હું યુનાઈટેડ કિંગ્ડમમાં રહેતા ગવર્નમેન્ટ ઓફ કેન્યાના કેટલાંક નિવૃત્ત સિવિલ સર્વન્ટ્સ પૈકી એક છું અને ક્રાઉન એજન્ટ્સ બેંક મારફતે પેન્શન મેળવું છું. છેલ્લે તમામ રિટાયર્ડ કર્મચારીઓના પેન્શનમાં ૧ જુલાઈ, ૧૯૯૧ના રોજ વધારો કરાયો હતો, જે એપ્રિલ, ૧૯૯૭માં ચૂકવાયો હતો. ત્યારથી પેન્શનમાં દર બે વર્ષે ૩ ટકાનો વધારો કરવાનું ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયું હોવા છતાં પેન્શનમાં કોઈ વધારો કરાયો નથી.
મેં ૨૦૧૪માં આ મુદ્દો મારા સાંસદ, ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ, લંડનના હાઈ કમિશન ઓફ કેન્યા, ગવર્નમેન્ટ ઓફ કેન્યાની ટ્રેઝરી, બ્રિટિશ હાઈ કમિશન, નાઈરોબી મારફતે ઉઠાવ્યો હતો. જોકે, તેમાં કોઈ સફળતા મળી નથી. ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના ૧૮ જુલાઈ, ૨૦૧૪ના મેસેજમાં જણાવાયું હતું,‘ વિદેશમાં વસતા પેન્શનરોના ઓડિટને લીધે પેન્શનમાં વધારો વિલંબમાં પડ્યો હોવાનું મનાય છે. ઓડિટ અને તે પાછળની સંસદીય પ્રક્રિયા પૂરી થશે એટલે વધારો આપવામાં આવશે. ૩૦ એપ્રિલ, ૨૦૧૪ના દિવસે આ રિપોર્ટ પાર્લામેન્ટમાં રજૂ કરવાનો હતો. અમને આનાથી વધુ કોઈ મહિતી મળી નથી.’ ૧૯ જાન્યુઆરી,૨૦૧૭ના રોજ પેન્શન ડિપાર્ટમન્ટ દ્વારા સલાહ અપાઈ હતી,‘ વિદેશમાં વસતા નિવૃત્ત કર્મચારીઓને પેન્શનની ચૂકવણી બાબતે ઉભા થયેલા પ્રશ્રોનો સંસદ દ્વારા ઉકેલ આવે અને ઓડિટર જનરલની ઓફિસ દ્વારા વધારાને અમલી બનાવતો આદેશ કરાય તેની ડિપાર્ટમેન્ટ પ્રતીક્ષા કરી રહ્યું છે.’ પરંતુ, તે પછી કોઈ જ સમાચાર મળ્યા નથી.
બળતામાં ઘી હોમાયું હોય તેમ એપ્રિલ ૨૦૧૯થી અમલી બને તે રીતે પેન્શન સસ્પેન્ડ કરી દેવાયું છે.
મને એવું લાગે છે કે આ સમસ્યા એકલા હાથે ઉકેલી શકાય તેમ નથી અને સામુહિક રજૂઆત ખૂબ જરૂરી છે. યુકેમાં અને વિદેશમાં અન્યત્ર વસતા ગવર્નમેન્ટ ઓફ કેન્યાના તમામ નિવૃત્ત કર્મચારીઓને શક્ય હોય તો માનનીય સી બી પટેલના માર્ગદર્શન/નેતૃત્વ હેઠળ એક ગ્રૂપ તરીકે સંગઠિત થવા અને શક્ય તેટલા વહેલા રજૂઆત કરવા મારી વિનંતી છે.