‘અહિંસા પરમો ધર્મ’ એ જૈનોનું સૌથી મોટું પ્રદાન છે. પરંતુ હું તો એ કહીશ કે પ્રભુ મહાવીરે જૈન ધર્મમાં સ્યાદવાદને પ્રમુખ સ્થાન આપેલું. ‘સ્યાદવાદ’એ વાદ નથી સંવાદ છે. એક દૃષ્ટિ છે, એક ઓળખ છે. સત્યને શોધવા માટે પૂર્ણ સત્યને ગ્રહણ કરવું પડે. દરેક અસ્તિત્વ તથા દરેક સુંદર પાસાંને મહત્ત્વ આપવું જોઈએ. અહિંસાને તપના માધ્યમો તો છે જ પણ ‘સ્યાદવાદ’ એ સર્વાંગિણ સત્ય એ ‘પ્રભુ મહાવીરે પ્રરૂપેલી ઉપલબ્ધિ છે. ભાષ્યકારો દરેક પાસાંમાં એકને મુખ્ય ને એકને ગૌણ માને છે. પ્રભુ મહાવીર દરેક પાસાંને મુખ્ય માનતાં મધ્યસ્થ ભાવને ગ્રહણ કરવાનું શીખવે છે. આ મધ્યસ્થ દૃષ્ટિ સમભાવની દૃષ્ટિ છે. અનુકંપાની કેડી છે. સ્યાદવાદનો પંથ છે. આ સમત્વભાવની દૃષ્ટિમાં અહિંસાને તપનોય સમાવેશ થઈ જાય છે. અહિંસા ફક્ત પ્રાણીઓની જ નહીં, પરંતુ સુક્ષ્મ જીવજંતુ, મન, વચન, વાણીની પણ. અહિંસા આચરવા જૈનો કદી ‘પ્રહાર’ ન કરે પણ સમત્વભાવથી ઉપહારને ઉપકાર કરે.
સ્યાદવાદ’નો પંથ - ‘મારી પાસે જ પૂર્ણ સત્ય છે’ એમ નથી કહેતો. વિશ્વના દરેક ધર્મો પાસે સત્યનો અંશ છે અને એ સત્ય જ ગ્રહણ કરવું તે સ્યાદવાદ છે. ‘મારું કહેવું જ માત્ર સત્ય છે’ એ બરાબર નથી જ, તેથી વાદ-વિવાદને યુદ્ધ શરૂ થાય છે. પ્રભુશ્રી મહાવીરે સમભાવની વાત કરતા કહ્યું કે ‘मम सत्यांशः तवापि सत्यांशः’ અર્થઃ મારી વાતમાં સત્ય છે. અને તમારી વાતમાં ય સત્ય છે. આમ માનીએ તો જ સુમેળને શાંતિ સ્થપાય અને વિશ્વ એક કુટંબ બને. પ્રભુશ્રી મહાવીરે દર્શાવેલ આ એક ઉપાય છે. દરેક પાસેથી સત્યાંશને ગ્રહણ કરવું અને પૂર્ણ સત્યનું સંશોધન કરવું. પ્રભુ મહાવીરે પ્રરૂપેલ સ્યાદવાદ માર્ગ સહુ કોઈ અપનાવે તો આ વિશ્વ વસુંધરા નવપલ્લવિત બને. પહેલાં ‘સત્યગ્રાહી બનીએ પછી સત્યાગ્રહી’.
પ્રભુ મહાવીરના વારસદારો આપણે છીએ અને કોવીદ ૧૯ના કપરા સમયમાં જૈનધર્મનું આચરણ અને સ્યાદવાદના પંથે ચાલવાનું આપણે સહુએ અપનાવવું જ રહ્યું. ‘સઘળું સુખ તો કોઈની પાસે નથી હોતું. પરંતુ અલ્પ સુખ તો દરેકની પાસે હોય જ છે. તેથી આપણે ખુદ અલ્પસુખના સ્વામિ તો છીએ જ. આપણી આંધળી દોડને સુખની પાછળ ભાગતી અટકાવીએ, થોભીએ અને આ અઘરા સમયમાં સમાજની જરૂરતમંદ વ્યક્તિઓને મદદરૂપ થઈએ. ધર્મ પ્રભાવના કરીએ. જેનો અર્થ ખૂબ જ વિસ્તૃત અને વિશાળ છે. ‘જીયો ઔર જીને દો’ થોડાંકમાંથી થોડું આપવાની ભાવના રાખીએ.
પ્રભુ મહાવીરના પંથે ચાલીએ ‘સ્યાદવાદ’ની મધ્યસ્થભાવને હૃદયમાં પ્રગટાવીએ. કઠિન પરિસ્થિતિમાં પણ મદદગાર બનીને સહારો બનીએ. જૈનશાસનની શોભા વધારીએ.
જય જિનેન્દ્ર