બીબીસીના સંચાલન વિશે લોકોમાં સદા અસંતોષ રહ્યો છે. ‘રુલ બ્રિટાનીઆ’ ગીત હોય કે નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન સ્વામીનારાયણ મંદિરની રજતજંયતીની ઉજવણીની ઉપેક્ષા હોય, બીબીસી બ્રિટિશરો કે બ્રિટિશ ભારતીય અને હિન્દુઓની લાગણી તેમજ લોકોના મિજાજને પારખવામાં તે સદંતર નિષ્ફળ નીવડ્યું છે.
કોરોના મહામારીના કારણે ૧૨ સપ્ટેમ્બરે વર્ચ્યુઅલ યોજાનારા આખરી ‘લાસ્ટ નાઈટ’ કાર્યક્રમમાં ‘રુલ બ્રિટાનીઆ’ અને ‘લેન્ડ ઓફ હોપ’, આ બે ગીતો પહેલા રદ કરવા, પછી માત્ર વાદ્યસંગીત સાથે વગાડવા અને છેલ્લે સંપૂર્ણપણે ગાવા સહિતના નિર્ણયો લેવાં પડ્યા તે શેક્સપિઅરના પ્રખ્યાત પાત્ર હેમલેટની ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની મનોસ્થિતિ સૂચવે છે. બીબીસી એમ કહેતું હતું કે આવતા વર્ષ ૨૦૨૧માં આ બે ગીત અવશ્ય ગવાશે તો આ વર્ષે તે શા માટે નહિ ગાવા જોઈએ તે સમજાવી શકાય તેમ નથી. એ વાત સાચી છે કે કેટલાક લોકો આ ગીતો ન ગવાવા જોઈએ તેમ કહે છે તો સામા પક્ષે ઘણા લોકો તેને ગાવાની તરફેણ પણ કરે છે. YouGov દ્વારા કરાયેલા પોલમાં ૫૫ ટકા લોકોએ ‘રુલ બ્રિટાનીઆ’ ગીત કાર્યક્રમમાં યથાવત રાખવાની તરફેણ કરી હતી, ૧૬ ટકાએ વાદ્યસંગીતમાં ગાવાને યોગ્ય ગણાવ્યું હતું અને માત્ર પાંચ ટકાએ આ ગીત કદી પરફોર્મ ન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
બ્રિટનના કહેવાતા પ્રગતિવાદી અને જાગરુકતાવાદીઓને કઠી રહેલાં ‘રુલ બ્રિટાનીઆ’ ગીતની વાત કરીએ ત્યારે તેનો સંદર્ભ જાણી લેવો આવશ્યક છે. બ્લેક લાઈવ્ઝ મેટર સહિત આવા જૂથોએ ઉપાડેલા અભિયાનોથી બ્રિટિશ પરંપરાઓ સામે પ્રશ્નાર્થ કરાઈ રહ્યો છે. સંસ્થાનવાદ કે ગુલામીપ્રથા સાથે સંકળાયેલી પ્રતિમાઓનું ખંડન કે તેને મ્યુઝિયમ્સમાં મોકલવાનું સામાન્ય બની રહ્યું છે. બીબીસી વર્તમાનમાં બ્લેક લાઈવ્ઝ મેટરનું લગભગ અનુમોદન કરી રહ્યું છે, આવતી કાલે તે કદાચ વ્હાઈટ લાઈવ્ઝ મેટરની પણ વાત કરી શકે છે. સર હેન્રી વૂડ દ્વારા ૧૮૯૦ના દાયકાથી છ સપ્તાહના મ્યુઝિકલ કોન્સર્ટ્સનું આયોજન કરાયું હતું અને BBCએ ૧૯૨૭થી રોયલ આલ્બર્ટ હોલ સહિતના સ્થળોએ શ્રેષ્ઠ સંગીતને લોકો સમક્ષ લાવવા ‘પ્રોમ્સ’નું વાર્ષિક આયોજન કર્યું ત્યારથી ‘રુલ બ્રિટાનીઆ’ અને ‘લેન્ડ ઓફ હોપ’ ગીતો લોકઉત્સાહ સાથે ગવાતાં આવ્યાં છે. મહત્ત્વની બાબત એ પણ છે કે ક્લાસિકલ મ્યુઝિકલ ઈવેન્ટનું આ ૧૨૫મું વર્ષ છે ત્યારે આવા વિવાદ અસ્થાને ગણાય.
