બીબીસીએ વર્ષ ૨૦૨૦ માટે સમગ્ર વિશ્વમાંથી ૧૦૦ પ્રેરક અને પ્રતિભાશાળી મહિલાઓની યાદી તૈયાર કરી છે. આ વર્ષે પસંદ કરાયેલાં આ ૧૦૦ મહિલાઓની સૂચી વિશેષપણે એ લોકોને દર્શાવે છે જેઓ અશાંત સમય દરમિયાન નેતૃત્વ કરવાની સાથે પરિવર્તન લાવી રહ્યાં છે. લિસ્ટમાં ફિનલેન્ડનાં વડાં પ્રધાન સના મરીનનું પણ નામ છે. બધાની નજર ફિનલેન્ડનાં વડાં પ્રધાન અને મહિલાઓના નેતૃત્વવાળા ગઠબંધનના પ્રથમ કાર્યકાળ પર છે. કોરોના મહામારી દરમિયાન શાંત અને નિર્ણાયક નેતૃત્વ બદલ આ સરકારની પ્રશંસા કરાઈ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ૧૧ માર્ચના રોજ કોવિડ-૧૯ની મહામારી અંગે જાહેરાત કરી હતી. પરંતુ સના મરીનની કેબિનેટ વાઇરસનો સામનો કરવા આગોતરી તૈયાર હતી. ૧૬ માર્ચે તો ફિનલેન્ડમાં માત્ર લોકડાઉન જ નહોતું, પરંતુ ઇમરજન્સી પાવર્સ એક્ટનો ઉપયોગ કરીને આકરા પ્રતિબંધો લાદી દેવાયા હતા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન છેલ્લે ઉપયોગમાં લેવાયેલ આ કાયદો સરકારને વિશેષાધિકાર આપે છે. આ પગલાની મીડિયામાં ઘણી ટીકા થઈ પરંતુ લોકોએ સરકારનું સમર્થન કર્યું.
સના મરીન અને તેમની ટોચની ચાર કેબિનેટ સહયોગી ખુદ દર અઠવાડિયે કોરોના વાઇરસને લઈને મીડિયા અને સામાન્ય જનતાને જાણકારી આપતાં અને તેમના પ્રશ્નોના જવાબ પણ આપતાં. જેમાંથી એક પર તો બાળકોના પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી હતી.
કોરોના મહામારીને અંકુશમાં રાખવા માટે ફિનલેન્ડમાં જે શ્રેણીબદ્ધ અને અસરકારક પગલાં લેવાયા તેના પરિણામે મૃત્યુદર ઘણો નીચો રહ્યો છે. આ દેશમાં કોરોનાનો મૃત્યુદર દર ૧૦ લાખની વસતીએ ૬૦ મૃત્યુનો છે.
એક મહિલા તરીકે તેમના નેતૃત્વની ભરપૂર પ્રશંસા થઇ તો સના મરીને કહ્યું હતું, ‘ઘણા દેશોમાં પુરુષોના નેતૃત્વમાં સારી કામગીરી થઈ છે. તેથી મને નથી લાગતું કે આ બાબત લૈંગિક છે. મને લાગે છે કે આપણે સારું પ્રદર્શન કરનાર દેશો પાસેથી શીખવાની વાત પર ધ્યાન આપવું જોઈએ.’
ગયા ઓગસ્ટમાં મહામારી દરમિયાન તેમણે લગ્ન કર્યાં. અને હનીમૂનથી પાછાં ફર્યાના એક જ અઠવાડિયામાં કામે લાગી ગયાં. તેમનાં લગ્ન વિશે ઘણા ઓછા લોકોને જાણકારી હતી. તેમણે એક નાનકડો બ્રેક લીધો અને એક ગુપ્ત જગ્યાએ હનીમૂન માટે ગયાં. તેમને બે વર્ષની એક દીકરી પણ છે. તેમના ઇંસ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમના લગ્નના ફોટો જોવા મળ્યા. જે ઘણા માટે આશ્ચર્યચકિત કરી દેનારી બાબત હતી. તેમની સાથે તેમના પતિ માર્કસ રેકોનેન પણ તે ફોટોમાં હતા. માર્કસ એક પૂર્વ ફૂટબોલ ખેલાડી છે અને ૧૬ વર્ષથી બંને સાથે છે. દંપતીની આ તસવીર મીડિયાથી લઈને સોશિયલ મીડિયા પર ઘણી શેર કરાઈ હતી. આ પહેલાં સના મરીને દીકરીને સ્તનપાન કરાવતી પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી.
સના મરીનની પ્રથમ વાઇરલ તસવીર એક વર્ષ પૂર્વે ડિસેમ્બર ૨૦૧૯માં લેવાઇ હતી, જેમાં તેમના કાર્યકાળનો પ્રથમ દિવસ જોવા મળતો હતો. એ તસવીરમાં ફિનલેન્ડનાં નવાં અને સૌથી યુવાન વડાં પ્રધાન ૩૪ વર્ષીય સના મરીન સસ્મિત જોઈ શકાય છે. તેમની સાથે તેમની સરકારના અન્ય નેતા પણ હાજર હતા, જે તમામ મહિલા હતાં. જ્યારે આ તસવીર જારી કરાઇ ત્યારે પાંચ પાર્ટીઓમાંથી માત્ર એક નેતા ૩૪ વર્ષ કરતાં વધુ વયનાં હતાં.
