દેશમાં વિશાળ જનસમુદાય અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો આરંભ થાય તે મહાન અવસરની પ્રતીક્ષામાં હતો. જનમાનસના દેવતા શ્રી રામના મંદિરના નિર્માણ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે શુભ ઘડીમાં ભૂમિપૂજન કરવા સાથે કરોડો લોકોની સદીઓ જૂની આસ્થા આખરે ફળીભૂત થઈ છે. વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં સાચુ જ કહ્યું હતું કે ‘સમગ્ર રાષ્ટ્ર આજે ભગવાન રામની મોહિની હેઠળ છે. ઈશ્વરકૃપાથી ભારત દ્વારા સુવર્ણ પ્રકરણનું આલેખન થઈ રહ્યું છે.’ મોગલ બાદશાહ બાબરના સેનાપતિ મીર બાંકી દ્વારા ૧૫૨૮માં ભગવાન રામના જન્મસ્થાન પર મસ્જિદના નિર્માણથી ઉદ્ભવેલા રામ જન્મ ભૂમિ- બાબરી મસ્જિદ વિવાદનો આખરે અંત આવ્યો છે તેમ કહી શકાય.
ઘણા લોકોએ અને ખાસ કરીને પશ્ચિમી મીડિયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયેલા ભૂમિપૂજનની ટીકા કરી છે. તેમણે વડા પ્રધાન મોદી હિન્દુત્વ એજન્ડા તરફ આગળ વધી રહ્યા છે અને ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર રહ્યું નથી તેવી કાગારોળ પણ મચાવી છે. તેમને રામ મંદરનું નિર્માણ સામાજિક વિભાજન જેવું લાગે છે. આ વાત તેમણે કદી બાબરી મસ્જિદ માટે કહી ન હતી તે યાદ રાખવું ઘટે. એક બ્રિટિશ અખબારે તો વડા પ્રધાન મોદીને એવી સલાહ પણ આપી છે કે મંદિરો નહિ પરંતુ, મજબૂત અર્થતંત્ર, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબીમાંથી બહાર આવવાની તક જ ભારત માટે આરોગ્યપ્રદ ટોનિક બની રહેશે. આ વાત ખોટી નથી પરંતુ, મોદીની કામગીરીને હિન્દુવાદવિરોધી ચશ્મા પહેરીને જોવાની જરા પણ જરુર નથી. મુસ્લિમ સમાજમાં તલાકની પ્રથાવિરોધી કાયદો પણ મોદીના શાસનમાં જ આવ્યો છે તે યાદ રાખવાની પણ જરુર છે.
પાકિસ્તાનને ભારતમાં કશું પણ બને તો જાણે ટીકાઓ કરવાનો અવસર મળી જાય છે. પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનની ઐતિહાસિક ઘટના મુદ્દે પાકિસ્તાના રેલવેપ્રધાન શેખ રશીદે ભારત હવે બિનસાંપ્રદાયિક દેશ રહ્યો નથી, રામ નગર બની ગયો છે, ભારત હવે શ્રીરામના હિન્દુત્વનો દેશ બની ગયો છે તેવી અનિચ્છનીય અને અપ્રિય ટીપ્પણ કરી છે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતની સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદ વિવાદમાં આપેલા ચૂકાદાને ખોટો ગણાવી જ્યાં મસ્જીદ છે ત્યાં મસ્જીદ જ રહેવી જોઈએ પરંતુ, હવે ત્યાં મંદિર બની રહ્યું હોવાનો પ્રત્યાઘાત આપ્યો છે.
રામાયણ ફક્ત હિંદુ ધર્મ કે વર્તમાન ભારત દેશ પુરતી મર્યાદિત ન રહેતા ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કમ્બોડિયા, ફિલિપાઈન્સ, વિયેટનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. માત્ર ભારત નહિ, વિશ્વના અનેક દેશોમાં રામ અને રામાયણનું વિશેષ મહત્ત્વ છે. ઈસ્લામિક રાષ્ટ્ર ઇન્ડોનેશિયાની ૯૦ ટકા વસ્તી મુસ્લિમ છે છતાં ત્યાંના લોકોના આદર્શ શ્રી રામ છે.
રામ મંદિરનું પ્રસ્તાવિત મોડેલ અગાઉના મોડેલ કરતાં વધારે ભવ્ય છે. રામ જન્મભૂમિ મંદિર વિશ્વમાં ભારતીય સ્થાપત્ય કળાનું અનુપમ ઉદાહરણ બની રહેશે તે નિશ્ચિત છે. દુનિયાના દરેક ધર્મોમાં એકથી એક ચડિયાતા ધાર્મિક સ્થળો છે અને હવે રામ મંદિર પણ એમાં સ્થાન પામશે એ દરેક ભારતીય માટે ગૌરવની બાબત હશે. રામમંદિરના નિર્માણ સાથે અયોધ્યાની સિકલ બદલાઈ જશે. વિશાળ માર્ગો, એરપોર્ટ, હાઈટેક રેલવે સ્ટેશન અને હોટેલ્સ સાથે અયોધ્યા યાત્રાધામની સાથે ગ્લોબલ પર્યટનધામમાં ફેરવાઈ જશે. લોકોમાં રોજગારી વધશે
આપણે તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના ત્યાગ, તપસ્યા, કર્તવ્ય અને મર્યાદાના ઉત્કૃષ્ટ મૂલ્યોને પણ નજરમાં રાખવાના રહેશે. પ્રભુ રામે જીવનમાં તમામ મર્યાદાઓનું પાલન કરી પુત્ર, ભાઇ, પતિ, પિતા, રાજા, મિત્ર, એમ તમામ પ્રકારે વિશ્વ સમક્ષ મહાન આદર્શ પ્રસ્થાપિત કર્યો હતો તે પણ ન ભૂલીએ.