BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. અટલાદરામાં હરિભક્તો દરરોજ પૂ.મહંત સ્વામીની પૂજા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. અગાઉ પૂ. મહંત સ્વામીએ નવસારીમાં વિચરણ કર્યું હતું. ૪થીએ સવારે પૂ. મહંત સ્વામીએ સવારે પૂજા દર્શન આપ્યા હતા.તેમણે સાત મંદિરોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. તેમાં નવસારી અને સાંકરી વિસ્તારના ગોડધા, વેગી, કઠોર અને માણેકપોર સહિતના મંદિરોનો સમાવેશ થાય છે. પૂ. મહંત સ્વામીએ બીલીમોરાના ભાવિ મંદિરની શીલાનું પૂજન પણ કર્યું હતું.
૫મીએ મંદિર પરિસરમાં પૂ. મહંત સ્વામીએ પ્રસાદી મંડપમનું ઉદઘાટન કર્યું હતું. તેમાં શ્રીજી મહારાજથી ગુરુપરંપરાની પ્રાસાદિક વસ્તુઓ મૂકવામાં આવી છે. ૬ઠ્ઠીએ સવારે પૂ. મહંત સ્વામીએ પૂજાદર્શન બાદ સંતો - હરિભક્તોને આશીર્વાદમાં જણાવ્યું હતું,‘ મહારાજ આપણને કામ ક્રોધની ગંદકીમાંથી મુક્તિ આપવા આવ્યા છે. દોષો અને સ્વભાવો ટળે તો બ્રહ્મરૂપ થવાય અને એ જ કરવાનું છે.’ ૭મીએ સાંજે મંદિરના પોડિયમ પર સભા યોજાઈ હતી. તેમાં મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા હરિભક્તોનું અભિવાદન કરાયું હતું. મુખ્ય હરિભક્તોને મંચ પર બોલાવી તેમને પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે, જે સત્સંગી હોય એ અંધશ્રદ્ધા-દોરા ધાગામાં ફસાતા નથી પણ ભગવાનનું શરણ દ્રઢ કરીને રાખે છે તે વિષય પર સંવાદ ભજવાયો હતો. બાળ યુવા વૃંદે નૃત્ય રજૂ કર્યું હતું.
૮મીએ પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ નવસારી વિસ્તારના ધો.૧૦ અને ૧૨ના સત્સંગી વિદ્યાર્થીઓની પેનો પ્રસાદીની કરી હતી.
ડાંગના રંભાસ ખાતે BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા જ્ઞાનસેવા વિદ્યા સંકુલનું સંચાલન થાય છે. ૯મીને રવિવારે સાંજે તેના વિદ્યાર્થીઓએ સંવાદ ‘ટર્નિંગ પોઈન્ટ’ રજૂ કર્યો હતો. તેમાં ઈન્ટરનેટના ચકરાવામાં ફસાઈને કેવું અધઃપતન થાય છે તેની વાત રજૂ કરાઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ડાંગી નૃત્ય પણ રજૂ કર્યું હતું. શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરાયું હતું. ૯મીને રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજભાઈ મોદીએ પૂ. મહંત સ્વામીની સૌજન્ય મુલાકાત લીધી હતી. સ્વામીએ તેમને પ્રસાદીનો હાર પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. ૧૦મીએ પૂ. મહંત સ્વામી નવસારીથી અટલાદરા પધાર્યા હતા.

