- જ્યોત્સના શાહ
(શ્રાવણ મહિનો એટલે તહેવારોથી ભરપુર મહિનો. કોરોના મહામારીને કારણે ઉજવણીમાં લક્ષ્મણ રેખા આવી ગઇ. મર્યાદાના પાલન સાથે ઉજવણી કરવાનું કપરૂં તો ખરૂં પરંતુ અશક્ય નથી!! વિપરીત સંજોગોમાં સાનુકૂલન સાધ્યા વિના છૂટકો નથી. કોવીદ-૧૯થી દુનિયાભરના માનવીઓના જીવનમાં ધરખમ બદલાવ આવી ગયો. જે બાબત વાતો કે વ્યાખ્યાનથી આપણે શીખી ન શકીએ એ કોરોનાએ શીખવી દીધું.
ક્ષણભંગુર માનવ જીવનનો અહેસાસ કરાવ્યો. કરૂણાભાવ જગાડ્યો. મિત્રોમાં પ્રેમ જગાડ્યો. સગાં-સંબંધીઓમાં સંબંધનું મૂલ્ય સમજાવ્યું. કુદરતી પરિબળોના રક્ષણની સમજ કેળવાઇ. પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરવાથી થતાં નુક્શાનનું ભાન થયું. વાર-તહેવાર-પ્રસંગ-પર્વ બધું જ ઘર આંગણે, મર્યાદાનું પાલન કરી ઉજવવાની રીત શીખવી. અધતન ટેકનોલોજીના સદુપયોગથી આપણને ઘરમાં રહ્યાં રહ્યાં જીવનનો સાચો ધર્મ અને એના પાલનની દિશાનું જ્ઞાન લાધી ગયું.)
શ્વેતામ્બર જૈનોના પર્વાધિરાજ પર્યુષણ પર્વ શનિવાર, ૧૫ ઓગષ્ટથી શરૂ થશે અને ૨૨ ઓગષ્ટ ૨૦૨૦ છેલ્લો દિવસ. પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી. એ ક્ષમાપનાનું પર્વ. સર્વ જીવો પ્રત્યે ક્ષમાપનાનું આદાન-પ્રદાન. કેવી સુંદર ભાવના.
સામાન્ય રીતે શ્વેતામ્બર જૈનોના શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી આઠ દિવસ પર્યુષણના હોય છે. આ વર્ષે ૧૧થી શરૂ થાય છે. શ્વેતામ્બરના પર્યુષણ પૂરા થયા બાદ દિગમ્બર જૈનોના પર્યુષણનો પ્રારંભ થાય છે. એ દશ દિવસના હોય છે. એને દશ લક્ષણી પર્વ કહેવાય છે. દેહ શુધ્ધિ અને આત્મ શુધ્ધિનું આ પર્વ. પર્યુષણ પર્વની આરાધનાના પાંચ કર્તવ્યોમાં ક્ષમાપના પ્રધાન કર્તવ્ય છે. જૈન ધર્મની આ અદ્ભૂત વિશેષતા છે. આ પર્વે જૈન-જૈનેતરો સૌ કોઇ પ્રેમથી એકબીજાને 'મિચ્છામિ દુક્કડમ્" કહી ખમાવે છે.
દેવ-દર્શન, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા-સેવા, ભાવના, યથા શક્તિ નાની-મોટી તપસ્યા, દાન ધર્મ, દયા-કરૂણા ભાવથી સાધર્મિક સેવા...આદી દ્વારા પર્વની આરાધના થાય છે. આ બધું તો કરીએ પરંતુ અંતરમાંથી વેરભાવનાને વિદાય ન કરીએ, ક્રોધ પર કાબૂ ન મેળવીએ, અહંકારમાં રાચીએ, મોહ-માયામાં ફસાયેલા રહીએ, લોભવૃત્તિ ન છોડીએ તો મનની શુધ્ધિ કેવી રીતે થાય? તન-મનની શુધ્ધિના અનોખા પર્વે ક્ષણિક આનંદ નહિ, પરંતુ શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય એવા પ્રયાસો કરીએ.
આ આઠ દિવસો દરમિયાન, ક્રોધ, અહંકાર, માન, મોહ, માયા, લોભ જેવા આપણા આંતર શત્રુઓ પર વિજય મેળવી મન-વચન અને કાયાથી શુધ્ધ બન્યા પછી જ આઠમાં સંવત્સરીના ક્ષમાપનાના દિવસે સાચા હ્દયથી ક્ષમા માગી અને આપી શકાય. ક્ષમા માગવા અને આપવા માટે વીરની વીરતા જોઇએ. યુધ્ધમાં વિજય મેળવનાર યોધ્ધા ય ક્ષમા માગવાની વીરતા દાખવી શકતા નથી. એ માટે મનની ઉદારતા અને નમ્રતા જોઇએ. એટલે જ "ક્ષમા વીરસ્ય ભૂષણમ્" કહ્યું છે.