સામાન્ય જનતાની સાથે જ બ્રિટિશ રાજકારણીઓએ પણ બીબીસીના નિર્ણયનો વિરોધ કર્યો હતો. વડા પ્રધાન જ્હોન્સને સ્પષ્ટ કહ્યું હતું કે બ્રિટને પોતાના ઈતિહાસ, તેની પરંપરાઓ અને સંસ્કૃતિ વિશે ક્ષોભ-શરમ અનુભવવાનું બંધ કરવું જોઈએ. આ વાત સાચી છે. દરેક રાષ્ટ્ર અને પ્રજાનો પોતાનો આગવો ઈતિહાસ, પરંપરા હોય છે. સંસ્થાનવાદ અને ગુલામીપ્રથાની વાત કરીએ તો આ બાબતો આજે પણ વિશ્વમાં અલગ સ્વરુપે કાયમ છે. બ્રિટનની સરખામણીએ ફ્રેન્ચ ઈતિહાસ વધુ હિંસક, અસ્થિર અને વિવાદાસ્પદ રહ્યો છે છતાં, તેઓ પોતાના ઈતિહાસને ગૌરવની નજરે નિહાળે છે. બીબીસીની રુલ બ્રિટાનીઆ સેન્સરશિપથી ફ્રેન્ચ પ્રજા પણ અકળાઈ હતી.
‘રુલ બ્રિટાનીઆ’ અને ‘લેન્ડ ઓફ હોપ’ ગીતોના શબ્દોમાં ગુલામી વિશે વાત હોવા સાથે બ્રિટિશ સામ્રાજ્ય, સંસ્થાનવાદ અને ગુલામીપ્રથાનું મહિમાગાન કરાયું હોવાની દલીલો થાય છે. ‘રુલ બ્રિટાનીઆ’ ગીત જેમ્સ થોમ્સનની કવિતા છે જેને ૧૭૪૦માં થોમસ આર્ને દ્વારા સંગીતબદ્ધ કરાયું હતું. તે મૂળભૂતપણે રોયલ નેવીની તાકાત અને બ્રિટિશ સામ્રાજ્યના પ્રસારનો સંદેશ આપે છે અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે ગવાતું રહ્યું છે. તેમાં કહેવાયું છે કે બ્રિટાનીઆ સમુદ્રની લહેરો પર શાસન કરશે અને બ્રિટિશરો કદી ગુલામ નહિ થાય. આવી ખ્વાહિશ કોઈ પણ પ્રજાની હોઈ શકે છે. એ બાબત અલગ છે કે ૧૬મી સદીમાં બ્રિટને ભારત, આફ્રિકા સહિત અન્ય દેશો અને લોકોને ગુલામ બનાવ્યા. બ્રિટનના ઈતિહાસમાં આ વિવાદાસ્પદ ગાળામાં બ્રિટને આ દેશોમાંથી અપાર સમૃદ્ધિ ઘરભેગી કરી હતી. એ.સી. બેન્સન રચિત અને એડવર્ડ એલ્ગર દ્વારા ૧૯૦૧માં સ્વરબદ્ધ કરાયેલું ‘લેન્ડ ઓફ હોપ’ દેશભક્તિનું ગીત મનાય છે. ભારતના ‘વંદે માતરમ’ ગીતની માફક જ તે બ્રિટિશ ધરતીને ‘આશા અને ગૌરવ’ની ભૂમિ ગણાવી તેના ગુણગાન ગાય છે. એક સમયે એમ કહેવાયું હતું કે ભારતનું ‘જન ગણ મન અધિનાયક જય હે, ભારત ભાગ્યવિધાતા’ રાષ્ટ્રગીત ખરેખર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે તે સમયે ભારત આવેલા બ્રિટિશ કિંગ જ્યોર્જ પંચમ અને ક્વીન મેરીની પ્રશસ્તિમાં લખ્યું હતું. જોકે, વાસ્તવિકતા અલગ છે કે તે ખરેખર રાષ્ટ્રભક્તિથી છલોછલ ગીત છે જેના વિશે ગેરસમજ ફેલાવાઈ હતી. આ જ હકીકત ‘રુલ બ્રિટાનીઆ’ અને ‘લેન્ડ ઓફ હોપ’ને લાગુ પડે છે જેમના વિશે વર્તમાનમાં ગેરસમજ પ્રવર્તી રહી છે.
અન્ય વાસ્તવિકતા એ છે બીબીસી સહિત બ્રિટિશ માધ્યમો બેવડું વલણ ધરાવે છે. બીબીસી પોતાના દેશ, પ્રજા કે સંસ્કૃતિનું ગૌરવગાન કરતું નથી તેની સાથોસાથ ભારતીયો અને તેમની સંસ્કૃતિને પણ ધ્યાનમાં લેતું નથી. બ્રિટનમાં ભારતીયોની અંદાજે ૨૦ લાખની વસ્તીમાંથી અડધા જેટલી વસ્તી હિન્દુ છે પરંતુ, તેમની સતત ઉપેક્ષા કે અવહેલના કરવામાં બીબીસી કદી પાછળ રહ્યું નથી. આનું સ્પષ્ટ ઉદાહરણ તાજેતરમાં BAPS નીસડન સ્વામીનારાયણ મંદિરને ૨૫ વર્ષ પૂર્ણ થયાં તેનો ઉલ્લેખ કરવાની દરકાર સુદ્ધાં બીબીસીએ લીધી નથી. એક બાબત એ પણ છે કે તેણે મંદિરની રજતજંયતી નિમિત્તે એક કાર્યક્રમ કરવાની હૈયાધારણ આપી હતી પરંતુ, આ તો ‘રાત ગઈ, વાત ગઈ’નો ખેલ ખેલાયો છે. આ સનાતન હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજની પદ્ધતિસરની ઉપેક્ષા અને અવહેલના જ છે. એમ લાગે છે કે બીબીસીના માંધાતાઓ હજુ પણ ભારતીયોને ગુલામ પ્રજા તરીકે જ નિહાળે છે. બ્રિટિશ અર્થતંત્રમાં ભારતીયો અને હિન્દુઓનું યોગદાન તેમની નજરમાં આવતું નથી.
