આઝાદી પર્વઃ હમ હોંગે કામિયાબનો મહામંત્ર

Thursday 13th August 2020 02:51 EDT
 

મહાનુભાવોનું કહેવું છે કે ગુલામીમાં જીવવાં કરતાં સ્વતંત્ર રહીને મરવું વધારે સારું છે. આપણે ખુશનસીબ છીએ કે ૧૫મી ઓગસ્ટે ભારતની આઝાદીની ૭૪મી વર્ષગાંઠ ઊજવી રહ્યા છીએે. કોરોના વાઈરસના રોગચાળાની પરિસ્થિતિ છતાં સમગ્ર દેશમાં સ્વાભાવિકપણે હર્ષોલ્લાસ છવાયો છે. દેશના લોકોનો મિજાજ જોઈને સમજી શકાય છે કે આ ૧૯૪૭નું નિર્બળ અને ગુલામ ભારત રહ્યું નથી. સ્વતંત્રતા સાથે જવાબદારી નિભાવતું અને વિશ્વમાં આગેકૂચ કરી રહેલું ભારત છે. વર્તમાન ભારતનો મહામંત્ર એ જ રહ્યો છે કે ‘હમ હોંગે કામિયાબ એક દિન, મન મેં હૈ વિશ્વાસ.’ આતંકવાદ, પડોશી દેશો સાથે સરહદી સમસ્યાઓ, અર્થતંત્રમાં મંદી, બેરોજગારી, મોંઘવારી જેવાં સ્થાનિક પડકારોની સાથોસાથ ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, સાયબર સુરક્ષા અને માનવાધિકાર સહિતના વૈશ્વિક પડકારો પણ છે. ભારતે તમામ સમસ્યાનું નિવારણ ખુદ કરવાનું છે અને સારી બાબત એ છે કે તે થઈ રહ્યું છે. ભારતના બહુમતી લોકો માને છે કે વડા પ્રધાન નરેન્દ્ર ‘મોદી હૈ તો મુમકિન હૈ’, જે તેઓ વિવિધ પગલાંઓ દ્વારા સાબિત કરી રહ્યા છે.
સૌપહેલા અર્થતંત્રની વાત કરીએ તો કોરોના મહામારીના કારણે દુનિયાના તમામ દેશોને મંદીનું વાતાવરણ સતાવી રહ્યું છે. મહામારીના પરિણામે બેરોજગારી અને મોંઘવારી પણ વધી છે. આમ છતાં, દેશ ધીરે ધીરે મંદીના દશામાંથી બહાર આવી રહ્યો છે. મહામારીથી ખોડંગાયેલા અર્થતંત્રને ગતિશીલ બનાવવા મોદી સરકારે અબજો રુપિયાની રાહતો જાહેર કરવામાં જરા પણ પાછીપાની કરી નથી. વિકસિત દેશોમાં અદ્યતન મેડિકલ સુવિધાઓ હોવાં છતાં, ભારતની સરખામણીએ ત્યાં મૃત્યુદર વધારે છે તેની પણ નોંધ લેવી આવશ્યક છે. આ ઉપરાંત, કોરોના વાઈરસની વેક્સિન શોધવામાં ભારતની સંસ્થાઓ આગળ આવી છે તેને પણ નજરઅંદાજ કરી શકાય નહિ. પડોશીઓ આપણે પસંદ કરી શકતા નથી તે તો હકીકત છે. આપણા સાખપાડોશી પાકિસ્તાન, ચીન, નેપાળ, શ્રી લંકા, બાંગલાદેશ સાથે આપણા સંબંધોમાં કડવાશ આવી છે. ભારત માટે હજી આતંકવાદ મોટો પડકાર છે. પાકિસ્તાન તો ભારતથી અલગ થયા સાથે જ દુશ્મનાવટનું વલણ ધરાવે છે અને આતંકવાદનો પ્રસાર કરતું રહે છે. ચીન સાથે સરહદી સમસ્યા અને ઘર્ષણ વધ્યાં છે. યુદ્ધ સર્જાય તેવી પરિસ્થિતિ પણ ઉભી થઈ હતી પરંતુ, આપણા નરબંકા જવાનોએ જડબાતોડ ઉત્તર વાળીને તેણે પીછેહઠ અને શાંતિની વાતો શરુ કરવી પડે તે સ્તરે લાવી દીધું છે. ચીન સામેના ઘર્ષણમાં અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા સહિતના દેશોએ જે સમર્થન આપ્યું તે વિશ્વકક્ષાએ ભારતે હાંસલ કરેલી પ્રતિષ્ઠાનું દર્શન કરાવે છે.
ઘણી વખત પડકારોનું નિરાશાજનક ચિત્રણ કરવામાં આવે છે. આપણી પાસે આ નથી, તે નથી. એક હકીકત છે કે બધા પાસે બધું હોતું નથી. આ તો ગ્લાસ અડધો ખાલી છે કે અડધો ભરેલો છે તે દર્શાવતી માનસિકતા છે. ભારત પાસે શું નથી? સૌથી મહત્ત્વની બાબત એ છે કે ભારત પાસે જે બુદ્ધપ્રતિભાસભર યુવાધન છે તે વિશ્વમાં અન્ય દેશો પાસે નથી. પડકારો છે તો સામનો કરનારા લોકો પણ છે. આજના ભારતીયો અને ખાસ કરીને યુવાનો કોઈ પણ પડકારને ઝીલી લેવા કટિબદ્ધ છે. આ યુવાધનને વધુ વિકસાવવા અને મજબૂત બનાવવા તાજેતરમાં જ નવી શિક્ષણનીતિ જાહેર કરવામાં આવી છે તે સારું ભવિષ્ય લાવશે તેમાં કોઈ શંકા નથી. ભારતીય મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં વિકાસમાર્ગે આગળ વધી રહી છે.
કવિ રોબર્ટ ફ્રોસ્ટ પોતાની કવિતા ‘Stopping by Woods on a Snowy Evening’માં કહે છે કે ‘But I have promises to keep, And miles to go before I sleep’. ભારત દેશ, દેશવાસીઓ અને નેતાગણ વિશે પણ આ એટલું જ સત્ય છે. આપણે પડકારોનો સામનો કરી દેશને સર્વોચ્ચ સ્થાને બેસાડવાના ઘણા વચનો આપ્યા છે અને તે પરિપૂર્ણ કરવાના છે. જે લોકોએ ભારતની સ્વતંત્રતા માટે જાનફેસાની કરી છે તેનું સ્મરણ કરી આપણે જરા પણ આળસ કે જડતા રાખી શકીએ નહિ.


comments powered by Disqus