પોતાની કેબિનટે સાથે પોડિયમ પર ઊભા રહીને તેમણે ફોટોગ્રાફરોના સમૂહોને કહ્યું કે તેઓ યુવાન પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિશ્વને એ દેખાડવાની તક છે કે ‘અમે ફિનલેન્ડવાસી કોણ છીએ.’ તે સમયે અખબારોમાં કંઈક આ પ્રકારના શીર્ષક લખાયાં હતાંઃ ‘ફિનલેન્ડમાં મહિલાવાદ વયસ્ક થઈ ચૂક્યો છે...’ ‘મહિલાઓનું શાસન: જેની આપણે રાહ જોઈ રહ્યા હતા.’
સંઘર્ષમય જીવન કહાણી
સના મરીને કદી કલ્પના પણ નહીં કરી હોય કે તેઓ કેસેરાંટા (ફિનલેન્ડમાં વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન)માં પતિ અને દીકરી સાથે રહેશે. તેઓ કહે છે કે, ‘રાજકારણ અને રાજનેતા મને ઘણા દૂર દેખાતા હતા. હું જ્યાં રહેતી હતી તે આ દુનિયાથી ઘણી અલગ દુનિયા હતી.’ તેમણે વર્ષ ૨૦૧૬માં એક ખાનગી બ્લોગમાં લખ્યું હતું, ‘ફિનલેન્ડના અન્ય લોકોની જેમ મારા પરિવારની પણ કહાણી દુ:ખભરી છે.’
સના મરીન ફિનલેન્ડના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત એક નાના શહેર પિરકાલામાં ભણ્યાં અને મોટાં થયાં છે. તેમનો ઉછેર તેમનાં માતા અને તેમના પ્રેમીએ કર્યો. તેમનાં માતા પોતાના દારૂડીયા પતિથી અલગ થઈ ગયાં હતાં. તેમના ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી. પોતાનાં માતાના મૃત્યુ બાદ સના મરીન એક અનાથાલયમાં રહ્યાં. ઘણી નાની ઉંમરથી તેઓ રિટેલની નોકરી કરવા લાગ્યાં હતાં, જેથી પોતાના પરિવારની મદદ કરી શકે.
એવું પણ નહોતું કે સના મરીનમાં બાળપણથી જ નેતૃત્વક્ષમતા દેખાતી હતી. પિરકાલા હાઈસ્કૂલમાં તેમના શિક્ષિકા પાસી કર્વિનેન તેમને એક ‘સરેરાશ વિદ્યાર્થિની’ ગણાવે છે. તેમને ૧૫ વર્ષની વયે પોતાના ગ્રેડ્સમાં સુધારો કરવાની સલાહ અપાઈ હતી. સના મરીનને રાજકારણમાં રૂચિ ૨૦ વર્ષની ઉંમર બાદ જાગી, જ્યારે તેમણે વિચાર્યું કે તેનાથી ન માત્ર પોતાના જ નહીં, પરંતુ બીજા ઘણા લોકોના જીવનમાં સુધારો લાવવો શક્ય છે.
સના મરીન કહે છે, ‘મરીન સરકારની લૈંગિક સમાનતા યોજના પાછળ પણઆ જ પ્રેરણા છે જેમાં માતા-પિતાની સારસંભાળની જવાબદારી સમાનપણે સંભાળવા માટે પ્રોત્સાહન, ઘરેલુ હિંસા પર કાબૂ મેળવવો, વેતનમાં લૈંગિક અસમાનતા ખતમ કરવી અને ગરીબ અને પ્રવાસી પરિવારોમાંથી આવનારાં બાળકોની શિક્ષણ સુધી પહોંચ માટે સુધારા સંબંધી નીતિઓ સામેલ છે.’સના મરીન કહે છે, ‘ફિનલેન્ડમાં હંમેશાંથી ગઠબંધનની સરકાર રહી છે. તેથી અમે અલગ-અલગ પક્ષો અને વિચારો વચ્ચે સહમતિ સાધવા માટે સમજૂતી કરવા માટે ટેવાયેલા છીએ. હું આ વાતને મજબૂતી માનું છું પરંતુ આ પરિસ્થિતિને કારણે હંમેશાં ઝડપથી કામ નથી થતું.”
રંગભેદને લઈને ટીકા
બ્લેક લાઇવ્સ મેટર્સ અભિયાન દરમિયાન જોકે તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ફિનલેન્ડમાં રહેનારા કેટલાક અશ્વેત લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ મૂક્યો અને કહ્યું કે સરકારની સમાનતા યોજનામાં ઘણી પ્રકારની અસમાનતાઓ વિશે વાત કરાઈ છે પરંતુ રંગભેદના શિકાર લોકોની સમસ્યાઓને તેમાં સ્થાન નથી મળ્યું. યુરોપિયન પરિષદના ૨૦૧૯ના રિપોર્ટ અનુસાર ફિનલેન્ડમાં આફ્રિકા મૂળના ૬૩ ટકા લોકોએ સતત રંગભેદી પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. આ દર યુરોપમાં સૌથી વધુ છે. ફિનલેન્ડની સંસદમાં હાલ માત્ર એક અશ્વેત મહિલા સાંસદ છે.