ભારત અને ચીન વચ્ચે ભારે તંગદિલીનો માહોલ છે. બંને પક્ષો દ્વારા સરહદે સૈન્ય તૈનાત કરી દેવાયું છે ત્યારે સ્વાભાવિકપણે સર્જિકલ સ્ટ્રાઈક અને ‘યુદ્ધસ્ય કથા રમ્યા’ની વાત યાદ આવે. આજના યુગમાં યુદ્ધો આર્થિક અને માનસિક રીતે પણ લડાતા રહે છે. ભારતે ચીનની સાઇબર ચાંચિયાગીરી પર ડિજિટલ સ્ટ્રાઇકની રણનીતિ આગળ વધારતા પબજી (PUBG - પ્લેયર્સ અનનોન બેટલગ્રાઉન્ડ) સહિત ૧૧૮ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ પણ ૧૦૬ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવાયા છે. આ પ્રતિબંધ એટલો અસરકારક નીવડ્યો છે કે જિનપિંગ સરકારે ગરાસ લૂંટાઈ ગયો હોય તેવી કાગારોળ મચાવી દીધી છે કારણ કે ભારત જેવું વિશાળ બજાર હાથમાંથી ગુમાવવું ચીની કંપનીઓ માટે ખોટનો સોદો છે. વર્તમાન પરિસ્થિતિમાં તો ચીનની કમર તોડવા આવા આર્થિક અને માનસિક પ્રહારો કરવાની જરુર વધારે છે તો જ તેની સાન ઠેકાણે લાવી શકાશે.
જગતની સૌથી વધારે લોકપ્રિય અને આવક રળી આપનારી પબજી ગેમની માલિક કંપની ટેન્સેન્ટને અઢળક આવક પણ થતી હતી અને ભારતે પ્રતિબંધ લાદી દીધાના ગણતરીના દિવસોમાં જ તેના શેરોનું ધોવાણ થતાં કંપનીને ૩૪ અબજ ડોલરનું નુકસાન પણ થયું છે. વિશ્વની ટોચની ટેકનોલોજી કંપનીઓમાં ગણાતી ચાઈનીઝ કંપની ટેન્સેન્ટનું કુલ માર્કેટ કેપ જ ૬૬૦ બિલિયન ડોલરથી વધારે છે પરંતુ, ભારતના એક નિર્ણયથી ટેન્સેન્ટને ધોળા દિવસે તારા દેખાઇ ગયા છે. ટેન્સેન્ટ જેવી ચાઈનીઝ કંપનીઓ માટે વપરાશકારોની પ્રાઈવસીનો ભંગ સામાન્ય બાબત છે. આ ચીની કંપનીઓ પર ત્યાંની સરકારનું નિયંત્રણ રહે છે અને વિદેશના યુઝર્સની તમામ માહિતી ચીનની સરકારને આપવી પડે છે. ભારતીય ગ્રાહકોની માહિતી ચીન પાસે જતી રહે તેમાં દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો પેદા થાય તે આશંકા જરા પણ ખોટી નથી.
સમગ્ર વિશ્વમાં પબજીના ખેલાડીઓમાંથી ૨૫ ટકા અથવા તો ૧૭.૫ કરોડ તો ભારતમાં હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ અનુસાર ગેમિંગની આદત એ માનસિક બીમારીનું લક્ષણ છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ દ્વારા પ્રકાશિત સંશોધનપત્રના તારણો કહે છે તેમ મોબાઈલ ગેમિંગથી ડિપ્રેશન (હતાશા), ચિંતા-અસ્વસ્થતા, હિંસક માનસિકતા, અનિંદ્રા, એકાકીપણું વગેરે અસર થાય છે. નવાઈની વાત એ પણ છે કે ‘ધ એસોસિએશન બિટવીન મોબાઈલ ગેમ એન્ડ એડિક્શન એન્ડ મેન્ટલ હેલ્થ’ સંશોધનપત્રના આલેખક વિજ્ઞાનીઓ પણ સમગ્ર વિશ્વને પબજીની રમતનું ઘેલુ લગાવનારા ચીનના જ હતા.
ભારતના માર્કેટમાં ‘નવરી બજાર’ જેવી રમતો લોકોના મગજમાં નકારાત્મકતા ભરે એ પહેલા જ સરકારે તેના માટે દરવાજા બંધ કરવાનો યોગ્ય નિર્ણય લીધો હતો. હવે તો ચીને આક્ષેપ કર્યો છે કે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને આગળ ધરી ચીની કંપનીઓ સામે પક્ષપાતી પ્રતિબંધાત્મક પગલાં લીધાં છે. તેણે ભારતને ખોટી કાર્યવાહીઓથી દૂર રહેવા પણ અપીલ કરવી પડી છે. પોતાના દેશમાં વિદેથી રોકાણકારો પર ભારે નિયંત્રણો લગાવતા ચીને ભારતને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને બિઝનેસ માટે મુક્ત વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સલાહ આપી છે. બાકી રહી ગયું હોય તેમ ભારત અમેરિકાના દબાણમાં આવીને આવાં પગલાં લઈ રહ્યું હોવાના આક્ષેપ પણ કર્યા છે. ચીને તો એવી હાસ્યાસ્પદ દલીલ પણ કરી છે કે ચીનમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓ અને યોગ ભારે લોકપ્રિય છે અને અમે તેમને ઘૂસણખોરી કે ધમકીરુપ ગણા તેના પર પ્રતિબંધ લાદતા નથી. આ તો શેતાન ઈશ્વરની ભાષા બોલતો રહે તેવી સ્થિતિ જ કહી શકાય. ગુરુદેવ ટાગોરની કવિતાઓ અને શારીરિક – માનસિક સ્વસ્થતા વધારતા યોગની પબજી જેવી માનસિક હાનિકારક ગેમ્સ સાથે સરખામણી કરવી કદી યોગ્ય લાગશે ખરી?
સરહદે ચીનની દગાબાજીના પગલે દેશભરમાં ચીની માલસામાનના બહિષ્કારની માંગ થઇ રહી છે તેને ધ્યાનમાં રાખીને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર ભારત’ની હાકલ કરેલી છે. અભિનેતા અક્ષયકુમારે PUBGની સામે ભારતીય સૈનિકોની જવામર્દીની ગાથા જણાવતી નવી એપ FAU-G (ફીઅરલેસ એન્ડ યુનાઈટેડ - ગાર્ડ્સ) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ગેમ પાછળનો હેતુ ગમે તેટલો સારો હોય, ખરેખર તો ભારતીય યુવાનોને આવી ગેમ્સમાં સમય બગાડતા અટકાવી તેમને રચનાત્મક માર્ગે વાળવાની આવશ્યકતા છે.