આજે જાતજાતના માનસિક રોગોથી પીડાતાંની સંખ્યા વધતી જાય છે. એનું મૂળ જાણીએ તો જ એમાંથી મુક્તિ મળે. કેટલીક બાબતો જીવનમાં એવી બને છે કે, જે કોઇને ના કહેવાય અને ના સહેવાય., મનમાં સંઘરી રાખેલ એ વિષાદ જ્યારે પરાકાષ્ટાએ પહોંચે ત્યારે માનસિક હાલત બગડે છે એવું મનોચિકિત્સકો પણ સ્વીકારે છે. હતાશા અને ડીપ્રેશનની બિમારીનું મૂળ દિલો-દિમાગમાં સંઘરી રાખેલ ક્રોધ કે દુશ્મનાવટના ભાવ હોય છે. એમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ એ છે કે, આપણાં હ્દયમાં ભરાઇ રહેલ વાતને બહાર કાઢી હળવા ફુલ બનવું. આપણે જાણતાં-અજાણતાં થયેલ ભૂલોની માફી માગવી અને અન્ય સાચા હ્દયથી ભૂલનો એકરાર કરે તો ઉદાર દિલે માફી આપવા જેટલી ક્ષમતા કેળવવી. એ માટે મનથી તૈયાર થઇએ તો જીવનનો માનસિક ભારથી હળવો થાય. હતાશા અને ડીપ્રેશનથી મુક્તિ મળે. આવી સુંદર ભાવના આ ક્ષમાપના પર્વના પ્રાણ સમી છે.
જૈન ધર્મમાં ક્ષમાપના અત્યંત સાહજિક છે. બધા જ એકબીજાને આસાનીથી 'મિચ્છામિ દુક્કડમ"કહી શકે છે. એ માત્ર ઔપચારિક ના બની રહે પણ ખરા હ્દયથી માફી મગાય ને અપાય તો સોનામાં સુગંધ ભળે. સુખના વાવેતર થાય. કુટુંબમાં, સમાજમાં, મિત્રોમાં, સગાં-સ્નેહીઓ સમક્ષ અંત:કરણપૂર્વક ક્ષમાપના કરાય અને મૈત્રીભાવનો મંગળ સંદેશ પહોંચાડી જીવ માત્ર પ્રત્યે કરૂણાભાવ જાગે તો જીવન સફળ થયું એમ અનુભવાય. ક્ષમા એ સદ્ગુણ છે. આત્માનો નિર્મળ ભાવ છે. પર્યુષણના પ્રથમ સાત દિવસ ધર્મ આરાધના કરી અંતર શત્રુઓ પર વિજય મેળવી એના સરવૈયા રૂપે જગતના તમામ જીવો સાથે મૈત્રીનો મધુર નાદ જગાવવાનો છે.
“વેરથી વેર વધે જગમાં,
પ્રેમથી પ્રેમ વધે જીવનમાં"
જૈનોના ૨૪મા તીર્થંકર પ્રભુ મહાવીરના મુખ્ય પાંચ ઉપદેશને જીવનમાં ઉતારવાના છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન. અહિંસાને જૈન દર્શનમાં વધુ મહત્વ અપાયું છે.
માનવ સૃષ્ટિ જ નહિ પરંતુ પશુ-પંખી, પૃથ્વી, પાણી, વનસ્પતિ સહિત સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવો પ્રત્યે સંવેદના પ્રગટાવવાનો સંદેશ છે. મન-વચન-કાયાથી અહિંસાનું પાલન કરવાની વાત છે. "અહિંસા પરમો ધર્મ" એ જૈન શાસનનું સૂત્ર છે. ‘જીવો અને જીવવા દો" જેવા સરળ સૂત્રના આચરણથી જ જીવનમાં પ્રસન્નતા આવી જાય છે. “જાતના ભોગે પણ જગતને જીવાડો"ની ઉદાત્ત વિચાર સરણી એ જૈન શાસનની શાન છે. સંવત્સરી પર્વે સમસ્ત સૃષ્ટિ સાથેના વૈરને વળાવી શુધ્ધ દિલથી પ્રભુ મહાવીરે દર્શાવેલ આદર્શ તરફ આગળ વધીએ. અનેકાંતવાદ એ જૈન દર્શનની મૌલિક અને મૂલ્યવાન ભેટ છે. અનેકાંતવાદ ભિન્ન ભિન્ન પર્યાયોને સાપેક્ષ ભાવે સ્વીકારીને સમન્વય સાધતો હોવાથી સંવાદિતા રહે છે. વૈચારિક વિશ્વમાં એ શ્રેષ્ઠ મનાય છે. ચાલો આપણે પ્રભુ મહાવીરના ઉપદેશની ચિંતનયાત્રા કરી જીવનને ધન્ય બનાવીએ.
આ પવિત્ર પર્વ નિમિત્તે હું "ગુજરાત સમાચાર"ના તમામ વાચક મિત્રોને અંત:કરણપૂર્વક ખમાવું છું. “ખામેમિ સવ્વ જીવ્વે, સવ્વે જીવ્વા ખમંતુ મે, મિત્તિમે સવ્વ્ ભૂએસ્સુ, વેરં મજ્ઝં ન કેણઇ" ( જગતના બધા જ જીવોને હું ખમાવું છું. સર્વ જીવો મને ક્ષમા આપે. ત્રણેય લોકમાં મારે કોઇની સાથે વૈર નથી.)
પ્રભુ મહાવીરની વાણી "સામો થાય આગ તો તું થજે પાણી"ના સંદેશથી હું મારી કલમને વિરામ આપું છું.