વિશાળ ભક્તગણ ગણાવતા નીસડન મંદિરને સંખ્યાબંધ એવોર્ડ્ઝ અપાયા છે. નીસડન સ્વામીનારાયણ મંદિર ભારતની બહાર પરંપરાગત શૈલીમાં નિર્મિત સૌથી મોટું હિન્દુ મંદિર હોવા વિશે તેમજ મંદિરમાં ઓક્ટોબર ૨૦૦૦માં ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું હતું તેમાં પ્રભુને ૧૨૪૭ શાકાહારી ડિશીઝ પીરસાઈ હતી તે બાબતે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા પ્રમાણપત્રો અપાયા છે. યુકે સત્તાવાળાઓએ રાષ્ટ્રીય ઓનલાઈન પોલ પછી ડિસેમ્બર ૨૦૦૭માં ‘યુકે પ્રાઈડ ઓફ પ્લેસ’નો એવોર્ડ જાહેર કર્યો હતો. ટાઈમ આઉટ દ્વારા તેને ‘સેવન વન્ડર્સ ઓફ લંડન’માં સ્થાન અપાયું છે. રીડર્સ ડાઈજેસ્ટ દ્વારા ૧૯૯૮માં આ મંદિરના નિર્માણ અને પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાની વિગતે સ્ટોરી કરી હતી. રોયલ કમિશન ઓન ધ હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ્સ ઓફ ઈંગ્લેન્ડના વાર્ષિક રિપોર્ટમાં પણ ‘બહુસાંસ્કૃતિક સમાજમાં વિશેષ મહત્ત્વની આધુનિક ઈમારત’ તરીકે મંદિરનો ઉલ્લેખ કરાયેલો છે. નીસડન મંદિરને મોસ્ટ એન્ટરપ્રાઈઝિંગ બિલ્ડિંગ એવોર્ડ અને નેચરલ સ્ટોન એવોર્ડ્ઝ પણ અપાયેલા છે.
આ વિગતો લખવાનું કે તાત્પર્ય એટલું જ છે કે નીસડન સ્વામીનારાયણ મંદિરે યુરોપ અને યુકેમાં સનાતન હિન્દુ ધર્મની ધજા ફેલાવી છે, જ્ઞાન અને અધ્યાત્મનો પ્રસાર કર્યો છે. પ્રિન્સ ચાર્લ્સે આ મંદિરના વિચારક અને સ્થાપક પ્રમુખ સ્વામી મહારાજની ભારે પ્રશંસા કરી છે. મંદિરની રજતજયંતી પ્રસંગે તેમણે પત્ની કેમિલા સાથે મંદિરની પોતાની પૂર્વ મુલાકાતોના ફોટોગ્રાફ્સ પણ મૂક્યા છે. તેમણે કોરોના મહામારીના કપરા સમયમાં બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટીએ જે રીતે સાથે મળી સેવાકાર્ય ઉપાડી લીધું તેની પણ પ્રશંસા કરી છે. ભારતની બહાર આ મંદિર પૂજા, જ્ઞાન, ઉજવણીઓ, શાંતિ અને સમુદાયોની સેવાના સ્થળ સ્વરુપે કામગીરી બજાવે છે. વાસ્તવમાં, ભારતીયોને આ બધી શીખ અને સમજ પરાપૂર્વથી પ્રાપ્ત સંસ્કારથી મળે છે જેમાં મંદિરોનું અભૂતપૂર્વ યોગદાન છે.
ડેવિડ કેમરન, થેરેસા મે, બોરિસ જ્હોન્સન સહિતના બ્રિટિશ વડા પ્રધાનો, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ હરહંમેશ મંદિરની મુલાકાત લેતા રહે છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નીસડન મંદિરની ૨૫ વર્ષની રજતજયંતીની ઉજવણી પ્રસંગે શુભેચ્છા પાઠવતા એમ પણ કહ્યું હતું કે,‘મંદિર ગૌરવશાળી બ્રિટિશ લેન્ડમાર્ક છે અને હિન્દુ કોમ્યુનિટીએ યુકેને આપેલી સર્વેશ્રેષ્ઠ ભેટોમાં એક છે.’ યુકેમાં આધ્યાત્મિક અને સામાજિક કાર્યોમાં સદા અગ્રેસર નીસડન મંદિર પર્યટકો માટે પણ આકર્ષણનું સ્થળ બની રહ્યું છે. આપણે તો આશા રાખી શકીએ કે બ્રિટિશ બ્રેડકાસ્ટિંગ કોર્પોરેશનને સદવિચાર અને સદબુદ્ધિ આપે!