવાથી તબીબી સ્ટાફ તેમજ તેમની ત્રણ દીકરીઓ સાથે વાતચીત કરવામાં તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પણ તેમની જિજીવિષા જબરજસ્ત છે.
ઈ.સ. ૧૯૧૯ની ૨૧મી જુલાઈએ ઈટાલીના એર્ડેનોના જીજીઓ વિસ્તારના નાનકડા ગામમાં જન્મેલા મારિયા સ્પેનિશ ફ્લૂ મહામારીમાં આબાદ બચી ગયા હતા. જે પછી દ્વિતીય વિશ્વયુદ્ધ વેળાએ તો તેમના લગ્ન થયાં હતા અને ભયાનક ખુવારી વચ્ચે પણ તેમની જીવનરેખા તો આગળ જ વધતી રહી હતી.
કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તેમને ત્રણ વખત કોરોના થઈ ચૂક્યો છે અને દરેક વખતે તેઓએ આ મહામારીને મહાત કરી છે, જેનાથી સ્થાનિક હોસ્પિટલોના ડોક્ટરો અને નર્સો પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.
તેમની પુત્રી કાર્લાએ કહ્યું કે મારી માતાને પહેલી વખત ફેબ્રુઆરી મહિનામાં કોરોના થયો હતો. સોન્ડાલોની હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓ સાજા થઈ ગયા હતા. તે સમયે હોસ્પિટલના ડોક્ટર-નર્સોએ અમને કહ્યું હતું કે, અમે અગાઉ ક્યારેય આટલી મોટી ઉંમરની વ્યક્તિને સાજી થઈને ઘરે જતાં જોઈ જ નથી.
સાત મહિના બાદ ફરી તેમને તાવ આવ્યો હતો, જે પછી કોરોનાના ટેસ્ટનું પરિણામ પણ પોઝિટીવ આવતા ફરી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૧૮ દિવસની સારવાર બાદ તેઓ ફરી કોરોના સામે જંગ જીત્યા હતા.
નવેમ્બર મહિનામાં ફરી તેમને કોરોના થયો હતો. જોકે, આ વખતે તેઓ એસિમ્ટોમેટિક હતા એટલે કે તેમને કોવિડ-૧૯ મહામારીના કફ-શરદી કે તાવ જેવા લક્ષણ નહોતા. થોડા જ દિવસની સારવાર બાદ તેમનો કોરોનાનો ટેસ્ટ પણ નેગેટિવ આવી જતાં આખા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને તબીબી સ્ટાફ વધુ આશ્ચર્યમાં ગરકાવ થયો હતો. મારિયાની ત્રણેય દીકરીઓ ખુશખુશાલ છે.


comments powered by Disqus