અત્યારે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના-વાયરસની મહામારી પ્રવર્તી રહી છે ત્યારે સામાન્ય જનજીવનમાં અનેકવિધ ફેરફારો આવી ગયા છે. આ મહામારીએ આપણા સહુના જીવનમાં ખુબ જ અસર કરી છે. બ્રિટનના સમગ્ર જૈન સમાજની અત્યારે વાત કરીએ તો જૈન સમુદાયનું મહાપર્વ એટલે પર્યુષણ પર્વનો પ્રારંભ તા. ૧૫ ઓગષ્ટ ૨૦૨૦થી થાય છે. શ્વેતાંબર સંપ્રદાય એને પર્યુષણ પર્વ કહે છે અને દીગંબર સંપ્રદાય દસલક્ષણા પર્વ કહે છેઃ દસલક્ષણા પર્વની શરૂઆત પર્યુષણ બાદ તરત જ થાય છે.
માત્ર બ્રિટનના જૈનો જ નહીં પરંતુ સારાયે વિશ્વના જૈનો પોતપોતાના સમુદાયમાં અને સંઘમાં પર્યુષણ પર્વ ખુબ જ ધૂમધામથી અને ઉત્સાહપૂર્વક ઉજવતાં હોય છે. સર્વત્ર માનવમેળો ઉમટે અને આનંદપૂર્વક ધર્મ-આરાધનમાં ભાગ લે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ જ જુદી છે. આપણે સહુ લોકડાઉનમાં જીવીએ છીએ. મોટાભાગના લોકો માસ્ક પહેરીને ફરે છે. એકબીજાથી અંતર રાખે છે જેથી ચેપ લાગવાની સંભાવના સાવ ઓછી થઈ જાય. ઘણાખરા ઉદ્યોગ-ધંધા હજી પૂર્વવત્ ચાલુ થયા નથી. મોટી ઉંમરના લોકો બહાર નીકળતા ડરે છે. સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને લઈને મોટા આયોજનો થતાં નથી.
આ સંજોગોને અનુલક્ષીને યુ.કે.ભરનાં જૈનોમાંથી લગભગ મોટાભાગનાં તો ઘરે રહીને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ‘ઝૂમ’ ઉપર કે ‘યુટ્યબુ’ ઉપર પર્યુષણ પર્વ ઊજવશે. ઓશવાળ એસોસિએશન કે નવનાત વણિક એસોસિએશન જેવી મોટી સંસ્થાઓ ‘ઓનલાઈન’ પર્યુષણ ઊજવશે. આ સંસ્થાઓ સ્થાનિક વિદ્વાનો અને સંગીતકારોની સાથોસાથ ભારતના વિદ્વાનો અને જાણીતા-માનીતા ગાયકોના સથવારે પર્યુષણ પ્રસંગે લોકોને સંતોષ આપવા પ્રયત્ન કરશે. બધા ભાવિકો પોતાના લેપટોપ, આઈ-પેડ જેવા સાધનો પર જ બધુ જોઈ સાંભળીને સંતોષ માનશે. બીજી સંસ્થાઓ જેવી કે જૈન સમાજ યુરોપ, જૈન સમાજ માંચેસ્ટર, મહાવીર ફાઉન્ડેશન, નવયુગ જૈન પ્રગતિ મંડળ, વણિક એસોસિએશન, શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર, જૈન વિશ્વ ભારતી, જૈન નેટ-વર્ક, વિરાયતન વગેરે પણ ‘ઓનલાઈન’ પર્યુષણ ઉજવશે. કોઈકોઈ જગ્યાએ કદાચ પ્રતિક્રમણ નાના નાના ગ્રુપો દ્વારા સાથે મળીને કરે તેવી શક્યતા છે.
યુ.કે.માં ૬૫૦૦૦ જૈનો છે અને નાનીમોટી ૩૨ સંસ્થાઓ છે. ઈન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજી અને ‘વન-જૈન’ના નેજા હેઠળ તા. ૧૫ ઓગષ્ટ, શનિવારના દિવસે યુ-ટ્યુબ પર એક ભાતીગળ કાર્યક્રમનું આયોજન થયું છે. સવારે ૯-૪૫થી ૧૧ સુધીના આ કાર્યક્રમમાં બ્રિટનની ૩૨ સંસ્થાઓ એકસાથે મળીને ‘વન-જૈન’ના છત હેઠળ આની રજૂઆત કરશે. મોટામોટા રાજકીય નેતાઓ, સંતો, જૈનાચાર્યો, વિદ્વાનો અને ચુનંદી સંસ્થાઓના પ્રતિનિધિઓ પર્યુષણનો સંદેશ આપશે. એકતા અને બંધુત્વની ભાવનાનું આ જ્વલંત ઉદાહરણ બની રહેશે. આ કાર્યક્રમમાં યુ-ટ્યુબની લિંક પર ક્લિક કરીને આપ ભાગ લઈ શકશો. યુ.કે.ના અને ભારતના વડા પ્રધાનના અથવા તો તેમના પ્રતિનિધિઓના સંદેશા પણ આવી જવાની પૂરી શક્યતા છે.
આ ઉપરોક્ત કાર્યક્રમ શુભશરૂઆત રૂપ બની રહેશે. ત્યારબાદ તો બધી સંસ્થાઓ પોતપોતાની રીતે પર્યુષણના કાર્યક્રમો રજૂ કરશે. શ્વેતાંબર અને દીગંબર દહેરાસરમાં દર્શન માટે જઈ શકાશે. કાર્યક્રમોની વિગતો સંસ્થાની વેબસાઈટ પરથી મળી શકશે. આ ગુગલમાં સર્ચ કરવાની મળી રહેશે.
કોરોનાની આ મુસીબતમાં પણ લોકો પોતાની ધર્મભાવના ક્ષીણ નહીં થવા દે અને ઉત્સાહથી ભાગ લેશે.
મિચ્છામિ દુક્કડમ્ !

