દેશની અનુસૂચિત જાતિ - જનજાતિઓ (SC/ST) માટે સરકારી નોકરીઓમાં પ્રમોશન મેળવવા પણ અનામતનો ક્વોટા કોઈ મૌલિક અથવા મૂળભૂત અધિકાર નહિ હોવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ મધપૂડો છંછેડ્યો છે. સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક અને નોકરીઓના ક્વોટાને અલગ પાડવાનો જ વ્યવહારુ પ્રયાસ કર્યો છે. અનામતના આધારે નોકરી મેળવી લીધા પછી તેમાં આગળ વધવું તેનો આધાર માત્ર યોગ્યતા કે ક્ષમતા જ હોવી જોઈએ તેમાં શંકા નથી. કોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ સંદર્ભે અનુસૂચિત જાતિ-જનજાતિઓમાંથી કઈ જાતિને વધુ રક્ષણ અને પ્રોત્સાહન મળવું જોઈએ તેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડ્યો છે તેમાં કશું ખોટું હોવાનું કહી શકાય નહિ.
ભારતના રાજકારણમાં પછાત વર્ગોને અનામતનો મુદ્દો હંમેશાંથી મતબેન્કનો મોટો હિસ્સો રહ્યો છે. દરેક રાજકીય પક્ષ માત્ર પોતે જ પછાત વર્ગોનો સાચો હામી હોવાનું ગાઈવગાડીને જાહેર કરવાનું ચૂકતો નથી, પરંતુ વરવી હકીકત એ છે કે તેમને આ કચડાયેલા વર્ગના વિકાસમાં ભાગ્યે જ કોઇ દિલચશ્પી હોય છે. બંધારણના ઘડવૈયાઓએ દર ૧૦ વર્ષે અનામતની સમીક્ષા કરવાનું અને શક્ય હોય તો અનામત દૂર કરવાનું પણ સૂચવ્યું હતું. પરંતુ આઝાદીના સાત દસકા પછી પણ અનામત યથાવત છે કારણ કે સરકારો દ્વારા પછાત વર્ગોના ઉત્થાન માટે જે કામગીરી કરાવી જોઈએ તે થતી નથી. ઘણાં વિસ્તારોમાં આજે પણ પછાત વર્ગો કહેવાતા ઉચ્ચ વર્ગોના હાથે અત્યાચાર અને સામાજિક બહિષ્કારનો શિકાર બનતો રહે છે. કાયદાઓનો અમલ માત્ર કાગળ પર જ રહી ગયો હોવાથી પરિસ્થિતિમાં સુધારો જણાતો નથી.
સુપ્રીમ કોર્ટે વધુ એક ચુકાદામાં અનુસૂચિત જાતિ / જનજાતિ પરના અત્યાચાર અટકાવવા સાથે સંકળાયેલા કાયદા (SC/ST એક્ટ)ની બંધારણીય માન્યતાને યથાવત્ રાખી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે આ કાયદા હેઠળ ઘણી વાર નિર્દોષ લોકોને જેલમાં જવું પડતું હોવાનું નજરમાં રાખી આરોપીની તત્કાળ ધરપકડ કરવા પર પ્રતિબંધ અને આગોતરા જામીન આપવાની જોગવાઈ કરી હતી, જેની વિરુદ્ધ કેન્દ્ર સરકારે સંસદમાં કાયદાને મૂળ સ્વરૂપમાં રાખવાનો સુધારો પસાર કરાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ બંધારણીય સુધારો માન્ય રાખવા સાથે આરોપીની તત્કાળ ધરપકડ કરી શકાય પરંતુ, તેને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા થકી આગોતરા જામીનનો લાભ પણ મળી શકે તેમ ઠરાવ્યું છે.
એ વાત સાચી છે કે વિકાસની દોડમાં દેશનો પછાત વર્ગ પાછળ રહી ગયો છે પરંતુ, પરિસ્થિતિ એવી છે કે તેમના પગમાં આરક્ષણની બેડીઓ બાંધી દેવાઈ હોવાથી તેઓ બરાબર દોડી શકતા નથી. ‘ક્રીમી લેયર’ સિવાય ક્વોટા સિસ્ટમના કારણે ગરીબી અને વંચિતતાની હાલતમાંથી બહાર આવી શક્યા હોય તેમનું પ્રમાણ નહિવત્ રહ્યું છે. આ માટે દેશના રાજકીય પક્ષો જ જવાબદાર ગણી શકાય. માત્ર ભાજપ અથવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશમાંથી આરક્ષણ નાબૂદ કરવા માગે છે તેવા નિવેદનો બેજવાબદાર નેતાઓ જ કરી શકે. આપણે બધાએ સાથે મળીને એવો વિકાસ સાધવો જોઈએ જેથી કોઈને અનામતની આવશ્યકતા જ ન વર્તાય. જો અનામત આપવાની જ હોય તો આર્થિક રીતે પછાત લોકોને અપાવી જોઈએ, જેના માપદંડ હેઠળ અનુસૂચિત જાતિ - જનજાતિઓ તેમજ અન્ય પછાત વર્ગોનો સમાવેશ કરી શકાય. આમ થશે તો આર્થિક રીતે સુખી-સંપન્ન વર્ગોને અનામતની જોગવાઈમાંથી બહાર રાખી શકાશે અને ગરીબ લોકોને વિકાસની દોડમાં સાંકળી શકાશે.
